ને હું ખડખડાટ હસી પડી.
____________________
આમ તો હું ખડખડાટ હસવા માટે બદનામ છું. પણ જયારે કોઈક ખાસ વાત કરવાની આવે ત્યારે મને તો બાળકો જ યાદ આવે. બચ્ચે મન કે સચ્ચે. ૧૯૮૯ માં હું બાર વર્ષની અને મારી મામાની દીકરી ચાર વર્ષની, અમે બંને ટીવી ઉપર ગીતો જોતાં હતાં.
આય હાય એ જમાનો, એ દિવસો જયારે ટીવી ચાલુ કરવાની રાહ જોવાની. પાછાં આજુબાજુવાળા ચંપામાસી, કાંતાકાકી, મધુબા, લીનાભાભી બધા ને બરકવાના. પેલા સતરંગી પટ્ટાઓ જોવાના, એ પટ્ટા પણ આવે અને ગાયબ થઈ જાય. કોઈકવાર કલરમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય, ખૂબ રાહ જોઈએ ત્યારે માંડ માંડ “પેં પેં પેં “નું સંગીત આવે. અડધો કલાક કાર્યક્રમ આવવાનો હોય એમાં પણ વચ્ચે વચ્ચે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ નું પાટિયું આવે, પાટિયું જાય ત્યાં એન્ટેના હલી જાય, બધું સેટ થાય તો લાઇટ જાય. (આપણે ત્યાં પાવર કટ નો થાય હો! ). જે પાંચ પંદર મિનિટ જોયું હોય તેની વાતો બીજીવાર કાર્યક્રમ આવવાનો હોય (વચ્ચે જાહેરાતોનો મારો ચાલતો હોય ને!) ત્યાં સુધી ચાલે.
અમારે તો પાછું ટીવી ગરમ થઇ જાય તો કાળો પટ્ટો ઉપરથી નીચે ઉતરે એટલે ઓલું રવિવારનું સાંજનું તો અડધું પિક્ચર (મુવી તો હવે બોલીએ) સસ્પેન્સ થઇ જાય, માળું હારું સમજાય જ નહિ કે ઉપર મોઢું કોનું હશે. રામાયણ આવે ત્યારે દરેક ઉંમરના વ્યક્તિ ટી.વી સામે આવી ગોઠવાઈ જાય. રામાયણના એક હપ્તામાં જે બતાવે એની આખી ચર્ચામાં અડધો દિવસ જાય. અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાને તો લોકો રીતસર રામ-સીતા સમજી ટી. વી ચાલું થાય ત્યારે પગે લાગે. મહાભારતનું “મૈં સમય હું” ગુંજે ત્યારે આખા ભારતનો સમય થંભી જાય. રોડ ઉપર રીતસર કરફ્યુ લાગ્યા જેવી સ્થિતિ હોય. નીતિશ ભરદ્વાજના નટખટ સ્મિતને બધા સાક્ષાત કૃષ્ણનું સ્મિત માની બધા મોહી પડે. એક કલાક ચાલતી મહાભારત પછીના રવિવારની રાહ જોવડાવા મજબુર કરતી જાય. ચિત્રહારમાં કયું ગીત આવશે તેની રાહ જોવાતી હોય. ગમતાં હીરો-હીરોઇનનું ગીત આવે એની શરતો મરાતી હોય. આ બધી મજા ૧૯૯૧ પછી ટી.વી જોવાવાળાઓએ નથી માણી હોં! એ પણ એક જમાનો હતો. આ રીતે પણ ચોવીસે કલાક ટી.વી જોઈ શકાશે એ તો કલ્પના પણ એક જાતનો ખજાનો જોઈને આનંદ માણવા બરાબર કહેવાય હોં!
અમારે ઘરે એક માસી અને તેમનું કુટુંબ ભાડુઆત તરીકે રહેતાં. આમ તો, મારી દાદીથી થોડી નાની ઉંમરના પણ સ્કૂલમાં શિક્ષિકા એટલે બધા એમને બહેન કહે. પ્રભાબેન. પ્રભાબેન મૂળે ચુસ્ત દહેરાવાસી જૈનનો જીવ. એમને અમારા ઘરે ટી. વી. ચાલે વળી જોવા આસપાસના લોકો આવે, એ ન પોસાય. એકવાર કોઈ બીજા સધાર્મિકો એમના ઘરે આવેલાં તો કહે, “આમના ઘરે તો ઓલું બધું જોવે.” એમના મોઢાના હાવભાવ તો એવા હતાં કે, કોને ખબર આવનાર લોકો શું સમજ્યા હશે! એમણે પૂછી પણ લીધું જ, તો પ્રભાબેન કહે “અરે ! ઓલું બધું, આપણે તો નામ પણ ન લેવાય, ફિલમ, ગીતો, રામાયણ-મહાભારત,એવું બધું. મહાવીર મહાવીર, તમે ય તે સમજો નહીં. મારા મોઢે નામ બોલાવી ધર્મ ભ્રષ્ટ કરાવ્યો.”
અમે જૈન રહ્યાં તો ય પાછા ઓલું બધું ય ખાઈએ હોં! શું સમજ્યાં? બટેટા, ડુંગળી, કંદ મૂળ એવું બધું. મહાવીર મહાવીર , તમે ય તે કંઈક ભળતું જ સમજો અને અમારા મોઢે આવા નામ લેવાડાવાના પાપ કરાવો. હા, તો એ પ્રભાબેનને પૂરી ખાતરી હતી, કે ટી.વી. જોઈને, કંદ-મૂળ ખાઈને અમે અમારો તો ધર્મ ભ્રષ્ટ કરી જ રહ્યાં હતાં અને એમની મજબૂરી હતી, કે આવા ધર્મ ભ્રષ્ટ મકાન માલિકના ઘરમાં તેમને ભાડે રહેવું પડતું હતું. (1950 થી 2015 સુધી 10 રૂપિયાથી માંડી 37 રૂપિયા જેટલું માતબાર ભાડું ચૂકવતાં હતાં, અને ઘર છોડવા પેટે મોઢું ફાડયું તે અલગ.) મહાવીર મહાવીર, મજબૂરી હતી બાકી પ્રભાબેન જેવા ધાર્મિક જીવ આવું કરે!
અરે! હા, મૂળ વાત પર આવું. વેકેશન હતું અને અમે ટીવી પર ગીતોનો કાર્યક્રમ ચિત્રહાર જોતાં હતા અને કોઈ જૂનું ગીત આવ્યું ‘હમ તેરે દિલમેં રહેતે હૈ, હમ તેરે દિલ મેં રહેતે હૈ ..’ મારી મામાની દિકરી ઉવાચઃ,
” તો હેં દીદી, આ લોકોને રહેવા માટે ઘર નહિ હોય ?”
હું હસી અને મારી નાની ઢીંગલી જેવી બહેનીને જવાબ આપું એ પેલા તો બીજું ગીત શરુ થયું,
‘દો દો ચાંદ મેરે સામને, એક આસમાન મેં ઔર એક તુમ’
અને એ બોલી, “લે લે લે, સાવ ખોટાડો.” અને આ સાંભળી હું તો ખડખડાટ હસી પડી.
બીજો કિસ્સો પણ એ નાનકડી બહેન અને એનાથી નાની બીજી બહેન અને એક કાકાના દીકરાનો છે. એ ત્રણેય મારા ખૂબ જ હેવાયા. બસ, દીદી દીદીની માળા જાપ્યા જ કરે. દરેક વેકેશનમાં મારી પાસે જ હોય. તો એક વેકેશનમાં અમે બહારગામ જતાં હતાં ત્યારે ટ્રેનમાં ત્રણેય મારી ઉપર કુદયા કરે અને દીદી પહેલાં મારી સાથે રમ, પહેલાં મારી વાત સંભાળ, પહેલાં મારું માન એવો કકળાટ કરે. હું તો થાકી અને રડવા જેવી થઈ ગઈ (હું પણ સોળ વર્ષની બાલિકા જ હતી) ત્રણેયને કહ્યું,
“એક કામ કરો, દીદીના ત્રણ ટુકડાં કરી નાખો. ત્રણેય જણાં એક એક ટુકડો પાસે રાખજો.”
મારો ભોળિયો કાકાનો દીકરાની આંખમાં આંસુ આવી ગયા અને કહે,
“ના દીદી! હું તને કંઈ નહીં કહું. તારા ટુકડાં કરવાનું ન કહીશ.તું આખેઆખી આ બે બહેનોની થઈ જા.” તે ઢીલો થઈ, મને એક કીસ કરી ચૂપચાપ ખૂણામાં જઈને બેસી ગયો. દીદીના ટુકડાં થવાનું ટેંશન એના મોંઢા ઉપર દેખાઈ આવતું હતું.
અને એનું ભોળપણ જોઈ હું ખડખડાટ હસી પડી.
ત્રીજો કિસ્સો મારા દીકરાનો છે, આમ તો એના ઘણાં કિસ્સાઓ છે એમાંથી એક.
મારો બાળ ગણેશ પહેલેથી જ ગોળ મટોલ, એટલે ચાલતાં થોડું મોડું શીખેલો. અને બોલતાં પણ ખાસ્સો સમય લાગ્યો. ત્યારે દોઢવર્ષનો હતો. માંડ માંડ ડગુમગુ ચાલતો અને થોડું ઘણું બોલતો. ત્યારે તે નવું નવું એક પરાક્રમ શીખ્યો હતો. જે ઝીણી વસ્તુ મળે તે નાકમાં ભરાવી દે. પછી તકલીફ પડે એટલે ઉં ઉં કરતો આવે મારી પાસે. એકવાર મેં જોયું તો એક ફોયણાંમાં કાગળની ગોળી બનાવી નાખી દીધેલી. હું તો મૂંઝવણમાં પડી ગઈ કે શું કરું! અચાનક યાદ આવ્યું કે એક નાનું પ્લકર છે, તે લઈ એ કાગળની ગોળી માંડ માંડ કાઢી. પછી તો રોજનું થયું. દિવસમાં બે થી ત્રણ વાર નાકમાં કંઈક ને કંઈક ભરાવી દેવાનું અને ખોળામાં સુઈ કઢાવવાનું. હું સમજાવું કે આવું નહીં કરવાનું. એ મીઠું મીઠું હસીને ભાગી જાય. ત્રણ-ચાર દિવસ થયાં હશે. મારા કપડાં ખેંચી પ્લકરવાળી જગ્યાએ લઈ ગયો. મેં પૂછ્યુ,
“શું થયું?” તો પ્લકર દેખાડવા લાગ્યો. મેં ઉપાડ્યું એટલે મને નીચે બેસાડી ખોળામાં સુઈ ગયો અને ઈશારાથી કહે કાઢ. અંદર જોયું તો નાકમાં બંને બાજુ મમરા. એ શાંતિથી હું કાઢી દઈશ એની રાહ જોતો પડ્યો હતો. માંડ માંડ એ મમરા કાઢ્યાં ત્યાં બીજા મમરા બતાવી જાણે પૂછતો હતો, હજુ નાખું?
અને એની રાહ જોવાની એ અદા ઉપર હું હસી ખડખડાટ હસી પડી.
લેખક : એકતા દોશી
દરરોજ આવી અનેક હાસ્ય વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.