પ્રાચીન કાળથી જ હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ એવી પરંપરા ચાલતી આવી છે. તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. તુલસીને લક્ષ્મીજીનું સ્વરુપ ગણાય છે અને જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક પ્રકારનાં છોડ ઘરમાં રોપવાથી સકારાત્મક ઉર્જા મળે છે, એટલે અવશ્યથી ઘર આંગણે તુલસીનો છોડ હોવો જ જોઈએ. તુલસીની પૂજા કરાવીએ શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે કારણ કે આની પૂજા કરવાથી આપણને મૃત્યુ બાદ મોક્ષ મળે છે. તુલસી જે ઘરમાં હોય છે તેમને ધન, સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ સિવાય રોજ તુલસીના દર્શન કરવાથી પણ પાપ માંથી મુક્તિ મળે છે. શાસ્ત્રમાં જણાવેલ છે કે તુલસીની માળાથી લક્ષ્મી મંત્રનો નિયમિત પાઠ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. કહેવાય છે કે જે સ્ત્રી રોજ રાત્રે તુલસી પાસે ધીનો દીવો કરે છે તો તેનાથી દરેક પ્રકારનાં દોષ દૂર થાય છે.
તુલસીનાં છોડનો ઉપયોગ પૂજા, ઉપવાસ, યજ્ઞ, હવન અને જપ-તપમાં કરવામાં આવે છે. આની પાછળ પણ સાંસ્કૃતિક કારણ છે, કહેવાય છે કે કોઈ પણ પૂજા કે હવન કે પછી ઉપવાસ દરમિયાન તુલસીનો ઉપયોગ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનાં છોડથી સકારાત્મક ઉર્જા બની રહે છે અને ભગવાનની કૃપા પણ આપણી ઉપર હંમેશા બની રહે છે. તુલસીનાં અન્ય ફાયદા અને અમુક એવી વાત જેને ધ્યાનમાં રાખવી આવશ્યક છે, જેથી આપણને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય. આવો તો વિગતમાં જાણીએ કે તુલસીનાં ક્યારાને કઈ દિશામાં મુકવો વગેરે…
આ દિશામાં મૂકવો તુલસીનો છોડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ ઉત્તર કે પૂર્વ દિશામાં કે પછી ઉત્તર પૂર્વમાં લગાવવો જોઈએ. તમે તુલસીનો છોડ કુંડામાં લગાવીને તેને આ દિશાઓમાં મુકી શકો છો. ભારતીય ગ્રંથશાસ્ત્રમાં ઉત્તર અને પૂર્વ દિશાને વધુ શુભ માનવામા આવે છે. આમ તુલસીના છોડને પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવાથી સારું ફળ મળે છે. તુલસીપત્ર અને તુલસીના છોડની ગણના દેવ સ્વરૂપે કરવામાં આવતી હોવાથી ભગવાનને ધરાવતા નૈવેદ્યમાં પણ તુલસીપત્ર મુકવામાં આવે છે.
તુલસીનો છોડ ઘરની બહાર જ લગાવો
તુલસીના છોડને ઘર કે મંદિરની બહાર લગાવવાની પાછળ એક રસપ્રદ કહાણી છે, જે વિશે કદાચ જ તમને ખબર હશે. કહેવાય છે કે તુલસીના પતિનાં મૃત્યું બાદ ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાની પ્રિય સખી રાધાની માફક ગણી હતી. એક દિવસ તુલસીએ વિષ્ણુને કહ્યું કે તે તેઓ તેમના ઘરે આવવા માંગે છે. પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને ના કહેતા કહ્યું કે મારું ઘર ફક્ત લક્ષ્મી માટે છે પરંતુ મારું દિલ તમારા માટે છે. તુલસીએ પ્રતિઉત્તર આપતા કહ્યું કે મને ઘરની અંદર નહી તો બહાર જ સ્થાન આપો, જે ભગવાન વિષ્ણુએ માની લીધું. ત્યારથી આજ દિન સુધી તુલસીનો છોડ ઘર અને મંદિરોની બહાર જ લગાવવામાં આવે છે.
આ દિવસે ક્યારેય ન તોડવા તુલસીનાં પાન
કહેવાય છે કે તુલસીનાં પાન જો અમુક દિવસે તોડવામાં આવે તો આપણે પાપનાં ભાગીદાર બનીએ છીએ અને લક્ષ્મીજી પણ રુઠે છે. આપણાં શાસ્ત્રો અનુસાર તુલસીનાં પાન અગિયારશ, રવિવાર, ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણનાં સમયે અને રાત્રે તો ખાસ ન તોડવા.
તુલસીનાં પાન ચાવવા નહીં
તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. પાંદડાને ચાવતા સમયે તે તત્વ આપણા દાંતોમાં લાગી જવાથી નુકસાન પહોંચે છે. તેથી તુલસીનાં પાનને ગળી જવા જોઈએ.
દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ
તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. આ સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આનાં માટે આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહીંતર થશે નુકસાન
ક્યારેય તુલસીનાં છોડ સાથે અન્ય કોઈ છોડ ન ઉગાડવો અને તેમાં પણ ખાસ ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન રાખવો. જો આમ કરશો તો લાભ થાવાને બદલે નુકસાન થશે. તમે જ્યારે પણ શાલીગ્રામની પૂજા કરો છો ત્યારે ભૂલ્યા વગર તુલસીનાં પાનનો ઉપયોગ કરવો, કારણ કે તુલસીનાં પાંદડા વિના શાલીગ્રામની પૂજા અધુરી રહે છે. જે દિવસે તમે ઘરમાં તુલસીનો છોડ વાવો છે ત્યારથી રોજ નિયમિત રુપે તુલસીને પાણી ચઢાવો અને સાંજે દીવો કરવો. તેનાથી દોષ તો દૂર થાય છે, પરંતુ જેમને સંતાન ન થતું હોય તેમનાં માટે તો સૌથી વધારે લાભદાયક ગણાય છે. જો કોઈ કારણસર તુલસીનો છોડ કરમાઈ જાય તો તેને કચરામાં ન ફેંકી દેતા, તેને કુંડા માંથી ઉપાડીને આસપાસની નદીમાં વહાવી દેજો. સુકાઈ ગયેલો છોડ ક્યારેય પગની નીચે ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તુલસીમાં રહેલ છે ઔષધીય ગુણો
તુલસી જેટલી પુજનીય છે તેટલી જ ગુણકારી પણ છે. તુલસીને આયુર્વેદમાં સંજીવની જડીબુટી માનવામાં આવે છે. તુલસીનાં છોડની ખુશ્બૂ વાતાવરણને પવિત્ર બનાવે છે, જેનાથી સુક્ષ્મ કિટાણુંઓનો નાશ થાય છે. તુલસીમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ, ફાઇબર, મિનરલ્સ અને અનેક પ્રકારનાં આવશ્યક પોષક તત્ત્વ હોય છે. તેથી તે ગર્ભાવસ્થામાં સેવન માટે જાણીતા સૌથી લાભકારી આહારોમાંથી એક છે અને અનેક બીમારીઓમાં પણ લાભકારી હોય છે.
તુલસીનાં પાંદડાથી થતા અન્ય ફાયદા
શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનું વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનું વજન વધે છે. તુલસી શરીરનું વજન સરેરાશ રીતે નિયંત્રિત કરે છે.
ચા બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માંસપેશિયોના દુ:ખાવામાં રાહત અનુભવાય છે.
તુલસીના કાઢામાં થોડુ સંચળ નાખવાથી અને વાટેલી સૂંઠ મિક્સ કરીને સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
બપોરે ભોજન પછી તુલસીના પાન ચાવવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.
સેકેલા લવિંગ સાથે તુલસીના પાન ચૂસવાથી ખાંસીથી મુક્તિ મેળવી શકાય છે.
તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી છાતીનો દુ:ખાવામાં આરામ મળે છે.
મિત્રો જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તુલસીનાં છોડથી તમારા જીવનમાં પણ ઘણાં લાભ થશે. તમારી સાથે સાથે તમારા પ્રિયજનો પણ આ વિશે જાણે તેનાં માટે જરૂરથી આ આર્ટિકલ શેર કરજો.
સંકલન – જ્યોતિ નૈનાણી