દરેક સ્ત્રીના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આમાંથી એક પ્રસંગ તો આવ્યો જ હશે…

૧. દવા – દિવ્યેશ વિ. સોડવડીયા

“અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.”

‘લાડલી વહુને અશ્રુસભર શ્રદ્ધાંજલિ.’ આવા લખાણવાળી છબી સમક્ષ બેસણામાં સૌ મૌન ગોઠવાયા હતા.
ને નાનકડી દીકરીએ હાથમાં ખાલી શીશી બતાવીને કહ્યું, “પપ્પા, મમ્મીની આ દવા ખૂટી ગઈ એટલે એ ભગવાન પાસે…”

– દિવ્યેશ સોડવડીયા

૨. હિમ્મત – આરતી આંત્રોલીયા

Jammu: Reena Choudhary, wife of Rajesh Kumar who is stuck in Iraq, at Miran Sahib about 15 KM from Jammu on Thursday. PTI Photo (PTI6_19_2014_000127B) *** Local Caption ***

“ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો.” તે જોરથી ગરજી ઉઠી. વહુનું આ રણચંડી સ્વરૂપ જોઈ સાસુમા છળી પડ્યાં. સહસા જ બન્નેથી વૃક્ષની ડાળીએ માળામાં ઈંડા સેવતી કાગડી તરફ જોવાઈ ગયું, સવારે જ બારી પાસે જતાં કાગડીએ ઘુરકીને ચાંચ મારી હતી તે યાદ આવ્યું.

ત્રીસ વર્ષ પહેલા પોતે પણ આવી હિમ્મત દેખાડી હોત !

– આરતી આંત્રોલીયા

૩. ભીની રક્ષા – ધર્મેશ ગાંધી

“ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો.

“ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?” બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ ભાઈએ પાછળથી આવીને બહેનના ગાલે ટપલી મારી.
“સર પ્લીઝ, પેશન્ટનો ચેકઅપ ટાઈમ, તો જરા..” નર્સે ઇલેક્ટ્રિક-શોક થેરાપીનું મશીન ગોઠવતાં વિનંતી કરી.

ધર્મેશ ગાંધી

૪. ગર્ભ – જાહ્નવી અંતાણી

એ મૂર્તિ સામે ધ્યાનમગ્ન હતા.
સવિતાબેને ફોન મૂકી બુમો પાડી.

“સાંભળ્યું? નયનાનો બીજો નંબર આવ્યો છે… લ્યો, હવે તમે ડોક્ટર નયનાનાં પપ્પા હોં.”
દવાખાનાની એ નાનકડી કેબીન તરવરી ઉઠી. “ગર્ભપાત રહેવા દો. શક્ય છે એ તમારા ગર્વનું કારણ બને.” નવનીતભાઈનાં માતાજી સામે જોડાયેલા હાથ વધુ ધ્રુજી ગયા.

એ દિવસે પણ સાતમું નોરતું હતું.

૫. મુજ વીતી તુજ વિતશે – ગોપાલ ખેતાણી

“પતિ દેવેનકુમાર, સાસુ લલિતા પવાર અને હું નિરુપા રોય.” રમાએ વિચાર્યું.
સાસુની ગર્જના સંભળાઈ, “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.”
ગમ ખાઈને કામે ચડી.
* દસ વર્ષ બાદ…
“દીકરો દેવેનકુમાર, વહુ બિંદુ અને હું નિરુપા રોય..” જયાએ ખાટલાંમાં વિચારતા વહુને અવાજ કર્યો, “બેટા, કંઇક ખાવાનું આપીશ?”

“આવડી ઉમરેય પાંચ ટાણા ગરચવા જોઇએ.”

ગોપાલ ખેતાણી

૬. કોપી પેસ્ટ – લીના વછરાજાની

સરફરાઝના હાથનો ઢોરમાર ખાઇને મુમતાઝના ખોળામાં માથું નાખીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી ફરજાનાના મારની વેદના મુમતાઝના ચહેરા પર છલકાઈ આવી.
“તારા નિકાહ સરફરાઝ સાથે થયા ત્યારે જ મેં કહેલું કે હું પહેલી બેગમ છું એટલે તને જાણ કરું છું કે તારું ને મારું જીવન કોપી પેસ્ટ જ રહેશે.”

લીના વછરાજાની

૭. રણચંડી – મીતલ પટેલ

“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.”
કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી..

મીતલ પટેલ

૮. બોન્સાઈ – સોનિયા ઠક્કર

વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી.
દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી,
‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’

– સોનિયા ઠક્કર

૯. સિંદૂર – વિભાવન મહેતા

ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી.
પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું.
સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો પાલવ સરખો કર્યો અને પછી બાજુમાં ટેબલ પર સનતકુમારની ફોટોફ્રેમ સામે જોઈ સેંથીમાંનું સિંદૂર હળવેકથી લુછી નાંખ્યું..

10 . ત્યાગ – મીરા જોશી

એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા મળી નહી..!
થાકી હારી, છાપાંની પૂર્તિ હાથમાં લીધી, ને વાંચવામાં આવ્યું: સ્ત્રી ત્યાગની મૂર્તિ હોય છે.

છાપું ફેંક્યું.

તુરંત જીન્સ-ટોપ પહેર્યું, સફેદ સાડીનો ત્યાગ કરીને..!

 મીરા જોશી

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન

તમને કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં અચૂક જણાવજો… અને વધુ વાર્તાઓ અને જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *