2 રૂપિયા થી 112 કરોડ સુધી ની એક દલિત નારી ની સંઘર્ષગાથા

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવી નારી વિષે કે જેને પોતાના સંયમ અને અથાગ પરિશ્રમ થી એક નવો જ ચીલો ચીતર્યો છે. જે જગ્યા પર આવી ભલા ભલા પુરુષ પણ દમ તોડી દે છે એવી જગ્યા એ થી એમણે નારી શક્તિ નો પરિચય આપ્યો છે. આખરે નારી તું નારાયણી કહેવાયી છે તેને દુર્ગા, મહાકાલી, લક્ષ્મી ,સરસ્વતી કહેવાયી છે, તો સ્વયં શક્તિ જ નબળી કઈ રીતે પડી શકે ? એ વાત એમણે સાબિત કરી આપી છે. જેમના વિષે આપણે વાત કરવાના છીએ એમનું નામ છે કલ્પના સરોજ

કલ્પના સરોજ કે જેમનો જનમ એક દલિત અને ખુબ જ ગરીબ કુટુંબ માં થયો હતો. તેમના પિતા મહારાષ્ટ્ર ના અકોલા માં અકોલા માં કોન્સ્ટેબલ હતા. તેઓ દલિત પરિવારો ની નાનકડી ચાલ માં રહેતા. તેઓ ની જ્ઞાતિ સૌથી નીચી જાતી કહેવાતી ત્યારે કે જેઓને કોઈ અડતું પણ નહિ. તેઓ 5 ભાઈ બહેનો માં સૌથી મોટા હતા.

તેઓ ના પિતાએ તેમના લગ્ન જબરદસ્તી થી ફક્ત 12 વર્ષ ની વયે કરી નાખ્યા અને એ પણ એમના થી 10 વર્ષ મોટા યુવક સાથે. કલ્પના ના પતિ તેમને મુંબઈ લઇ ગયા જ્યાં તેઓ સ્લમ એરિયા માં રહેતા. તેમના પતિ ના પરિવારે તેમણે શારીરિક અને માનસિક ખુબ જ ત્રાસ આપ્યો.લગ્ન ના 6 મહિના બાદ જયારે તેમના પિતા મુંબઈ મળવા માટે આવ્યા ત્યારે કલ્પના ની હાલત જોઈ ને આઘાત લાગ્યો અને તેમના પિતા કલ્પના ને ફરી તેમના ઘર આકોલા લઇ આવ્યા.

નીચી જાતી અને ઉપર થી પરણિત હોવાના કારણે કલ્પના ને સમાજ ની ઘણી ટીકાઓ નો ભોગ બનવું પડ્યું. લોકો કલ્પના ને પોતાના પરિવાર નું નાક કપાવવા માટે દોષિત માનવા લાગ્યા અને તેમની ટીકા કરવા લાગ્યા. કલ્પના એ હદે ઝીંદગી થી કંટાળી ગઈ કે તેમણે એક વાર ઝેર પી ને આત્મહત્યા ની કોશિશ કરી.

સદનસીબે તેમના કાકી જોઈ ગયા અને તુરંત જ હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેમને થોડા દિવસ ICU માં રાકવા માં આવ્યા. ત્યારબાદ કલ્પના એ પાછુ વળી જોયું નથી. તેમણે આકોલા માં જ દરજીકામ ચાલુ કર્યું અને તેઓ સૌથી પહેલી કમાણી તરીકે 2 રૂપિયા કમાયા. તેમણે તેમના પિતા ને મુંબઈ જવા દેવા માટે મનાવ્યા જેથી કરી એ થોડી મહેનત કરી પરિવાર ને પણ ટેકો આપી શકે.

મુંબઈ માં કલ્પના એ દરજીકામ શરુ કર્યું અને તેઓ ત્યાં 5 રૂપિયા કમાયા. એ સમયે પિતા એ નોકરી ગુમાવી અને કલ્પના એ પોતાના પરિવાર ને મુંબઈ બોલાવ્યા જ્યાં તેમણે એક નાનકડું મકાન 40 રૂપિયા ના ભાડા થી રાખ્યું.

તેમના પરિવારે મુંબઈ માં રહેવાનું શરુ કર્યું ત્યાં જ તેમની એક બહેન નું માંદગી ના કારણે મૃત્યુ થયું જેનો ઈલાજ કરવાના પૈસા પણ પરિવાર પાસે નહોતા, ત્યારે જ કલ્પના ને સમજાયું કે પૈસા કેટલા જરૂરી છે ઝીંદગી માં. તેઓ એ દલિત લોકો માટે આપવામાં આવતી સરકારી લોન લઇ દરજીકામ નું મોટાપાયે સાહસ કર્યું અને ત્યારબાદ તેઓ એ એક ફર્નીચર શો રૂમ પણ શરુ કર્યો. તેઓ દિવસ ના 16 કલાક મહેનત કરતા અને પૈસા બચાવતા અને આ પૈસા તેઓ કાનૂની વિવાદ માં ફસાયેલી જમીન લેવા માં વાપરતા.

તેમના સંયમ અને આત્મવિશ્વાસ ના કારણે તેઓ કેસ જીતી તેઓ મુંબઈ ના રીયલ એસ્ટેટ ના એક જાણીતું નામ બની ગયા. તેઓ રીયલ એસ્ટેટ ના ધંધા માં સારા એવા પૈસા કમાયા. 2001 માં તેઓ ને જાણકારી મળી કે કમાની પાઈપ ફડચા માં જઈ રહી છે ત્યારે તેઓ કમાની પાઈપ ના બોર્ડ મેમ્બર હતા. તેઓ એ સમય દરમિયાન કંપની ના ચેરમેન બન્યા અને કંપની ની કમાન પોતાના હાથ માં લીધી. તેમણે કંપની નું માળખું ફરી પોતાની આવડત થી તૈયાર કર્યું અને કંપની ને નફો કરતી કરી દીધી. હાલ માં કલ્પના સરોજ ની મિલકત અંદાજે 112 મીલીયન ડોલર છે.

તેમને પદ્મશ્રી એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ નો એક જ મંત્ર છે “સખત મહેનત ક્યારેય વધારે પડતી નથી હોતી. તમે જે પણ ચાહો ચાહે એ જે કાઈ પણ હોય તમે એ ત્યારે જ મેળવી શકો છો જયારે તમે પોતાની જાત ને સમર્પિત કરી શકો અને તેના તરફ બસ એક જ નજર થી મંડ્યા રહો.”

ફરી મળીશું આવા જ કોઈ આત્મવિશ્વાસ થી ભરપુર વ્યક્તિત્વ ને…..

લેખક : વિશાલ લાઠીયા (સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *