હસી ને લોટપોટ થઇ જશો આ લવલેટર વાંચી… તારી એ ચુનાની અડધી વાપરેલી પડીકી અને એ સુરેશ તમાકુના પેકેટનું કાગળ આજે પણ મેં સાચવીને રાખ્યું છે.

પ્રિયેશ્વર ભરત,

પ્રેમ એ કોઈ માટે માત્ર અઢી અક્ષરનો શબ્દ જ હશે. મારા માટે તો એ અઢી અક્ષરનો પ્રાણ છે.

વસંતઋતુની એ શરૂઆત જ હતી જ્યારે મેં પહેલીવાર તને ભૂરાભાઈની દુકાને તમાકુ ચોળતા જોયો હતો. જે અદાથી તીરછી નજરે મારી સામે જોતા જોતા તે સુરેશ તમાકુમાં ચુનાની પડીકી ભેળવી હતી એ આજે પણ મને યાદ છે. હું ઉભી બજારે મારા સાઠીકડા ભરાવેલા ગોબર વીણવા નીકળી હતી. તારી એ ચુનાની અડધી વાપરેલી પડીકી અને એ સુરેશ તમાકુના પેકેટનું કાગળ આજે પણ મેં સાચવીને રાખ્યું છે.

દિવાળી આવતાજ બાપાએ ઘરની દીવાલ પર ચૂનો મારવા માટે મંગુડા કલરવાળાને બોલાવેલો. મેં કોઈનું ધ્યાન ન પડે એ રીતે તારી અડધી વાપરેલી ચુનાની પડીકી મારા રૂમમાં મારવાના ચૂનાના પાણીમાં ભેળવી દીધેલી, પણ એ રોયા મંગુડાએ એ દિવસે કાઈ કજા કરી છે. ઇ ડોલ લઈને એણે બાપુજીના રૂમની દીવાલ રંગી દીધેલી.

મેં દિવાળીએ રોઈ રોઈને બાપુજી પાસેે એ રૂમ મારા માટે ખાલી કરવા વિનંતી કરેલી. બાએ વાહામાં ધોલ મારેલા. બાપુજીએ પણ ફડાકાવાળી કરેલી. મેં ફળિયામાં ધૂળમાં આળોટી આળોટીને એમને મનાવેલા. એમના માટે ભલે ત્રણ અક્ષરનો ઓરડો હોય, પણ મારો તો એમાં અઢી અક્ષરનો પ્રાણ વસતો હતો. રોજ રાતે એ દીવાલને અડકીને બેસતી અને તારા જ સપના જોતી. સાંભળ્યું હતું કે દીવાલને કાન હોય છે.

હું એ કાનમાં મારા દિલની વાતો પેટ છૂટી કહેતી અને બીજે દિવસે જ્યારે પણ તને જોતી ત્યારે તે મારી વાત સાંભળી હશે એમ વિચારીને શરમાઈને ત્યાંથી ભાગી જતી. એકવાર મેં કાનમાં તને કહેલું કે રોજ લૂંગી અને ગંજીમાં જ કેમ પાનની દુકાને આવે છે? ક્યારેક લાલ રંગનું પાટલુન અને પીળા કલરના જાળી વાળા ગંજીમાં કેમ નથી આવતો? અને બીજે દિવસે જે થયું એ અદભુત પ્રેમનો નમૂનો હતો. તને પીળા કલરના પાટલુન અને લાલ કરના જાળીવાળા ગંજીમાં જોઈને મારુ હૃદય ધબકવાનું જ બંધ થઈ ગયેલું. મેં બેશરમીથી તને જોવાનું ચાલુ રાખેલું અને મને યાદ છે કે તને પણ શરમ થતા તું તારું બદન તારા હાથથી છુપાવવા લાગેલો.

એ દિવસે મને બે વાતનો અહેસાસ થયેલો કે, એક તો તું કાચા કાનનો છો. તે રંગ ઉલટા કરી નાંખ્યા હતા. અને બીજી કે કોઈ બીજાના સાઠીકડા ભરાવેલા પોદરા ન ઉપડવા. તને જોવાની લ્હાયમાં મેં જમકુડીના પોદરા ઉપાડી લીધેલા અને પછી એ નવરીની ઝગડો કરીને મારા બધા છાણાં લઈ ગયેલી. એ દિવસે બાએ મને ફરીવાર ઢીબેલી. જોકે મારા પર એની કોઈ ખાસ અસર નહોતી થયેલી.

બાનાં બે અક્ષરના માર સામે તારો અઢી અક્ષરનો પ્રેમ મને રક્ષણ આપતો હતો. એ રાત્રે મને થયુ કે કાશ દિવારોને હાથ પણ હોત તો હું દિવારોની બાહોમાં સમાઈ જાત. કેટલીય વાર હું આવેશમાં આવીને તને ભેટવા માટે દિવાર તરફ ગાંડાની જેમ દોડી જતી અને તારા પ્રેમની નિશાની રૂપે મને કપાળમાં ઢીમડા મળતા. એકવાર તો મને એટલો પ્રેમ ઉભરાઈ ગયો હતો કે મેં આવેશમાં જોરથી દીવાલને બથ ભરવાની કોશિશ કરતા કપાળમાં ઘા સાથે લોહી નીકળી આવેલુ. બધાએ ત્યારે મને ખુબ ભલું બૂરું કહેલું કે હું ચાલવામાં ધ્યાન જ નથી રાખતી, પણ હું તો ખુશ હતી, કારણકે મને તો તારા પ્રેમની નિશાની મળી.

ત્યાર બાદ પણ થોડાં થોડા સમયના અંતરે ઢીમડાઓ થવાના ચાલુ જ રહ્યા. એકવાર રામભાઈની દુકાને હું એ ઢીમડાંઓ ઉપર ચોપડવા માટે ટોપરાનું તેલ લેવા ગયેલી અને એ તેલની શીશી રામભાઈની દુકાને તે મને અંબાવેલી. એ શીશી હજી મારી પાસે છે. એ શીશી ખાલી થતા એમાં મેં મારા કપડાં સિવવાના સંચામાં નાખવા માટેનું તેલ ભરેલું.

એ દિવસથી જ્યારે પણ હું કપડાં સિવવા કે રીપેર કરવા બેસતી ત્યારે દરેક કપડામાં તારા પ્રેમનો વધુ પડતો અહેસાસ આવતો. દરેક કપડાં તારા પ્રેમ રૂપી તેલમાં ડૂબેલા રહેતા. એ દિવસથી મારા માથામાં ઢીમડાં થવાના બંધ થઈ ગયેલા, કારણકે હવે મારે દીવાલને બથ ભરવાની જરૂર નહોતી. હું હવે મારા કપડામા તારા પ્રેમનો અહેસાસ કરતી.

એકવાર હું સંચાને તારા પ્રેમમાં તરબોળ કરીને મારો નવો નક્કોર ચણીયો હાથે ફાડીને સિવવા બેઠી જ હતી કે બાએ બાપુજીનું પછવાડે ફાટેલું પાટલુન રફુ કરવા આપ્યું. આપણો પ્રેમ બાપુજીની નીચે દબાઈ ન જાય એટલે મેં આખું મશીન ખોલી નાંખેલું. એ દિવસે બાએ મને ખુબ ગાળો આપેલી પણ એ બે અક્ષરની ગાળ સામે અઢી અક્ષરનો તારો પ્રેમ મોટો હતો.

કાનમાં તો કેટલીય વાર કહ્યું પણ રૂબરૂ ના તું મારી પાસે આવ્યો કે ના મને તારી પાસે જઈને ઇઝહાર કરવાની હિંમત ચાલી. મારા લગ્ન બીજે નક્કી થયા અને તારા બીજે. વિદાય વખતે એ દીવાલને ભેટીને હું ખૂબ રડેલી. મારા આંસુઓથી મેં આખી દીવાલ ભીંજવી દીધેલી, પણ મારું એ આક્રંદ તને કદાચ નહિ સંભળાયું હોય. એમાં જોકે તારો વાંક નથી… એક તો તું છો જ કાનનો કાચો અને બીજું તારા કાનમાં ત્યારે તારા પણ લગ્નના ઢોલ ઢબુકતા હતા ને…

એ દિવસ બાદ એ ઓરડામાં મારી ગેરહાજરીમાં તારા પ્રેમના પોપડા ઉખડવા લાગેલા.

એ સાંજે હું મારા પતિ સાથે મોટરમાં બેસેલી હતી અને તને સામેથી બીજી શણગારેલી મોટરમાં તારી નવવધૂ સાથે બેસેલો જોયો. તારા ચહેરા પર ખુશી હતી જ્યારે મારા ચહેરા પર ઉદાસી. તે અઢી અક્ષરની પત્ની મેળવેલી જ્યારે મેં બે અક્ષરનો પતિ. મારા માટે તો એ ખોટનો સોદો જ હતો.

આજે પણ હું જ્યારે હું પિયર આવું છું ત્યારે ચોરી છુપે મારા એ જુના રૂમમાં દીવાલને બથ ભરીને હજી તારી સાથે અઢળક વાતું કરું છું. બાપુજીએ ભલે એના ઉપર એશિયન પેઈન્ટનો પ્લાસ્ટિક પેઈન્ટ ચડાવી દીધેલો હોય પરંતુ નખ મારી મારીને હું તારા પ્રેમનો રંગ શોધવા આજે પણ કોશિશ કરતી રહું છું.

તારા પ્રેમના અહેસાસ રૂપી એ ટોપરના તેલની શીશીનું સ્થાન પણ આધુનિક ઓઇલની કુપ્પીએ લઈ લીધુ છે. હવે તારી પ્રેમની નિશાની રૂપે મારી પાસે બસ તને મન ભરીને નિરખ્યાની યાદો જ બચી છે અને હા કપાળમાં તારા પ્રેમની એ નિશાની પણ.

તારી પ્યારી…

કંકુ…

લેખક: નૈમિષ અમ્બાસણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *