“છેલ્લી કસોટી” હીરાબાએ જીવનમાં ઘણી કસોટી પાર કરી પણ ……તૃપ્તિ ત્રિવેદીની કલમે વાંચો કરુણ વાર્તા

છેલ્લી કસોટી

હીરાબાને ચિંતાનો પાર ના હતો. એકબાજુ એમની દીકરીને વસનનાં  લગનને અગિયાર વર્ષે થયા પછી ચેક અત્યારે  ખોળો ભરાયો છે. એની ખુશી ને હરખ છે…. તો એક બાજુ એમનાં પતિ રામા ભગતનો  છેલ્લાં પાંચ વરસથી માંદગીનો ખાટલો. ઘરમાં એક વ્યક્તિ માંદુ હોય તો શેની જરૂર ના પડે?  માણા ને નાણા બેયની જરૂર પડે!.દીકરીનાં ઘરે પારણું બંધાય છે ને એ પણ કેટલાય વર્ષે. કઈ માને હરખ ના હોય? પણ, મોટી મહાવ્યાધિ છે ઘરમાં માંદગીનો ખાટલો. એને કેમ ઉકેલી શકાય? એ જ મોટું સાંગોપાંગ હીરાબાને મનમાંને મનમાં ખૂચ્યાં કરતું.

વડવાઓની વારસામાં મળેલી સંપતી તો ક્યારનીય ખર્ચાઈ ગઈ. એક ને એક દીકરી વસનનાં લગન કર્યા ત્યારે બે ખેતર વેચીને પાંચ દા’ડા જાન રોકી રાખી હતી. હીરાબાનું ખોરડું એટલે ગામનું કાચું રજવાડું. પણ એક  ભગતની પીવાની ટેવના હિસાબે એ ખોરડાની ખાનદાની હતી એ પણ પીવામાં જ વપરાઈ ગઈ.

એમાય હીરાબા તો વટનો કટકો! મરે પણ માંગે નહિ! ભલે બે આની પૈસા પણ નાં હોય તોય હીરાબાનો વ્યવહાર સૌથી ઉચ્ચો હોય.

દીકરી સાસરે જતી રહી. હવે તો ભગત અને હીરાબા બે એકલા જ. કમનસીબી કહો કે  ગમે તે કહો, પણ

હીરાબાને  ઘરનું ગાડું  ચલાવવાં માટે એક  પછી એક  ખેતર વહેચવું પડ્યું.

ભગતની આ બીમારી ને એમને રોજ   ખાટલે સુતા સુતાય દારૂ તો રોજ પીવાનો જ. એ તો પીવે પણ ગામના બે ચાર લુખ્ખાઓ પણ એમને પીવામાં સાથ આપવા આવે….એમને પણ પીવડાવવાનો.

આમ   ને આમ હીરાબા માંડ માંડ ઘરનું પૂરું કર્યા રાખે. અત્યાર સુધી તો હાલ્યું બધું. પણ હવે તો દીકરીને પણ તેડી લાવ્યાં છે. દીકરીનુંય ધ્યાન તો રાખવું ને.

અત્યાર સુધી તો ઘરની સાચી હકીકત દીકરીથી છૂપાવી હતી. પણ  તો દીકરીને ઘરની સચ્ચાઈનો ખ્યાલ આવી ગયો હતો. એમની દીકરી  ખુબ જ સમજદાર હતી.

વધારે ભણેલી ન હોવાથી એને  ઘરે બેસીને ભરતકામ કરવાનું ચાલુ કર્યું….આમ તો એ કાઈ ન કરી શકે. કેમકે પૂરા દિવસો જતા હોય ને આટલું બધું સતત બેસીને કામ કરવું એટલે અશક્ય હતું.

જેમ તેમ કરીને પણ એ રોજનું બસો રૂપિયાનું ભરત ભરે. આભલાં ટાંકે, રબારી ભરત ભરે, ભરવાડની બાયુંના મોટી મોટી ઝૂલવાળા ભરે. એમ કરીને થોડી મૂડી ભેગી કરી. એટલે એને મનથી થોડી રાહત થઇ. આ ગરીબ દીકરીનો ભાવ પણ કોણ પૂછે?

અલબત ! વસનનાં સાસરે તો ખુબ સારું હતું. પણ પિયરની આ પરિસ્થિતિથી સાવ અજાણ. નહિતર વસનને પિયર આવી પરિસ્થિતિમાં આવવા દે ખરા પિયર.

વિધિના લેખ પણ કેટલાં અજીબ હોય છે. હીરાબા માથેથી એક ચિતા મટી નથી ત્યાં, જ બીજી ઉપાધીના પોટલા આવી ચડ્યા. કહેવત છે ને કે, “બાળોતીયાના બળેલાં ક્યાય ન ઠરે”.

આમ ને દિવસો વિતતા જાય છે. રોજ નવા સૂર્યોદય સાથે હીરાબાને નવી નવી ચિંતાનો સામનો કરવો પડે છે.

“બા…….એ …બા, મારાથી સહન નથી થતું”, પ્રસુતિની વેદના સહન કરતા કરતા બેવડ થઇને સુતેલી વસને હીરાબાને સાદ કરતા કહ્યું.

આ બાજુ ભગતની બીમારી પણ જોર પકડીને ખાટલાની પંગતે જ ખડા પગે ઉભી હોય એવું જ કહેવાય. ભગત શ્વાસ લે છે ને છોડે છે. ઘડીક એમ થાય કે ભગતે દેહ મુક્યો. તો ઘડીક એમ થાય કે નાં ના શ્વાસ હજી ચાલુ જ છે.

હીરાબાની ખરી કસોટી તો હવે થઇ!

ના ધણી પાસેથી દૂર જઈ શકાય…..કે ના દીકરીને એકલી મૂકી શકાય….હવે કરે તો એ પણ બિચારા શું કરે! એમનો તો એક પગ આ બાજુ ઉપડે તો બીજો પગ આ બાજુ જવા ઉપડે…ગમે એમ તોય આંખ તો બેય સરખી જ ને!

ભગતના સાથીદારોને બોલાવ્યાં….પણ ખરે ટાણે એય કોઈ ન આવ્યું. જો હમણાં દારુ પીવા બોલાવ્યા હોત તો વગર બોલાવ્યે આવી જાત.

અંતે પડોશમાંથી બે બાયુ આવી ને વસનને દવાખાને લઈ ગયા. “ગમે એમ તોય પહેલો સગો પડોશી”.

હીરાબા તમે જરાય ચિંતા ન કરો! વસન દીકરીને અમે સાચવી લેશું. તમ તમારે ભગતનું ધ્યાન રાખો. એમની જે અંતિમ ઈચ્છા હોય એ પૂરી કરો ને ભગવાનનું નામ લો કે એમના જીવડાને શાંતિ આપે!

પત્ની થઈને પતિનાં જીવને, એનાં જીવડાને શાંતિ આપે, એનો દીવડો બુજાવી દે! એવી પ્રાર્થના કરવી કઠન હોય છે. પણ હવે હીરાબાથી ભગતની પીડા જોઈ નહોતી શકાતી.

“એ વસનની મા તને કહું છું. હવે આ પીડા સહન નથી થતી મારાથી હો. આજકાલ કરતા કેટલા વરહ થ્યા? તું જ મને કહે? “,

“હું ય સમજુ છું….પણ જ્યાં સુધી વેઠવાનું લખ્યું હોય ત્યાં સુધી તો વેઠવું જ પડશે, ભગત”

“ઓય ઓય માડી, આટલું બોલ્યાં ત્યાં ભગતનું આખું શરીર પાછું ખેંચાયું.

હીરાબાથી તો રાડ પડાઈ ગઈ, “એ ભગત….!”

આંખો બહાર નીકળી ગઈ છે, જીભ પણ બહાર નીકળી ગઈ….મોઢે ફીણ છે….ને સાવ નિશ્ચેતન એમનું શરીર……શ્વાસ થંભી ગયા છે.

હિરાબાની ચીસ સાંભળી  આજુબાજુનાં લોકો દોડી આવ્યાં. બધાએ હીરાબાને એકબાજુ બેસાડ્યાં ને ભગતનાં અંતિમ સંસ્કાર કરવાની બધી વિધિ શરુ કરી દીધી…સગાવહાલાઓ પણ આવી ગયા છે.

ત્યાં જ દવાખાનેથી સમાચાર આવ્યાં કે, વસને રૂડી રૂપાળી દીકરીને જન્મ આપ્યો છે…..દીકરી તો ફૂલ જેવી કોમલ, વાંકડિયા વાળ છે. માંજરી આંખો ને જન્મી તોય હસતી હસતી જન્મી છે….રડી તો બિલકુલ નથી.એવું લાગે કે જાણે ગાંધર્વ કન્યાનો જ સાક્ષાત જન્મ થયો ના હોય ! પણ……..

“શું પણ”?

પણ આપણા દીકરી વસનને ડો. ના બચાવી શક્યા……એમનું બી.પી એકદમ હાઈ થઇ ગયું…ડો.થી કંટ્રોલ જ ના થયું ને દીકરીનું મોઢું પણ જોવાનું એમના નસીબે નહિ હોય!, “જે ભગવાનને ગમ્યું એ કર્યું. આપણા હાથની વાત થોડી છે આ જીવનમરણની!”

સા સંભાળતા જ હીરાબા ધબાકકકકકક……કરતા નીચે બેસી ગયા….આંખમાં એક આંસુ નહિ કે નહિ કોઈ વલોપાત.

થોડી જ વારમાં એક એમ્બ્યુલન્સ વસનની ડેડબોડી લઈને આવી પહોંચી. વસનનાં સાસરે કહેવડાવ્યું પરંતુ કોઈ જ ન આવ્યું… કહેવડાવ્યું કે અમારે અમારા દીકરાનું બીજે કરવું પડશે હજી એ નાનો જ કહેવાય..એટલે અમારાથી ન આવી શકાય.

હિરાબાના ઘરેથી એકસાથે બે નનામી નીકળી છે. આંખુ ગામ આજે હીબકા ભરે છે. એટલું કરુણ દ્રશ્ય સર્જાયું છે. પણ હીરાબા હજી એમનામ જ ગુમસુમ બેઠા છે. ન કોઈ હલચલ કે ન આંખમાં એકપણ આંસુ.

પેલી તાજી જન્મેલી દીકરી એનાં ભવિષ્યથી અજાણ ધોડીયામાં સુતી સુતી હસી રહી છે.

દીકરી સામે જોઈ હીરાબા એટલું જ બોલ્યાં, “ હે ભગવાન, શું આ તારી છેલ્લી કસોટી હતી?

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

નવી નવી વાર્તાઓ રોજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *