14 વર્ષીય કીશોરીએ બનાવ્યું એક એવું વોટર પ્યુરીફાયર જે પાણીને શુદ્ધ કરશે મકાઈના ડોડાનાં ઉપયોગથી … ……

14 વર્ષીય કીશોરીએ એક અનોખુ વોટર પ્યુરીફાયર તૈયાર કર્યું.

આજે આપણે શહેરમાં બેઠેલા લોકો માટે કદાચ ચોખ્ખુ પાણી એ કંઈ સમસ્યા નહીં હોય પણ ગામડાઓમાં આજે પણ ચોખ્ખા પાણીનો પ્રશ્ન ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.  જળ પ્રદૂષણ એ માત્ર કોઈ એક ચોક્કસ જગ્યાનો નહીં પણ એક વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે. લોકોને વાપરવા માટે તો ઠીક પણ પીવા માટે પણ શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. આજે પાણી શુદ્ધ કરવા પર વિવિધ જાતના સંશોધનો થઈ રહ્યા છે. આવી જ એક શોધ ઓડિશાની 14 વર્ષીય લલીતાએ કર્યું છે. તેણે પાણીને શુદ્ધ કરવાનો એક અનોખો રસ્તો શોધ્યો છે.

ગુગલ સાયન્સ ફેયર 2015માં ભારત તરફથી 14 વર્ષીય લલિતા પ્રસીદા જે ઓડીસાની રહેવાસી છે તેણીએ કમ્યુનિટી ઇમ્પેક્ટ પુરસ્કાર જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. પાણીના પ્રદૂષણને રોકવા માટે શોધાયેલો આ નવો ઉપાય માત્ર દેશને જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી છે.

તળાવ અને ટાંકીના પાણી જે ખેતરમાં સિંચાઈ તેમજ ઘરના ઉપયોગમાં લેવાય છે તેને ખેતરની આડપેદાશો જેમ કે મકાઈ ડોડાના દાણા નીકાળ્યા બાદ તેના વધેલા ઠૂઠાથી સાફ કરવાની આ એક અનોખી રીત લલીતાએ શોધી છે. પાણીના પ્રદૂષણની સમસ્યા એક વૈશ્વિક સમસ્યા છે. પાણીની સફાઈ કરીને પાણીને ફરી ઉપયોગ લાયક બનાવવું અને તે પણ આટલું સસ્તામાં તે ખરેખર એક મોટી સફળતા કહેવાય.

નવમાં ધોરણની વિદ્યાર્થીની લલિતાની શોધ પાછળનું કારણ ખુબ જ રસપ્રદ છે, લલિતાને ગામડે ગામડે ફરી લોકોની રહેણી-કરણી વિષે જાણવું ખુબ ગમે છે. ગામના લોકોનું હળી મળીને રહેવું, કુદરતી સ્રોતોનો ઉપયોગ કરીને ગામના લોકોની ઇકો સિસ્ટમ સાથેની મિત્રતા તેને ખુબ જ પસંદ છે. લલિતાએ વિશ્લેષણ કર્યું છે કે ગ્રામવાસીઓનું જીવન કૃષિ પર આધારીત છે. માટે તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વિજ્ઞાન દ્વારા ખેતીને સ્મૃદ્ધ બનાવવામાં લગાવ્યું કારણ કે તે કુદરતના આ મિત્રો માટે કંઈક એવું કરવા માગતી હતી જે તેમની કુદરત સાથેની મિત્રતાને હંમેશા જાળવી રાખે. મકાઈના વધેલા ઠુઠા સોલ્ટ ઓક્સાઇડ, ડિટર્જન્ટ, રંગ, તેલ તેમજ મેટલ્સને શોષવાની ક્ષમતા ધાવે છે. લલિતાએ 2 વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર મહેનત કરી અને 15થી 20 વાર તેનો સફળ પ્રયોગ કર્યા બાદ તેણી પોતાની આ શોધને બધાની સામે લઈ આવી. ભારતમાં હરિયાળી ક્રાંતિના જન્મદાતા ડો. એમ એસ સ્વામીનાથનથી લલિતા ખુબ જ પ્રેરિત થઈ છે.

દિલ્લી પબ્લીક સ્કૂલની વિદ્યાર્થીની લલિતાને 10000 ડોલર એટલે કે લગભગ સાડા છ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે અને તેમના પ્રોજેક્ટમાં કામ કરવા માટે એક વર્ષ સુધી સંપૂર્ણ સહકાર પણ આપવામાં આવશે. લલિતાના ભારત પાછા આવ્યા બાદ તેની શાળા તેનું સ્વાગત કરવા માટે આતુર છે.

માત્ર 13 વર્ષની ઉંમરમાં લલિતાનું આ પ્રોજેક્ટ બનાવું અને તેમાં સફળતા મળવી એ દર્શાવે છે કે શાળાઓમાં બાળકો વિવિધ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ બનાવવા માટે જો તેમને સમાજિક સમસ્યાના નિરાકરણ સાથે સંબંધીત પ્રોજેક્ટ આપવામાં આવે તો ચોક્કસ બાળકોની રચનાત્મકતાની સાથે નવા તેમજ અનોખા પરિણામ આપણી સમક્ષ આવશે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

પોઝીટીવ ને મોટીવેશન ભરેલી રીયલ સ્ટોરી વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ …

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *