આજે જમવામાં શું બનાવું ?? ફક્ત કરિયર ને જ અગ્રીમતા આપતી છોકરીઓ માટે અરીસા જેવી વાત !!

‘મમ્મી આજે શું બનાવ્યું છે ?’ કોમલ ઑફિસેથી મમ્મીને ફોન કરીને પૂછે છે. કોમલ સી.એ. છે અને એક સારી કંપનીમાં જોબ કરે છે. કોમલના પરિવારમાં એની મમ્મી ભાવના બહેન અને પિતા અશોક ભાઈ છે. કોમલ પહેલેથી જ ભણવામાં હોશિયાર. બી.કૉમ.ની સાથે સી.એ. કર્યુ, એટલે આખો દિવસ કલાસીસ અને એક્ઝામમાં વ્યસ્ત રહેતી. અને ઇન્ટર પાસ કર્યાં પછી આર્ટિકલશિપ અને ફાઇનલ સી.એ.ના કલાસીસમાં વ્યસ્ત રહેતી. બે વરસ પહેલાં કોમલ સી.એ. થઈ ગઈ. અને એને સારી કંપનીમાં જોબ મળી ગઈ.

કોમલ ને સારી વાનગીઓ ખાવાનો શોખ હતો પણ બનાવવાનો જરાય નહિ. એને રસોડામાં જવું જ ન ગમે. ભાવનાબહેન એને હંમેશા વઢતાં, પણ કોમલ આંખ આડા કાન કરી દેતી.

કોમલનું જોવાનું ચાલુ કર્યુ, ત્યારે પણ ભાવનાબહેન એને કહેતા કે – “હવે તો રસોઈ કરતા શીખી લે, પારકા ઘરે આ બધું નહિ ચાલે.” પણ કોમલ હંમેશા આ વાતને ઉડાડી દેતી. એમના એક સંબધી એ રાજેશ નામનો છોકરો દેખાડ્યો કોમલ અને રાજેશની વન-ટુ-વન મીટીંગ ગોઠવી. રાજેશ એન્જિનિયર હતો અને સારી કંપનીમાં ઊંચી પોસ્ટ પર હતો. રાજેશ ઉષાબહેન અને મનસુખ ભાઈનો એકનો એક દીકરો. ખૂબ શ્રીમંત પરિવાર. એકબીજાને પહેલી જ મીટિંગમાં પસંદ પડયું, એટલે પરિવાર જોડે બીજી મીટિંગ ગોઠવી. બધાંને ગમ્યું, એટલે અઠવાડિયામાં જ ગોળ-ધાણાં ખાઈ લીધાં.

પછી થોડા જ સમયમાં ધુમધામથી સગાઈ અને લગ્ન કર્યાં. કોમલનેં એક વાતનું ટેન્શન હતું કે – ‘લગ્ન પછી રસોડામાં જવું પડશે,’ પણ એ એનાથી પણ બચી ગઈ; કારણ કે સાસરે ફુલટાઇમનો રસોઈયો હતો. તો પણ ભાવનાબહેન કેટલી વાર કોમલને રસોઈ શીખવાની આગ્રહ કરતા, પણ કોમલ ટસથી મસ ન થતી. હવે કોમલ સાસરે ગયા બાદ પણ એ જ રીત જીવતી હતી.

‘સવારે નોકરી કરવા જતી, રાતના ઘરે પાછી આવતી અને બધાં જોડે ડાઈનિંગ-ટેબલ પર બેસીને બધાની સાથે તૈયાર રસોઈ જમતી. શનિ-રવિ કયારેક કોમલ અને રાજેશ કોમલના પિયરે રહેવા જતા, ત્યારે પણ ભાવનાબહેન કોમલને રસોઈ શીખવાની સલાહ આપતાં, પણ કોમલ તેમની જ મજાક ઉડાવીને વાતને કાપી નાખતી.

રાજેશને કંપની તરફથી ત્રણ મહિના ટ્રેનિંગ માટે અમેરિકા જવાની તક મળી, અને એને તરત જ એ તકને સ્વીકારી લીધી. કોમલ તો ખુશીથી ફૂલી ને ફાળકી થઈ ગઈ હતી. બેઉ શનિ-રવિમાં અમેરિકા જવાની શોપિંગ કરતા કઠોળ, થોડી ઘરની વસ્તુઓ, કપડાં વગેરે બધી વસ્તુની ખરીદી મોટે ભાગે થઈ ગઈ હતી, પણ હજૂએ ભાવનાબહેન કોમલને રસોઈ શીખવા માટે આગ્રહ કરતા; પણ કોમલતો અમેરિકા જવાની ધૂનમાં હતી, એટલે એ વાત પર ધ્યાન જ નહોતી દેતી. અંતે જે ઘડીની રાહ મહિનાઓથી જોતા હતા. તે ઘડી આવી અને બંને જણાં અમેરિકા જવા રવાના થયાં.

બંને અમેરિકા પહોંચે છે. અમેરિકાનું વાતાવરણ, ત્યાંના કાયદા, ત્યાંની ચોખ્ખાઈ જોઈને બંને ખુશ થઈ જાય છે. અમેરિકા જતા પહેલાં રાજેશે કોમલને ચાલુ રસોઈ શીખવાનું કહ્યું હતું અને કોમલે ‘હા માં હા’ કરેલી.

પહેલો મહિનો શરૂ થાય છે.

રાજેશ સવારે બંનેની ચા બનાવીને ટ્રેનિંગ માટે નીકળી જાય છે. અને રાજેશ કંપનીમાં જ જમી લે છે. કોમલ સવારે ઊઠીને બનાવેલી ચા પીએ અને ઘરમાં નાની-મોટી ગોઠવણી કરે. જમવામાં બ્રેડ-બટર અને જયુસ લઈ લે. રાજેશ જયારે રાત્રે ઘરે પાછો આવે, એટલે બંને બહાર કરવા જાય અને થોડું-ઘણું બહાર જ પતાવી લે. શનિ-રવિમાં બંને દૂરની જગ્યા જોવા નીકળી જાય. એક મહિનો તો આમ જ હસતાં-રમતાં, કરવામાં અને સેલ્ફી પાડવામાં નીકળી જાય છે.

બીજો મહિનો શરૂ થાય છે.

રાજેશને કંપનીનું જમવાનું ઓછું ભાવતું હતું, એટલે તેને કોમલને સવારનું ટિફિન બનાવવાનું કહ્યું. કોમલને પસીનો છૂટી ગયો. રાજેશે તો પહેલેથી રસોઈ શીખવાનુ કહ્યું હતું, અને હવે જો એને સાચું કહેશે તો એ ગરમ થઈ જશે અને રસોઈ બનાવશે, તો એનો ભાંડો ફૂટી જશે. એટલે રોજ સવારે રાજેશ ઓફિસ માટે નીકળે ત્યારે કોમલ એની મમ્મીને ફોન કરે. મમ્મી એને ફોનમાં બધુ સમજાવી દે અને એ લખી લે. પણ જેને ક્યારેય રસોઈ બનાવવા માટે કોઈ દિવસ ડબ્બા ખોલ્ચા જ ન હોય એને એકાએક રસોઈ કેવી રીતે ફાવે ? રોજ સવારે વહેલી ઊઠીને મમ્મી એ લખાવ્યા મુજબ તે રસોઈ બનાવતી.

કયારેક કાચું રહેતું, તો ક્યારેક બળી જતું, તો કયારેક કોક હવે જ નાખવાનું ભૂલી જતી. પછી રોજ બેઉ બહાર જઈને સેન્ડવિચ કે પીઝા ખાઈને પેટ ભરી લેતાં. રાજેશને અંતે ખબર પડી ગઈ કે – ‘કોમલે અમેરિકા આવવા પહેલાં રસોઈ શીખી જ નહોતી.’ બહારના ખર્ચા વધવા માંડ્યા, અને બેઉના ઝગડો પણ વધવા માંડ્યા. પછી બેઉ એકબીજા સાથે કામ પૂરતું જ બોલવાં લાગ્યાં.

બીજો મહિનો ખતમ થતા પરિસ્થિતિ એવી ઊભી થઈ કે બેઉ પોતાનો ઝગડો ઉકેલવા કાઉન્સેલર પાસે પહોંચે છે. કાઉન્સેલર બેઉની વાત શાંતિથી સાંભળે છે. અને જોગાનુજોગ કાઉન્સેલર પણ ગુજરાતી નીકળે છે અને તે કહે છે : “આટલી નાની એવી વાતમાં જો તમે એકબીજા સાથે આવું કરશો તો કેમ ચાલશે ? હજી તો તમારે બેઉને આખી જિંદગી સાથે કાઢવાની છે. મારા પાડોશમાં એક બહેન રસોઈના કલાસીસ ચલાવે છે, કોમલ તારે ત્યાં એડમિશન લેવું પડશે, અને રાજેશ તારે કોમલને સાથ આપવો પડશે. કોમલ તારે દિલથી બનાવવાનું અને રાજેશ તારે એને પ્રોત્સાહિત કરવાની.”

ત્રીજો મહિનો શરુ થાય છે.

કોમલે રસોઈના ક્લાસીસમાં એડમિશન લઈ લીધું. એ બહેન જે શીખવાડે તે કોમલ રોજ ઘરે આવીને બનાવે. ક્યારેક બરાબર ન પણ બને. ત્યારે રાજેશ એને હિંમત આપે. ધીરે-ધીરે કોમલને રસોઈ બનાવવામાં રસ પડવા માંડ્યો અને રસોઈ બનાવવાની ફપ્વટ આવી ગઈ. બેઉ પહેલાંની જેમ હળીમળીને રહેંવાં લાગ્યાં. રસોઈ ના કલાસીસનો એક મહિનો ખતમ થયો અને કોમલને રસોઈ કરવાની ધગશ વધતી ગઈ.

હવે એનું અને રાજેશ વચ્ચેનું ટૅન્શન પણ ખતમ થઈ ગયું. પછી થોડા દિવસોમાં કલાસીસમાં રસોઈની સ્પર્ધાનું આયોજન થાય છે અને રાજેશ કોમલને એમાં ભાગ લેવા આગ્રહ કરે છે. જોગાનુજોગ એ સ્પર્ધામાં કોમલ જીતી જાય છે, અને ઇનામમાં કોમલને ટ્રોફી મળે છે.

ત્યારે કોમલ એના મનની વાત કહે છે,

“મને પહેલેથી જ ભણવાનો શોખ હતો અને જ્યારે હું સી.એ. થઈ ત્યારે મને એમ લાગતું કે ‘મે જંગ જીતી લીધી. ભણતર અને નોકરી સિવાય મેં બીજું કશું વિચાર્યું જ નહોતું. મારી મમ્મી હંમેશાં મને રસોઈ શીખવાની સલાહ આપતી હતી, પણ દરેક વખતે હું એની વાત ઉડાડી દેતી. મને લગ્ન પછી પણ રસોઈ શીખવાની જરૂર ન પડી; કારણ કે મારા સાસરે રસોઈયો હતો.પણ જયારે હું પિયર – જતી ત્યારે પણ મારી મમ્મી મને રસોઈ શીખવા માટે કહેતો, પણ હું નહોતી સાંભળતી. રસૌઈના કારણે જ અમારા સંબંધમાં દરાર પડી, અને રસોઈ ના કારણે જ અમે બેઉ પાછા એક થઈ ગયાં. દરેક સ્ત્રીએ રસોઈ તો શીખવી જ જોઈએ. ફાસ્ટ- ફુડથી પેટ ન ભરાય, પણ પેટ તો રોટલે, દાળ, ભાત અને શાકથી જ ભરાય. કેરિઅરમાં એટલા બધા રચ્યા-પચ્યા નહિ રહેતા કે રસોડામાં પગ રાખવો પડે તો માથાનો દુઃખાવો લાગે. મારા કાઉન્સિલરનો હું ખૂબ આભાર માનું છું કે એમને મને આ સલાહ આપી, રસોઈ શીખવાડવા-વાળા બહેનનો પણ આભાર કે એમને મારામાં રસોઈ શીખવાની ધગશ ઊભી કરી ને સરસ સજાની રસોઈ કરતા શીખવાડી. મારા પતિ રાજેશનો ખૂબ આભાર કે એમને મને હંમેશાં હિંમત આપી.”

આ કહેતા કોમલની આંખો છલકાઈ ગઈ અને બધાં લોકોએ એને તાળી પાડીને વધાવી. ત્રણ મહિના પૂરા થાય છે. કોમલ અને રાજેશ ભારત પાછાં આવે છે. ભાવના બહેનને જયારે આ વાતની જાણ થઈ ત્યારે એમની આંખો પણ હર્ષનાં આંસુથી છલકાઈ જાય છે. કોમલ નોકરી તો ચાલુ જ રાખે છે, પણ સાંજની રસોઈ તો હવે પોતે જ બનાવે છે, અને બધાંને પ્રેમથી પીરસીને જમાડે છે.

લેખક :મૃદુલા સોલંકી

શેર કરો આ વાત તમારા બધા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *