“વિશ્વાસઘાત” – અચૂક વાંચવા જેવી સ્ટોરી !!

વડોદરામાં, અપુર્વ અને વસંત લંગોટિયા દોસ્ત. કે.જી. થી કોલેજ સુધી સાથે જ રહીને ભણ્યા પછી વસંતે ફેમિલીનો ધીકતો કન્સ્ટ્રક્શન બિઝનેશ સંભાળી લીધો અને અપુર્વ એક ઇન્ટરનેશનલ બેંકની મુંબઇ બ્રાંચમાં સારી પોસ્ટ પર લાગી ગયો…

વસંતના એંન્ગેજમેન્ટ શિલ્પા સાથે નક્કી થયા. અપુર્વની જેમ વસંત હેન્ડસમ હતો તેમ શિલ્પા પણ કોઇ મોડેલ જેવીજ હતી.
એંન્ગેજમેન્ટ સમયેજ અપુર્વએ શિલ્પા સાથે પણ વસંત જેવીજ દોસ્તી બનાવી લીધી હતી અને તેથી બંને એકબીજાને નામથી જ બોલાવતા હતા. શિલ્પાના રુપ અને બુધ્ધીથી અંજાઇને અપુર્વએ મજાક પણ કરી લીધી કે જો વસંતની પહેલા તેણે શિલ્પાને જોઇ હોત તો આજે વસંતને બદલે શિલ્પા સાથે મારા એંન્ગેજમેન્ટ હોત…

તેમના લગ્નમાં અપુર્વ જ વસંતનો બેસ્ટમેન બન્યો હતો. વસંત અને શિલ્પા મેરેજ પછી વડોદરામાં જ તેમનો બિઝનેશ સંભાળી રહ્યા અને અપુર્વ ને મુંબઇની લાઇફ માફક આવી ગઇ હતી… તેને પણ પોતાની માલિકીની ફાયનાન્સ કંપની બનાવવાનુ ડ્રિમ હતુ અને એટલેજ પુરી લગનથી કામ કરવા પોતે લગ્ન કરવાથી દુર રહેતો હતો.

જોકે પહેલાની જેમ હવે બે વિક ને બદલે બે મહિને શનિ રવિની રજામાં તે વડોદરા મમ્મી-પપ્પા-મોટાભાઇ-ભાભીને મળવા આવતો… અને સમય કાઢીને અચુક વસંત-શિલ્પાને મળી આવતો…. શિલ્પાએ સુખી સાસરામાં કાંઇ કામ ના કરવાનુ હોઇ વસંતની ઓફિસ અને જીમમાં જ જવાનુ કામ રહેતુ.

આમ ને આમ ચાર વરસ વિતી ગયા, હવે તો અપુર્વના મમ્મી-પપ્પા પણ સમજી ગયા હતા કે જીદ્દી દિકરા આગળ કાંઇ ચાલવાનુ નથી તેથી તેને લગ્ન માટે કહેતા નહોતા.

આવી જ રીતે એકવાર અપુર્વ વડોદરા આવે છે… ચોમાસાના દિવસો હોય છે…. મોડી રાત સુધી કાયમની જેમ વસંત ના ઘરે બેસીને વસંત-શિલ્પા-અપુર્વ વાતો મજાક કરતા પત્તા રમી રહ્યા છે… બહાર વરસાદ અનરાધાર વરસી રહ્યો છે… અપુર્વ પોતાનુ યામાહ લઇને ઘરેથી આવ્યો હોઇ, વરસતા વરસાદમાં તેને ઘરે જવા માટે વસંત ના પાડે છે અને જવુ હોય તો પોતાની કાર લઇ જવા જણાવે છે…

અપુર્વ કારની ચાવી લઇ નીચે આવે છે… પણ બંગલા બહાર રસ્તા પરજ એટલુ બધુ પાણી ભરાયેલુ હોય છે કે કાર પણ ફસાઇ જાય… છેવટે આજની રાત તે વસંતના ઘરે રોકાઇ જાય છે. બાકી રહેલી મહેફીલ નો દોર ફરી ચાલે છે…ત્રણેય જણા પાના રમતા બેઠા છે, અપુર્વ તેની આદત પ્રમાણે હસી મજાક કરતો જાય છે. મોડી રાત થતા સુવાની તૈયારી ચાલે છે. વસંત પોતાના બેડરુમની બાજુના બેડરુમમાં અપુર્વનો બેડ બનાવવા શિલ્પાને કહે છે અને તે બંને બેડ બનાવવા જાય છે… ત્યાં અપુર્વ સાંભળે છે કે વસંત અને શિલ્પા વચ્ચે કોઇ વાત ચાલી રહી છે…. અપુર્વ કાચની વિન્ડોમાંથી બહાર જોતા વિચારે છે કે જો વરસાદ ધીમો પડે તો હજુય બાઇક કે કાર લઇને ઘરે જવા નીકળી જવાય.

થોડી વારમાં જ શિલ્પા પાછી આવે છે અને અપુર્વને તેનો બેડ તૈયાર છે કહી પોતે નીચે કિચનમાંથી પાણી નો જગ લેવા જાય છે… વસંત પોતાના બેડરુમમાં જ રોકાય છે.

અપુર્વ બેડરુમમાં આવે છે, ત્યાં બેડ પર નવો નાઇટ ડ્રેસ પડેલો જુવે છે. ત્યાં જ શિલ્પા પાણીના જગ સાથે ઉપર આવે છે અને અપુર્વને નાઇટ ડ્રેસ તરફ જોતા કહે છે કે વસંતનો નવો જ ડ્રેસ છે જે તેને આવી જશે… અપુર્વ બેડ પર બેસી પોતાના સોક્સ કાઢે છે.. શિલ્પા તેને લેવા નીચે નમે છે, એટલે અપુર્વ તેને તેમ કરતા રોકે છે અને સોક્સ પોતેજ મુકી દેશે કહી શિલ્પાના હાથમાંથી સોક્સ લેવા ટ્રાય કરે છે પણ શિલ્પા તરત હાથ પાછળ કરતા અપુર્વ લગભગ શિલ્પા પર નમી પડે છે… તેને પડતી રોકવા અપુર્વ તેને કમરથી પકડી લે છે…..જોકે આવી ઘટના તો બંને વચ્ચે સામાન્ય અને નિર્દોષ રીતે એકબીજાને પકડવા કે અડપલા કરવા તે સહજ જ હતુ… પણ આજે શિલ્પા કંઇક વધારે સિરીયસ બની શરમાઇ જાય છે. અપુર્વ તેના આ હાવભાવ જાણી જતા સોરી કહી સોક્સ લઇ લે છે અને પોતેજ બાજુના ટેબલ પર મુકી દે છે. કંઇક વિચારીને શિલ્પા પોતાના બેડરુમમાં વસંત પાસે જતી રહે છે.

અપુર્વ આમ તો ઘણીવાર વસંત સાથે તેના ઘેર સ્કુલ ટાઇમે, એક્ઝામ સમયે વાંચવા આવે ત્યારે નાઇટ રોકાતોજ હતો. એટલે અહીં આજે નાઇટ રોકાવુ એ નવી વાત નહોતી, પણ વસંતના મેરેજ પછી પહેલી વાર આમ રાતે રોકાવાનુ બન્યુ હતુ.

અપુર્વ સુતા સુતા ટીવી ઓન કરી ચેનલો બદલતા બદલતા સુવાનો પ્રયત્ન કરે છે અને HBO પર લેટ નાઇટ મુવી જુવે છે. મુવીમાં આવતા રોમેન્ટીક સિન અને બહાર વરસતો વરસાદ તેનેય રોમેન્ટીક બનાવી દે છે…. કલાક સુધી તે મુવી જોતા જાગતો જ રહે છે…ત્યાંજ તેનુ ધ્યાન જાય છે કે દરવાજા આગળ શિલ્પા ઉભી છે…

“કેમ હજુ ઉંઘ નથી આવતી?”

“ના બસ આ મુવી જોતો હતો…” અને અપુર્વ ચેનલ બદલે છે.

“અરે ચેનલ કેમ બદલેછે? જો જો તુ તારે… સિંગલમેને તો આમ જ મજા કરવાની હોય ને!!!” શિલ્પા તેને તુંકારેજ બોલાવતી હોય છે.

અપુર્વએ જોયુ કે શિલ્પા લાઇટ યલો નાઇટ ગાઉનમાં ઉભી છે અને પાતળા ગાઉનમાંથી તેનુ પારદર્શક જીમનાસ્ટીક બોડી દેખાઇ રહ્યુ છે.

“પણ તુ કેમ નથી સુતી? વસંત સુઇ ગયો?”

“હા, એ તો પથારીમાં પડ્યા સાથે જ ઘસઘસાટ ઉંઘી ગયો… હવે નગારા વાગે તોય સવાર સુધી નહીં ઉઠે”.

અને શિલ્પાએ બેડની બાજુના સોફા પર બેસતા ટીવી રિમોટ માંગ્યુ. રિમોટ લઇને તેણે Recall બટન દબાવી અપુર્વ જે મુવી જોઇ રહ્યો હતો તે જ મુવી ચાલુ કરતા બોલી..

“ચાલ મનેય જોવા દે તુ શું જુવે છે?”

અપુર્વ બેડમાં સુતા સુતા અને શિલ્પા સોફામાં બેઠા બેઠા, બંને સાથે મુવી જોઇ રહ્યા છે. થોડીજ વાર માં મુવી પુરુ થતા બીજુ મુવી ચાલુ થાય છે..ટીવી પર મુવી તેનુ કામ કરી રહ્યુ છે… હોલીવુડમાં બનેલી કોમેડી-ડ્રામા-રોમાન્સ મુવી “The Object of My Affection” ચાલી રહ્યુ છે….

શિલ્પા મુવી જોતાજ બોલે છે કે “ઓહ ગોડ… આ તો મારીજ સ્ટોરી છે..”

અપુર્વ સહેજ બેઠા થતા શિલ્પા સામે જોઇ રહે છે…બંને એકબીજા સામે જોઇ રહે છે અને શિલ્પા સોફામાંથી ઉભી થતા અપુર્વ પાસે બેડ પર આવે છે અને પિલો તેની બાજુમાં ગોઠવી બંને હેડબોર્ડને અઢેલીને બેસીને મુવી જોવા લાગે છે…

શિલ્પાએ લગાવેલા નાઇટ પરફ્યુમની આછી માદક સ્મેલ અપુર્વ માણી રહ્યો છે…મુવી જોતા જોતા બંનેના હાથ -શરિર એકબીજાને જાણતા-અજાણતા સ્પર્શ થતા રહે છે…ત્યાં જ બહાર મોટા કડાકા સાથે વાદળ ગર્જતાજ વીજળીના ચમકારા સાથે લાઇટ જતી રહેછે અને અપુર્વ વિચારે છે કે હિન્દી મુવીમાં આવા સમયે આમ વીજળીના કડાકા સાથે લાઇટ જતા હિરોઇન એ હિરોને વળગી પડતી હોય છે…. પણ રિયલ લાઇફ માં એવુ કશુય થતુ નથી… અને તે વિચારે તે જોરથી હસી પડે છે….તેનુ હાસ્ય સાંભળી શિલ્પા તેને કારણ પુછે છે અને અપુર્વ બેધડક કહી પણ દે છે કે તેણે હિન્દી મુવી જેવી અપેક્ષા રાખી હતી…

આ સાથે જ હિન્દી મુવીનો સિન ખરો સાબિત થતો હોય તેમ શિલ્પા અંધકારમાં જ અપુર્વને વળગી પડે છે…

બસ…. પછી તો કુદરત તેનુ કામ કરે છે, અને હિન્દી મુવીના સિનના બહાને ઇંગ્લીશ મુવીનો સિન ભજવાઇ જાય છે.
બંને એકમેકમાં ખોવાઇ જાય છે… બહાર વરસતા વરસાદમાં પણ બંને પરસેવામાં ન્હાઇ રહ્યા છે…

થોડા સમય બાદ….શિલ્પાના મુખ પર સંતોષની ઝલક છે…તો અપુર્વના મુખ પર વિષાદની.

અપુર્વ તરતજ કપડા બદલીને અડધી રાતે અંધારામાં જ બાઇક લઇ ઘરે નીકળી જાય છે.

તેને એક અકલ્પ્ય લાગણી થઇ આવે છે કે જે મિત્ર તેને અનહદ ચાહતો હોય છે, પોતાના પર આંધળો વિશ્વાસ રાખતો હોય છે, તેનો જ આજે વિશ્વાસઘાત કર્યો…

તે સોમવારને બદલે રવિવારે સવારે જ અચાનક મુંબઇ જતો રહે છે…

તેનુ મન કામમાં લાગતુ નથી… કોઇ સાથે વાતો પણ નથી કરતો… બસ ઓફિસ ટાઇમ પુરો થતાજ તે કાયમની જેમ ક્લબ પર જવાને બદલે જુહુ દરિયા કિનારે વરસાદ વરસતો હોય તો પણ લટાર મારી આવે છે અને માસીના ઘરે જમીને તરત પોતાના ફ્લેટ પર આવી જાય છે… આવુ દસ પંદર દિવસ સુધી ચાલે છે… તેના મનમાં મિત્રને વિશ્વાસઘાત કર્યાની જ લાગણી છે..

એક દિવસ આમ ઘરે આવીને મેગેઝીન વાંચતા બેઠો હોય છે ત્યાં ફોનની રીંગ આવે છે… તેને અનુમાન હોય છે કે કાયમની જેમ મમ્મીએ જ ફોન કર્યો હશે…તે ફોન રિસીવ કરે છે… સામેથી વસંતનો અવાજ આવે છે…

“અરે રોજ ફોન કરુ છું પણ રીંગ જ આવ્યા કરે છે એટલે આજે આમ મોડો ફોન કર્યો… કે તુ કદાચ મળે… બોલ કેમ અચાનક કહ્યા સિવાય તે દિવસે ઘરેથી વહેલી સવારે નીકળી ગયો હતો??… અને મુંબઇ જવા પણ એમ જ અચાનક નીકળી ગયો…. બધુ બરાબર તો છે ને!!!” વસંત એકધારુ બોલી ગયો.

“હા…ના…. હા… બધુ બરાબર છે… બસ… એક કામ યાદ આવી ગયુ હતુ… એક પાર્ટીને મળવાનુ હતુ … તો તરત નીકળી ગયો…. સોરી… તને….”

“અરે પણ મને કહેવુ તો જોઇએ ને… હું જાગતો જ હતો.. લાઇટ ગઇ એટલે જાગી ગયો હતો… ”

“………..”

“હેલ્લો……”

“…………”

અને અપુર્વએ ફટાક કરતો ફોન કટ કરીને મુકી દીધો… તેને આંખે અંધારા આવી ગયા…. તેના કાનમાં હજુય વસંતનો અવાજ ઘુમરાતો હતો… “હું જાગતો જ હતો…..હું જાગતો જ હતો….. હું જાગતો જ હતો….”

તો તો વસંતે જાગીને પોતાની બાજુમાં શિલ્પા નથી તે પણ જોયુ જ હશે…. કદાચ શિલ્પા મારા બેડરુમ માંથી નીકળી તે પણ જોયુ જ હશે….. ઓહ ગોડ…..

પણ જો વસંતે આ બધુ જોયુ હોય તો વસંતે કેમ કહ્યુ નહીં ? તેણે તો નોર્મલ રીતે જ ફોન પર વાતો કરી… અને હિંમત કરી અપુર્વએ સામેથી ફોન જોડ્યો…

પહેલી રીંગે જ ફોન ઉપાડ્યો…

“હેલ્લો…. વસંત….”

“ના હું શિલ્પા… ઓહ… અપુર્વ….”

અપુર્વ નોઅવાજ નીકળતો બંધ થઇ ગયો….

“હેલ્લો…અપુર્વ….”

“હા…. વસંતનુ કામ હતુ જરા…” માંડ અપુર્વ બોલી શક્યો….

“કેમ? હવે મારુ કામ નથી?? ” મજાકના સુરમાં જ શિલ્પા બોલી..

“ના…. હા….. ના ના એવુ નથી… પણ…. ”

“હવે પણ ને બણ… મને ખબર છે તુ શું વિચારે છેતે… કેમ અચાનક સવારે ભાગી ગયો.. એક દિવસ વહેલા મુંબઇ જતા રહેવુ….. આમ ફોન પર થોથવાઇ જવુ….”

હજુય શિલ્પા મજાકમાં જ બોલી રહી હતી….
અને અપુર્વએ હિંમત કરીને પુછીજ લીધુ કે તે રાત્રે વસંત જાગતો હતો તો તેણે જાણ્યુ કે નહી કે તેને કોઇ શંકા ગઇ હોય…. “આ’મ વેરી વેરી સોરી બટ….”

“હવે નો સોરી…. અને વસંત “સંત” જેવો છે…તેને કાંઇ શંકા નથી ગઇ… તે તો એવુ સમજી રહ્યો છે કે હું તે રાત્રે બાથરુમ માં ગઇ હતી… ”

અપુર્વને થોડી હાશ થઇ… અત્યાર સુધી તેને વિશ્વાસઘાત- ખોટુ કર્યાનો અજંપો હતો .. હવે ખોટુ કર્યાનુ છુપાયેલુ રહ્યુ તેનો આનંદ થયો…

પણ આ બનાવ પછી હવે તો તે સદંતર વડોદરા જતો બંધ થઇ ગયો… વસંતના ફોન કોઇ કોઇ વાર આવી જતા… વચ્ચે મમ્મી પપ્પા બે વાર મુંબઇ આવી ગયા… માસી સાથે રહીને અપુર્વના માટે કોઇ છોકરી શોધવાની વાતો કરી… પણ હજુય અપુર્વ તેના માટે તૈયાર નહોતો.. તેની પોતાની ફાયનાન્સ કંપની શરુ કરવાનો પ્રોજેક્ટ પણ શરુ થઇ ગયો હતો….

પ્રોજેક્ટ માટે ડાઉન પેમેન્ટ ઉપરાંત મોર્ગેજ માં કોઇ પ્રોપર્ટી મુકવા માટે ફાયનાન્સ બેંક દબાણ કરી રહી હતી… પોતાની વડોદરાની પ્રોપર્ટી જોઇન્ટ નામે હતી તેથી તેમાં મુશ્કેલી હતી… હવે તો કોઇની મદદ મેળવવી જ પડે તેમ હતુ… અને અપુર્વને તે માટે વસંતની યાદ આવી…

તે એકજ વ્યક્તી હવે હતી જે તેને મોર્ગેજમાં પોતાની પ્રોપર્ટી આપી શકે. પણ તેવી વાત કરવાની અપુર્વની હિંમત ચાલતી નહોતી…

એક દિવસ માસીને ઘરેથી જમીને ઘેર આવ્યા બાદ તે વસંતને આ માટે ફોન કરવા વિચારી રહ્યો હતો… ત્યાંજ ફોનની રીંગ વાગે છે….

“એક ખુશ ખબર છે…. પણ તારે વડોદરા આવવાનુ જ છે… તુ આવે પછીજ કહીશ… આ રવિવારે આવીજ જા…” ખુબ ખુશ થતા વસંત બોલી રહ્યો હતો…

“પણ તુ જાણે છે કે મારે અહીં કામ ચાલી રહ્યુ છે…મારા..”

“કશું જ નહીં… બસ આવી જા…” અને વસંતે આનંદ મિશ્રીત સત્તાવાહી અવાજે કહીને ફોન કટ જ કરી દીધો…

અપુર્વએ વિચાર્યુ કે ચલો… હવે રુબરુ જઇને જ મોર્ગેજની વાત કરીશ…

અપુર્વ શનિવારે રાત્રે વડોદરા ઘરે પંહોચીને બીજા દિવસે કેવી રીતે મોર્ગેજની વાત વસંતને કરવી તે વિચારતા રવિવાર સવારની રાહ જોતા સુઇ જાય છે.

રવિવારે સવારે તે તૈયાર થઇને લિવીંગરુમમાં આવે છે… તો મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી અને ભત્રીજી મૈત્રી પણ ત્યાં તૈયાર થઇને અપુર્વનીજ રાહ જોતા બેઠા હોય છે.

અપુર્વ જરા છોભીલો પડી જાય છે… તે સહુને ક્યાં જઇ રહ્યા છો તે પુછે છે…પણ બધાતો તેની સાથેજ વસંતના ઘેર આવી રહ્યાનુ જણાવે છે. હજુ અપુર્વને કાંઇ સમજાતુ નથી કે આ શું થઇ રહ્યુ છે… તે ભાભીને પુછે છે પણ કોઇ તેને જણાવતુ નથી અને હસતા હસતા જવાબ ટાળે છે… અપુર્વ ની મુંઝવણ વધતી ચાલે છે..

છેવટે તેઓ કારમાં વસંતના ઘરને બદલે રેસકોર્સ રોડ પર બન્જારા પાર્ટી પ્લોટ પર પંહોચે છે…

પાર્ટી પ્લોટને ભવ્ય રીતે ડેકોરેટ કરેલો છે. આજુબાજુ પિંક બલુન લગાવેલા છે… ડેકોરેશન પણ પિંક થિમ પર છે… રિસેપ્શન હોલમાં જતાજ વસંત લગભગ દોડતો તેમને વેલકમ કરવા આવે છે… અને પોતાના બેસ્ટ ફ્રેન્ડને સહુથી આગળ લઇ જઇ, ફર્સ્ટ રોમાં સોફામાં બેસાડે છે… હજુય અપુર્વ અવઢવમાં જ છે…ત્યાંજ શિલ્પા ટ્રેડિશનલ ડ્રેસ માં તૈયાર થઇ વચ્ચેના મંડપમાં આવે છે… તેનુ ઉપસેલુ પેટ જોતા જ અપુર્વ લગભગ સોફામાં ઉછળે છે…અને તેને આખી વાત સમજાઇ જાય છે… કે આ શિલ્પાનુ બેબી શાવર (સિમંત) છે… તે મનોમન પેલી વરસાદી રાતને યાદ કરતા દિવસો ગણે છે…હોલ માં ફુલ એસી ચાલુ હોવા છતાં તેને પરસેવો થવા લાગે છે… પણ તોય તેના મનમાં શંકા રહે છે… કે કદાચ વસંત થી જ…..

સિમંતની વિધીમાં લાડલા દિયરની ભુમિકા પણ તેનેજ નિભાવવાની આવે છે… શિલ્પાને પિઠી લગાડતા તેના હાથ ધ્રુજે છે… શિલ્પા તે ધ્રુજારી જાણી જાય છે…અને અપુર્વનો હાથ પકડી પોતાના પેટ પર અડકાડતા નફ્ફટાઇ સાથે ધીમેથી બોલે છે “બાપ થઇને ધ્રુજો છો??” અપુર્વ આંચકા સાથે હાથ ખેંચી લે છે… અડધા પ્રસંગે તે તબિયત સારી નથી નુ બહાનુ કાઢી ઘરે જવા કહે છે પણ વસંત માનતો નથી… “હું પોતે બાપ બનવાનો છું તેની ખુશીમાં તારે તો સહભાગી થવાનુ જ હોય…” કહેતા તે અપુર્વને પરાણે પકડી રાખી ના જવા સમજાવે છે.. અપુર્વ કોઇપણ ભોગે ત્યાંથી છટકવા માંગે છે, ત્યાં શિલ્પા આવે છે… અને બધી વાત જાણી ને કહે છે “જો અપુર્વ તુ જઇશ તો તને મારી આવનારી દિકરીના સમ છે…”

અપુર્વ સોફા પર ફસડાઇ પડે છે… શિલ્પા તેની સામે હજુ હસી રહી છે….

છેવટે બધી વિધી અને રિસેપ્શન લંચ વગેરે પુરુ થતા સાંજ પડે છે. વસંત આજે અપુર્વને રાત્રે ઘરે આવવા કહે છે.. પણ હવે અપુર્વ કોઇ વાત માનતો નથી અને આજે રાત્રે તો પાછા મુંબઇ જવુજ પડે નુ બહાનુ કાઢી જતો રહે છે.

અપુર્વને ચેન પડતુ નથી… એક બાજુ મોર્ગેજની વાત નુ ટેન્શન છે, જે વસંત ને કહેવાનુ હોય છે પણ અહીં તો આખો માહોલ જ બદલાઇ ગયો હોય છે, અને તેનાથી જ બીજુ ટેન્શન શરુ થઇ જાય છે… ઘરે આવીને તરત તે જે પહેલી ટ્રેન હોય તેમાં મુંબઇ જવા રવાના થઇ જાય છે…

તેના પ્રોજેક્ટનુ લગભગ કામ પુરુ થઇ ગયુ છે… કન્સલટન્સી કંપનીએ ફાઇનલ ડ્રાફટ તૈયાર કરી જો અપુર્વ ગ્રીન સિગ્નલ આપે તો સ્ટાફ રિક્રુટ કરવા તૈયારી બતાવી દીધી છે. પણ હવે એકજ કામ બાકી છે જે મોર્ગેજ પ્રોપર્ટીનુ. તે માટે ફાયનાન્સ કંપનીએ ત્રણ મહિનાની ફાઇનલ મુદત આપી દીધી છે. હવે તો ત્રણ મહિનામાં જો મોર્ગેજ ના બતાવે તો ડોક્યુમેન્ટ્સ રિન્યુ કરાવવા પડે અને ખર્ચ વધી જાય તેમ છે.

અપુર્વએ શક્ય તેટલી બધી જગ્યાએ ટ્રાય કરી જોયા, એકવાર તો ઇન્ટરેસ્ટ રેટ વધારે ભરવાની પણ તૈયારી બતાવી… પણ ક્યાંયથી કામ થતુ નહોતુ…

આખરે તેણે વસંતને ફોન કરીજ લીધો…”વસંત… તુ જાણેછે કે મારો ડ્રિમ પ્રોજેક્ટ પુરો થવાની તૈયારીમાં છે… પણ કામ એક કારણથી જ અટક્યુ છે… મારે મોર્ગેજમાં કેશ ડાઉન પેમેન્ટ ઉપરાંત મિનીમમ ત્રણ કરોડની પ્રોપર્ટી મુકવી પડે તેમ છે… ”

અને અપુર્વએ બધી ડિટેઇલ સમજાવી…

સામે છેડે વસંત ફક્ત “હા” હંમમમ” માં જ બોલતો રહ્યો… આખરે વાત પુરી થતા વસંતે કહ્યુ … “પહેલા કેમ ના જણાવ્યુ?…. કાલે સવારે જ મારા લોયરને કહીને પેપર તૈયાર કરાવુ છું… ચિંતા ના કરીશ. આખરે આ બધુ તને કામ નહીં આવે તો કોને કામ આવશે?” અને જરુરી એકાઉન્ટ નંબર, કોન્ટેક્ટ નંબર લઇ ફોન પુરો કર્યો.
ફોન પુરો થતા અપુર્વને મોટી નિરાંત થઇ… તેનેય થયુ કે આજ સુધી ખોટી ચિંતા કર્યા કરી… પહેલાજ વસંતને જણાવી દેવાનુ હતુ…

આજે તેને ઘણા સમય પછી શાંતિની ઉંઘ આવી..

બીજા દિવસે તેણે ફાયનાન્સ કંપનીને જણાવી દીધુ કે આ વિકમાં જ કામ પુરુ કરે…

આખરે અપુર્વની પોતાની ફાયનાન્સ કંપની નુ કામ પુરુ થયુ…. . જે દિવસે તેનુ ઓપનિંગ હતુ તે જ દિવસે વહેલી સવારે શિલ્પાને બેબી ગર્લ બોર્ન થઇ.. વસંતે ખુશી ખુશી આ ખુશ ખબર અપુર્વને ફોનથી આપ્યા… અપુર્વએ પણ સામે તેને અને શિલ્પાને બેબી ગર્લ માટે અભિનંદન આપ્યા….

વસંતે તેના ઓફિસના ઓપનિંગ ફંકશનમાં હાજર ના રહી શકવા બદલ માફી માંગી અને તેને પણ અભિનંદન આપ્યા…

અપુર્વએ ગદ્ગદ્ થતા વસંતનો આભાર માનતા કહયુ કે “જો વસંત, તુ ના હોત તો આજે મારા માટે આ દિવસ ના હોત…”

“અને ….જો અપુર્વ, તુ ના હોત તો આજે મારા માટે આ દિવસ ના હોત…” વસંતે એટલીજ સહજતાથી સામે કહ્યુ.

……. અને વસંતે તેને હવે આખી વાત જણાવી….
“લગ્ન ના ત્રણ વરસ બાદ પણ શિલ્પા પ્રેગનન્ટ ના રહી ત્યારે અમે અમારા ફેમિલી ડોક્ટરની એડવાઇઝ લીધી… અને સ્પેશીયાલિસ્ટ ડોક્ટરને બતાવવાનુ નક્કી કર્યુ… જેના ટ્રિટમેન્ટ અને ટેસ્ટ બાદ શિલ્પા એકદમ નોર્મલ હતી… પણ ખામી મારામાં હતી …

Oligospermia ના લીધે મારા સ્પર્મ એક્ટિવ નહોતા રહેતા…. જેથી જો અમારે બેબી જોઇતુ હોય તો કોઇ ડોનરની મદદ લેવી પડે જેને મેડિકલ પ્રોસેસ IVF થ્રુ શિલ્પામાં ઇમ્પ્લાન્ટ કરવા પડે…

અમારે માટે આ જ એક રસ્તો હતો… આથી અમે બંનેએ બહુ ચર્ચાને અંતે નક્કી કર્યુ કે કોના સ્પર્મ લેવા.. જેમાં તારુ પણ નામ ટોપ પર હતુ… યાર બીજા કોઇ અજાણ્યાના સ્પર્મ પર વિશ્વાસ કરવો તેના કરતા તારા જેવો ફ્રેન્ડ, કે જેને હું બાળપણ થી પુરી રીતે જાણુ, તારી કાબેલિયત જાણતો હોંઉ, તારા સંસ્કાર જાણતો હોંઉ, તને એક મિત્ર, એક ભાઇ કરતા પણ વધારે માનતો હોંઉ, અને જ્યારે શિલ્પા પણ તને જાણતી હોય…. ત્યારે મારે-અમારે બીજે ક્યાં નજર દોડાવવી!!!! આખરે અમે બંને એ તારા પર પસંદગી ઉતારી…પણ તને કઇ રીતે જણાવવુ તે જ મોકો અમે શોધી રહ્યા હતા… અમને સોશિયલી ડર તો કે તને ડોનર બનવા જણાવતા તુ કદાચ માને કે ના માને…. જ્યારે મેડિકલી ડર હતો કે ઇન્પ્લાન્ટ માં ૪૦%-૭૦% અસફળતાનુ જોખમ રહેતુ હોય છે.

અને તે વરસાદી રાત્રે ભગવાને જ અમને તે મોકો આપી દીધો… અમારે કોઇ મેડિકલ જોખમ લેવુ નહોતુ … તુ સ્પર્મ ડોનેટ કરવા માને કે ના માને તે પણ એક મુંઝવણ હતી….આખરે મારા મનની વાત મેં તે રાતે શિલ્પાને કરી… આના કાની… સભ્યતા…. સંસ્કાર… શરમ …..નૈતિકતા….. સૃષ્ટીના નિયમો…. સમાજ… વિશ્વાસ…. પવિત્રતા… પ્રેમ…. બધી સમજાવટ- શાસ્ત્રોના ઉદાહરણ- માનસિક સંતુલનના ઝગડા અને સમાધાન ને અંતે માતૃત્વને મુદ્દે શિલ્પા મહામહેનતે વાત માને છે… આમાં કોઇ પાપ નહોતુ… અમારો કોઇ પ્રત્યે વિશ્વાસઘાત નહોતો… કોઇ એકનો સ્વાર્થ નહોતો…. બધુ અમે બંને જાણતાજ હતા…ફક્ત તારી આગળ અજાણ્યા બનવાનુ હતુ….

આ વાત તને કે આપણા સમાજને નહીં સમજાય… પણ મારા માટે અને ખાસ તો શિલ્પા માટે માતૃત્વ પ્રાપ્ત કરવુ તે દુનિયાની પહેલી પ્રાયોરિટી હતી… કોઇપણ ભોગે.

અને તે દિવસે કુદરતે તક આપતા અમે ભગવાનનો પાડ માન્યો… બધુ મારી-અમારી જાણ માં જ થયેલુ…”

અપુર્વ આ સાંભળીને સ્તબ્ધ થઇ જાય છે… પહેલાતો તેને વસંત પર નફરત થાય છે, પણ પછી તેની પરિસ્થિતી સમજે છે, પોતાની તે વખતની હાલત પણ જવાબદાર તો હતીજ તેય સમજાય છે… તેને તે વરસાદી રાતની સમગ્ર ઘટના અને પેલા દિવસે ફોન પર બોલાયલા શિલ્પાના શબ્દો યાદ આવે છે…..”હવે નો સોરી…. અને વસંત “સંત” જેવો છે…તેને કાંઇ શંકા નથી ગઇ… ..”

વસંત તેને ખરેખર સંત લાગે છે. જેને તે પોતાનાથી થયેલી ભુલ માનીને સતત પોતાને દોષી માનતો રહ્યો તે ખરેખર તો ભુલ હતીજ નહીં… પણ કોઇના જીવનમાં “ફુલ” ખિલવવા જેવુ કામ હતુ તે સમજાય છે…… તે ગળગળો થઇ વસંતની માફી માંગે છે… પણ વસંત તેને શિલ્પાનો ફોન જોડી આપે છે… અપુર્વ તેને પણ અભિનંદન આપે છે અને તેની માફી માંગે છે…

“અરે અપુર્વ… તુ ખરેખર અપુર્વ જ છે… તારા લીધે તો અમારા જીવનમાં ખરી “વસંત” આવી છે… ક્યારે જોવા આવે છે તો વસંતની દિકરીને???” શિલ્પા આભારવશ બોલે છે.

અપુર્વ ને અહેસાસ થાય છે કે તેના પર ખરેખર બધી બાજુથી તો નહીં, પણ બે રીતે લક્ષ્મીજી પ્રસન્ન થયા છે…

લેખક : મુકેશ રાવલ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *