કાચી કેરીનું શાક
ઉનાળા ની સીઝન શરૂ થતાં જ દરેક ગૃહિણી નો એક જ પ્રોબ્લેમ હોય છે કે રોજ કયું નવું શાક બનાવવુ કે જે બધા ને ભાવે અને રોજ ના જમવાના મેનુ સાથે મેચ થાય. અત્યારે કાચી કેરી માર્કેટ માં સારી મળવા લાગી છે અને ઉનાળા માં તેનો ઉપયોગ ખૂબ ગુણકારી છે.
કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.
દેશી ગોળ એ મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે. જે શરીર ને એનર્જી આપી ને બધા ટોક્સિન ને શરીર ની બહાર નિકાળી ને લીવર ને સાફ કરવાનું કામ કરે છે.
કેરી ને ગોળ નું મિશ્રણ ગરમી માં શરીર ને ઠંડક ની સાથે રક્ષણ પણ આપે છે. આજે હું કાચી કેરી ના શાક ની રેસિપી લાવી છું એનો થોડો ગોળકેરી જેવો ટેસ્ટ હોય છે અને થોડો ખાટો-મીઠો હોય છે , જે તમે રોટલી, ભાખરી ,થેપલા, કે ખીચડી માં પણ સર્વ કરી શકો છો.
સામગ્રી:-
- ૩ નંગ નાની કાચી કેરી,
- 1/2 ચમચી જીરુ,
- 1/2 કલૌનજી ( ના ઉમેરો તો પણ ચાલે),
- 2 ચમચી સૂકા ધાણા અને વરિયાળી અધકચરા ક્રશ કરેલા,
- 3 -4 ચમચા ગોળ,
- 2 ચમચી ખાંડ,
- 2 ચમચી તેલ,
- ચપટી હિંગ,
- 1/8 હળદર,
- 1/2 ચમચી લાલ મરચું,
- 1 ચમચી ધાણાજીરું,
- મીઠું સ્વાદાનુસાર.
આ શાક ફ્રીઝ માં 3-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
રીત:-
સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને સાફ કરી ને છાલ સહિત કટકા કરી લો. હવે એક કડાઈ માં તેલ મુકો. ગરમ તેલ માં જીરુ અને કલૌનજી ઉમેરી ને થાય એટલે સૂકા ધાણા અને વરિયાળી નો અધકચરો ભુકો ઉમેરો , હવે હિંગ ,હળદર અને કેરી ઉમેરી ને બધું સાંતળો.કડાઈ પર ઢાંકણ માં પાણી નાખી કેરી ને વરાળે બફાય ત્યાં સુધી થવા દો.
કેરી થોડી પોચી થાય એટલે મરચું, ધાણાજીરું, ગોળ અને ખાંડ ઉમેરી ને બધું મિક્સ કરો.
ધીમી આંચ પાર 2-3 મિનિટ થવા દો. જરૂર પડે તો થોડુ ગરમ પાણી ઉમેરી ને રસો કરો.
રસો જરા ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને કોઈ પણ ટાઈમ ના ભોજન સાથે સર્વ કરો.
નોંધ:- શાક ઠંડુ થાય પછી રસો વધુ ઘટ્ટ બનશે એટલે ગેસ થોડો વહેલા બંધ કરો. તમે એકલા ગોળ ઉમેરી ને પણ શાક બનાવી શકો છો. ખાંફ થઈ રસો થોડો વધુ ઘટ્ટ બને છે . કેરી ને અતિશય પોચી થાય ત્યાં સુધી ના પકાવો.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.