મમ્મી, તું મને હવે સમજાઈ છે ! રામ મોરીની કલમે લખાયેલો સાસરિયે ગયેલી દીકરીએ પોતાની મમ્મીને લખેલો સંવેદનશીલ કાગળ…

માય ડિયર મમ્મી,

તમારી ચૈતાલી, તમને હું બહુ જ મીસ કરું છું. કેલેન્ડર સામે નજર કરું ત્યારે સમજાય છે એ મારા લગ્નને આજે મહિનો પૂરો થઈ ગયો. આ નવા ઘરને મારું પોતાનું ઘર બનાવીને આવી એ ક્ષણને એક મહિનો થઈ ગયો. એક હાથને ચૉરીના ચાર ફેરામાં અગ્નિની સાક્ષીએ સ્વીકાર્યો અને જીવનભર સાથે રહેવાના કોલ આપી દીધા એ વાતને આજે મહિનો થઈ ગયો. પર્વતોમાંથી ઉછળતી કુદતી કિલકારી કરતી મારી પ્રકૃતિ કોઈ શાંત મેદાનમાં ધીરગંભીર વહેવા લાગી એ વાતને આજે એક મહિનો પૂરો થઈ ગયો. ખુલ્લુ માથું રાખીને બારી પાસે હાથ ટેકવીને બિન્દાસ ગીતો ગાતા ગાતા પગ હલાવ્યા કરતી એ સાંજને આજે એક મહિન થઈ ગયો. એક મહિનો થઈ ગયો જ્યાં કોઈએ મને ચૈતાડી કે ચૈતુ ન કીધું હોય..ચૈતાલીવહુના વજનદાર સંબોધનની ટેવ પડી ગઈ એ વાતને આજે એક મહિનો પૂરો થઈ ગયો. મમ્મી, એક મહિનો થઈ ગયો જ્યાં મારો હાથ કોઈએ બહેનપણીની જેમ દબાવ્યો હોય અને મને ચશ્મા પહેરાવીને કીધું હોય, ‘’ તું આ ચશ્મામાં ચશ્મીસ નહીં રૂપાળી ઢીંગલી લાગે છે !’’ મમ્મી…..આઈમ સોરી મારાથી રડી પડાયું છે.
મમ્મી, તું એવી કોઈ ગેરસમજ ન ઉભી કરતી કે મને અહીં મારા સાસરિયામાં કોઈ પ્રશ્ન છે. આઈમ સો હેપ્પી. અહીંના દરેક લોકો બહુ સારા છે, મારી સારસંભાળ રાખે છે. મને મારા સાસરિયાવાળા સામે કોઈ ફરિયાદ નથી. પણ તોય મમ્મી, તું જ તો મને કહેતી કે ‘’બેટા, હાથની પાંચે આંગળીઓ સરખી નથી હોતી પણ એ સાથે હોય તો હાથ રૂપાળો લાગે છે. સાસરિયે જઈને તારું કામ જ એ છે. એક સરખી નહીં હોય એવી આંગળીઓને લાગણીથી જોડી રાખવાની છે.’’ મમ્મી, મારા સાસરિયામાં તો બધા મળીને ખાલી પાંચ જણા છે. તો પણ ઘરની એક માત્ર વહુ હોવાના કારણે એ બધાને સંભાળતા એ બધાની જરૂરિયાતોને સંભાળતા મારાથી કંઈકને કંઈક ભૂલ થઈ જાય છે. કોઈની ચા કે કોઈનું શાક બધામાં પ્લસ માઈનસ મારાથી થતું જ રહે છે. હેં મમ્મી, તું સાસરિયે આવી ત્યારે તો પપ્પાના ઘરમાં અગિયાર લોકો હતા. મોટી બે જેઠાણી અને નાના ટાબરિયાઓ અલગ. તું કઈ રીતે આ બધા ઘેરાને પ્રેમથી પહોંચી વળી હોઈશ.

 

દાદીમાના આકરા સ્વભાવથી હું બિલકુલ અવગત છું તો તું કઈ રીતે એ સ્વભાવ સાથે ડીલ કરી શકી હોઈશ ? બહુ નવાઈ લાગે છે અને સાચું કહું તો સમજાય પણ છે કે તારા માટે એ સમય કેટલો કપરો હશે. મમ્મી, અહીંયા તો મને કંઈ તકલીફ પડે કે રોનક તરત મારી પાસે આવી જાય કે, ‘’ ચૈતાલી, તને કોઈ મદદની જરૂર હોય તો કહેજે. તું ક્યાંય અટવાતી હોય તો કહેજે.’’ તું પરણીને આવી ત્યારે આઈમ શ્યોર પપ્પા આટલી સરળતાથી તારી પાસે વારંવાર આવી નહીં જ શકતા હોય કે, ‘’સુધા, તને કોઈ તકલીફ હોય તો કહેજે.’’ મમ્મી, તે કઈ રીતે એ નવી નવી આવી પડેલી એકલતા સામે બાથ ભીડી હશે એ વાતે બહુ નવાઈ થાય છે અને ગર્વ પણ થાય છે કે તું ખરેખર સ્ટ્રોંગ છે.

મમ્મી, તું મને દરેક નાની નાની વાતો પર ટોકતી ત્યારે મને બહુ ગુસ્સો આવતો. મને થતું કે મમ્મી મારી પાછળ પડી ગઈ છે. તું દરેક વાત પર વારંવાર એવું કહેતી કે, ‘’ સાસરિયે જઈશ પછી સમજાશે. અત્યારે તો ઠીક છે. રાજરાણી બનીને આંટા મારો છો. સાસરિયે જશો ત્યારે સમજાશે કે કેટલા વીસે સો થાય.’’હું તારી એ દરેક વાતોને હસવામાં કાઢી નાખતી. ઈનફેક્ટ હું તારી મજાક પણ ઉડાવતી. મને થતું કે સાસરિયું વળી એવું તે કેવું ભૂત છે જે મારાથી ન સંભાળી શકાય…મમ્મી, હવે ખરેખર સમજાય છે કે કેટલા વીસે સો થાય છે.

 

ગઈકાલે રાત્રે મારી બેગ કબાટમાંથી કાઢી. તે તારા હાથે આ બેગ પેક કરી હતી. એક એક સાડીને ચીવટથી વાળીને ગોઠવી હતી. મને યાદ છે મમ્મી, એ આખી રાત તું મારો કરિયાવર સંકેલતી હતી. હાથમાં મુકાયેલી મહેંદી સુકાઈ જાય એ માટે હું બારી પાસે ટેબલ ફેન તરફ મારા બંને હાથ ફેલાવીને બેસેલી હતી. મારી આંખો તું બધુ સંકેલતી હતી એ તરફ હતી. ઘડીએ ઘડીએ તારી આંખો ભરાઈ આવતી હતી અને હું જોઈ ન જાઉં એટલે આડાઅવળું મોઢું ફેરવી લેતી હતી. હું ઉભી થઈ અને તારી પાસે આવી. તારા બંને હાથને પકડી લીધા. મારી મહેંદીની પોપડીઓ તારા હાથમાં ખરી. મારા માથા પર હાથ મુકીને તું રોઈ પડી અને મેં તારા પલ્લુમાં મારું મોઢું સંતાડી દીધું. તને હિબકા ભરતી જોઈને હું પણ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. એ આખી ઘટના કશું નહીં બોલીને પણ આપણી વચ્ચે કેટકેટલી વાતો થઈ ગઈ હતી. લગ્નની એક એક વિધિમાં મને આપણા અંજળપાણીની એક એક ગાંઠ છૂટી પડતી હોય એવું લાગતું હતું. વિદાય ટાણે મોટા ભાભીએ મારા ખોબામાં ચોખા આપ્યા. ફોઈએ સમજાવ્યું કે, ‘’ ચૈતાલીબેટા, હવે ઘર તરફ પાછું વળીને જોયા વિના ઉભા ઉભા જ તારા હાથમાં રહેલા ચોખાને ઘર પાછળ ઉડાડ. આને તર્પણ કહેવાય. દીકરી આ રીતે એકોતેર પેઢીનું અને પોતાનું તર્પણ કરતી જાય. આ ઘર સાથેના છેલ્લી લેણદેણ અહીં પૂરી.’’ ધ્રુજતા હાથે મેં ચોખાથી ઘરને વધાવ્યું અને આંખો બંધ કરી તો તારા હાથે અપાયેલા એક એક કોળિયા યાદ આવ્યા, મારા એવરત જેવરત અને મોળાકતમાં તું ઝીણી ઝીણી મહેનત કરીને મારા માટે ફરાળ બનાવતી આ યાદ આવ્યું, સ્કૂલના મારા બેગમાં તું ભૂલ્યા વિના કાબુલીચણા અને કચૂકા આંબલી મુકતી એ યાદ આવ્યું,પહેલી વખત રોટલી બનાવતા તારી પાસે શીખી અને અરધી કાચી એ રોટલી બની ગઈ ત્યારે મારા કરતાંય વધારે તાળીઓ તે પાડેલી એ યાદ આવ્યું, હું બિમાર પડતી ત્યારે રાતોની રાત જાગી મને જ્યુસની એક એક ચમચી પીવડાવતી એ તારા ઉજાગરા યાદ આવ્યા, બહારગામ ભણવા ગઈ ત્યારે મહિનાઓ સુધી ચાલે એટલો ચેવડો, ફડસી પૂરી, ખાખરા,ચીકી અને સુખડી બનાવતી એ યાદ આવ્યું, મારા લગ્ન લખાયા ત્યારે લીલી ઓઢણી ઓઢીને ભીની હરખ ઘેલી આંખે તે બે હાથે ચોખા વધાવ્યા ને ઓવારણા લીધા એ યાદ આવ્યું, હિબકા ભરતા ભરતા તેં મારું મા માટલું ભર્યું એ યાદ આવ્યું. અને હું નીચે ફસડાઈ પડી ને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. હે મમ્મી, આવા રિવાજો નક્કી કરશે કે આપણા અન્નજળ પૂરા કે નહિં ?
આજે જ્યારે કામ કરીને સખત થાકેલી હોઉ છું ત્યારે મારા હાથ ધ્યાનથી જોઉં છું. સહેજ સહેજ બરછટ બની રહેલી મારી હથેળી પર હું આંગળીઓ ફેરવું છું મમ્મી તો મને તું યાદ આવે છે. તારા હાથમાં તો કંઈકેટલીય જગ્યાએ દાઝ્યાના નિશાન, ટઠ્ઠર થઈ ગયેલા ભાગ હોય છે. મમ્મી તને ક્યારેય એવું નહીં થયું હોય કે કોઈ આવીને તને પૂછે કે ‘’સૂધા, તારા હાથ દુખે છે. મલમ લગાવી આપું ?’’ મારા સાસરિયાવાળા મોર્ડન છે. હું ભણેલી ગણેલી છું તો બહુ જલદી સરળતાથી એ લોકોની દરેક ઈવેન્ટમાં ભળી જાઉં છું. આ બધું હું અનુભવું છું ત્યારે થાય છે કે થેંક ગોડ મમ્મી તેં મને ભણાવી. તેં મને ભણાવી ન હોત તો એવી ઘણી બધી બાબતો હતી જેનાથી હું કાયમ અજાણ રહી જાત. હેં મમ્મી, તું તો ખાલી પાંચ ધોરણ જ ભણી છે તો પછી આટલા મોટા પરિવારની જરૂરિયાતોને અને ગણિતને તું કેવી રીતે સમજી જતી એ વાતનું મને હવે બહુ મોટું આશ્વર્ય થાય છે. જ્યારે મારું બારમું ધોરણ પુરું થયું ત્યારે મને યાદ છે કે બધા કહેતા હતા કે હવે ચૈતાલીને બાજુના શહેરમાં અપડાઉન કરાવો. એ સમયે તું જ એક હતી જે કહેતી હતી કે ના બાજુના શહેરમાં નહીં, મારી દીકરી અમદાવાદમાં જઈને એકલી રહેશે અને ભણશે પણ અપડાઉન નહીં કરે. મમ્મી, એક તું જ હતી કે જેના કારણે આટઆટલા વિરોધ વચ્ચે મારું અમદાવાદમાં ભણવાનું શક્ય બન્યું. મમ્મી, અમદાવાદના એ ત્રણ વર્ષ મારે એકલું રહેવું પડ્યું એમાં હું બહુ ઘડાઈ છું અને બહુ બધું શીખી છું જે મને અત્યારે કામ લાગી રહ્યું છે. મમ્મી હું એના માટે કાયમ તારી આભારી છું.

મમ્મી, તારી મને બહુ યાદ આવે છે. સવારે એલાર્મ વાગે અને મને લાગે જાણે હમણા તારો અવાજ સંભળાશે. ‘’ચૈતાલી બેટા, ઉભી થા…સવાર પડી ગઈ !’’ મારી આંખ ખુલી જાય અને મને ખબર પડે કે સવાર પડી ગઈ અને હુ મારી રૂમમમાં મારી બુક્સ વચ્ચે નથી સૂતેલી પણ સાસરિયામાં છું. ફટાફટ સાડીનો છેડો સરખો કરતી જલદી જલદી ફ્રેશ થઈને રસોડામાં દોડી જાઉં છું. મમ્મી દરરોજ જેને તું ટેબલ પર ચા અને નાસ્તો આપતી એ તારી દીકરી આખા ઘરનો નાસ્તો અને બધાના સ્વાદ મુજબની ચાય બનાવતી થઈ ગઈ છે. બજારમાં શાકભાજી ખરીદવમાં જાઉં ત્યારે મને તું જે તોલમાપ કરતી એ યાદ આવી જાય. કપડા ધોતી વખતે કેટલી ભૂકી યુઝ કરવી, રંગીન કપડા અને સફેદ કપડાં કઈ રીતે અલગ અલગ પલાળવા, કઢી બનાવતી વખતે ઉભરાને કઈ રીતે ટાળી શકાય, રોટલીના લોટમાં કેટલું મોણ નાખીને રોટલી મીઠી બનાવી શકાય, લીંબુના ફૂલ અને મીઠા લીમડાના પાંદડાઓ દાળમાં અને શાકમાં કેટલા પ્રમાણમાં વાપરવા, દૂધની થેલીમાંથી દૂધ કાઢવું એ પણ એક કલા છે એ કેવી રીતે વાપરવી અને સાચવવી, સાડીઓ વચ્ચે કપૂરની ગોળી કઈ રીતે મુકી રાખવી. મમ્મી મારી આ બધી બાબતોમાં ડગલે ને પગલે તારું હોવાપણું ડોકાઈ આવે છે.
મમ્મી, આજે તું મારી સાથે નથી તો તું દરેક નાની નાની અને મોટી મોટી બાબતોમાં મને સમજાઈ રહી છે. તારા બલિદાનો, તારી તકલીફો, તે ભોગવેલી ઉપેક્ષાઓ બધું હું નખશીખ સમજવા લાગી છું. મને એવું અનુભવાય છે કે હવે આપણે હવે મા દીકરી નહીં બહેનપણીઓ છીએ પાક્કી. તારી પાસેથી શીખેલી દરેક સારી બાબતોના બીજ હું મારા લગ્નજીવનમાં રોપી રહી છું. આઈમ શ્યોર આ બીજ એક ઘટાદાર ગૃહસ્થજીવન બની મહોરી ઉઠશે.

ઓકે. આખો કાગળ લખવાનો મારો મુદ્દો ખાલી એટલો જ છે કે મમ્મી તું મને હવે સમજાઈ છે, વધારે સમજાઈ છે. મારા લગ્ન પછી મને ખબર પડી કે આજ સુધી મેં તને કાંઈક વધારે પડતી લાઈટલી લીધી હતી. મને મારું એ વાક્ય પણ ખૂબ અકળાવે છે જે હું તને વારંવાર કહી દેતી કે, ‘’ મમ્મી, તને ન ખબર પડે. તારો અને અમારો સમય અલગ છે. તેં જોયું જ શું છે !’’આઈમ રીયલી સોરી મમ્મી. મને માફ કરજે. મને સમજાય છે કે એ સમયે આ વાત તને કેવી છાતી સોંસરવી વાગતી હશે. આઈ લવ યુ મમ્મી એન્ડ થેંક્યુ સો મચ ફોર એવરીથીંગ !

તારી નવી નવી બનેલી પાક્કી બહેનપણી

ચૈતાલી

લેખક : રામ મોરી

દરરોજ હવે વાંચો નવયુવાન રામ મોરીની અનેક રચનાઓ ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *