પ્રેમનો રંગ – ધવલ બારોટની વાત !

“અચ્છા! સાંભળ, સાંજે 7 વાગે તૈયાર રહેજે. આપણે અમિતભાઈના ત્યાં પાર્ટીમા જવાનું છે.” રાજે મીરાને યાદ અપાવ્યું.

“શું? તે આજે છે. મને તો એમ કે આવતા અઠવાડિયે હશે.” મીરાએ આશ્ચર્ય થઇને કહ્યું.

“લે હાસ્તો. ફરી ભૂલી ગઈને તુ?” રાજે તાણ મારતા કહ્યું.

“અરેરે! આજે રાત્રે. મારી પાસે તો રાતે પાર્ટીમાં પહેરવા માટે કંઈ તૈયાર જ નથી.” મીરા ગૂંચવાઈ ગઈ હતી.

“એક મિનિટ. તારી પાસે પાર્ટીમા પહેરવા લાયક કપડા નથી એમ? મજાક કરે છે? તને યાદ અપાવી દઉ કે તમે એક ફેશન ડિઝાયનર છો, મેડમ.” રાજે તેની વાતને સ્પષ્ટ કરી.

મીરાએ રાજને પ્રેમ-પૂર્વક તાણ મારતા કહ્યું, “મારા વહાલા પતિ. પાર્ટીની થીમ છે કે પુરુષો બ્લેક કપડા પહેરશે અને સ્ત્રીઓ પ્લેન પિન્ક. યાદ આવ્યું કંઈક?”

“તો? તો શું થઇ ગયું? તારી પાસે ગુલાબી સાડી તો છે? યાદ છે તે ઉમંગના લગ્નમા પહેરી હતી.” રાજે મીરાને યાદ અપાવ્યું.

“અરે મારા રંગઅંધ પતિ, તે તો મઝેન્ટો પિન્ક હતી, પિન્ક નહીં.” મીરાએ પ્રેમ-પૂર્વક ઉત્તર આપ્યો.

“હા તો ફર્ક શું છે બંને વચ્ચે? પહેરી લે. છેલ્લે તો બધું ગુલાબી જ છે ને. આ છોકરી વેળા કેમ કરે છે?” રાજે પૂછ્યું.

“રાજ હું એક છોકરી જ છું.” મીરાએ તરત જ વળતો ઉત્તર આપ્યો.

“સારું તારે જે કરવું હોય એ કર અને જે પહેરવું હોય તે પહેર. પણ મહેરબાની કરીને તૈયાર થવામાં દર વખતની જેમ 2 કલાક ના લગાડતી.” રાજ કશુ પણ ના કરી શક્યો એટલે ગુસ્સે થઇ ગયો અને આટલું કહીને ઘરની બહાર નીકળી ગયો.

5 મિનિટ પછી, જયારે રાજ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે મીરાનો એક મેસેજ આવ્યો જે કંઈ આ મુજબ હતો – “દુનિયાની દરેક સ્ત્રીની જેમ મને પણ તૈયાર થતા એટલે વાર લાગે છે કારણ કે હું પણ મારા પતિ પાસેથી તૈયાર થયા પછી બસ એક વખાણ ઝંખું છું. હા રાજ! તારી પાસેથી એક વખાણ લેવા, હું તૈયાર થવા માટે 2 કલાક લાગવું છું. સોરી.”

કંઈક ત્યારે જ રાજને સમજાઈ ગયું કે મીરા પર ગુસ્સે થઇને તેને ભૂલ કરી. આખરે તેની સાદગી થી શ્રીંગાર નો નિખાર બસ રાજ માટે જ તો હોય છે. તેને તેની ભૂલ સમજાઈ ગઈ આથી તેણે ગાડી ફેશન બુટિક તરફ લીધી અને મીરા માટે ગુલાબી સાડી ખરીદી. રાજ ભલે રંગઅંધ હતો પણ પ્રેમનો રંગ તો તે જાણતો હતો.

તે ઘરે પાછો વળ્યો, મીરાની માફી માંગી અને કહ્યું, “લે વહાલી! તારા માટે મઝેન્ટો પિન્ક નહીં પરંતુ પ્લેન પિન્ક રંગની મસ્ત સાડી લાવ્યો. આજે આ પહેરીને તૈયાર થા અને લે તારો સમય.”

એક સ્ત્રી તરીકે મીરાના મનમાં ઘણા પ્રશ્નો હતા કે – “સાડી ક્યાંથી લાવ્યા? કેટલા ની લાવ્યા? ડીસકાઉન્ટ લીધું કે નહીં? સાડી વ્યવસ્થિતઃ થશે કે નહીં?” પરંતુ રાજનો હસતો ચહેરો જોઈ તેણે આ બધા પ્રશ્નો મનમા દબાવી રાખ્યા અને સાડીનું પેકીંગ ખોલવા લાગી અને ખોલતાની સાથે જ બોલી ઉઠી, “ના રાજ! આને બબલગમ પિન્ક કહેવાય, પ્લેન પિન્ક નહીં.”

અને, પછી પતિ-પત્ની વચ્ચે પ્રેમ ભરી ગુલાબી નોક-ઝોક ફરી શરૂ થઇ ગઈ.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી ? કોમેન્ટ આવકાર્ય ! 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *