મીરાંનો મોહન – મદનિયા જેવો યુવાન અને ગાય જેવી યુવતીની અનોખી અને અનેક ઉતારચઢાવ વાળી હાસ્ય પ્રેમકહાની…

મીરાનો મોહન….

~~~~~~~~~~~~
અમુક વર્ષો પહેલાં, એક નાનકડા ગામમાં, ભેંસ જોરથી ભાંભરીને કોઈના આગમનની વધાઈ આપી રહી હતી. કાળ ચોઘડિયામાં ચંદ્ર અને હથિયા નક્ષત્રનું મિલન થયું હશે, એવી કોઈક ઘડીએ, ઉંટ સમાન અઢારે અંગ વાંકાં એવા ચંપકભાઈના મદમસ્ત હાથણી સમાન પત્ની ચંપાદેવીએ એક નાનકડા, રૂપાળા મદનીયા જેવા બાળરત્નને જન્મ આપ્યો. જન્મેલા ગણપતિ આવા જ લાગતા હશે તેવું લાગે, નામ એનું પડ્યું મોહન. હા! આ ગણપતિને ન તો સૂંઢ હતી, ન સુપડાં જેવા કાન કે ન હાથીદાંત. પણ તોય એને જોઈને એક જ નામ મોઢામાં આવે ગણપતિ બાપ્પા મોરિયા!

બે વર્ષ પછી બરોબર કોઈક એવા જ કોઈક કાળ ચોઘડિયામાં બીજા એક ગામમાં ગધેડાઓએ ‘હોંચી હોંચી’ કર્યું. ત્યારે સાંઢ સમાન રમણિકભાઈની ગીરની મહાકાય ગાય સમાન પત્ની રંભાગૌરીએ એક નાનકડી, મીઠડી, વાછડી જેવી કન્યારત્નને જન્મ આપ્યો. નામ પડ્યું મીરા. હા! મીરા વાછડી જેવી જ ગોરી ગોરી હતી, વાછડી જેવી જ મોટી મોટી આંખો, રડે તોય ભાંભરતી હોય તેવું જ લાગે. બસ, પૂંછડી અને શિંગડાની કમી હતી.મોહન અને મીરાના ગામ લગભગ બસ્સો કિલોમીટર દૂર, છતાંય ભગવાને નવરા’દીએ બંને ઘડ્યા હશે એટલે બેયમાં ખૂબ સમાનતા. ગામના છોકરાઓ આવી બંનેને મૂર્ખ બનાવી જાય. બંનેના ભરેભારખમ શરીરની મજાક ઉડાડે. બંને જણા પોત પોતાના ગામમાં સફેદ હાથી તરીકે પ્રખ્યાત. બેઉ દોડીને તો કોઈને મારી શકે નહીં એટલે પોતાના ઉપર હસતાં શીખી ગયેલા. લોકો મૂર્ખ બાનાવે અને મૂર્ખ બન્યા પછી પણ બેઉ હસે.

“ બેઉં ભોળિયા , માથે પડીયા.
મૂર્ખ લાગે સૌને એ મજાકીયા.”(જળકમળના રાગમાં ગવાયુ છે)

અરે! મેં મારા વિશે તો કાંઈ કહ્યું જ નહીં, હું દીવાલ … જે દીવાલને કાન હોય છે, જે પ્રેમીઓની વચ્ચે આવે છે, જેની અંદર અનારકલીને જીવતી ચણી દેવામાં આવી. બસ! ત્યારથી જ હું બોલું પણ છું અને ગાઉં પણ છું.

એકવાર ચંપકભાઈના મિત્રે વાત કરી, કે કલબમાં મેમ્બર બનીએ તો દુબઈની રીટર્ન ટિકિટ મળે. આપણો મોહન કહે, “ એ તો ઠીક કાકા જવાની ટિકિટ કોણ આપે?” ચંપકભાઈએ માથું ફૂટ્યું.આપણી મીરા ય કાઈ ઉતરતી નહોતી. ટી.વી.માં ગીત આવતું હતું, હમ દિલમેં રહેતે હૈ. તો મીરાએ પૂછ્યું, “ તે હેં આ લોકોને રે’વા ઘર નહીં હોય?” દીકરીના ભોળપણ ઉપર મા રંભાગૌરી ગાંગરી ગયા..ઓહ ઓવારી ગયા.

મીરા અને મોહન મોટા થતાં જતા હતા. બંને સુંદર, સુશીલ અને કદાવર. જે જુવે તે જોતાં જ રહી જાય. અઢારવર્ષના મોહન માટે પચીસવર્ષની કન્યાના માંગા આવતાં તો સોળવર્ષની મીરા માટે છવ્વીસવર્ષના સુ-વરોના માંગા આવતાં.

મોહનને જોઈ દરેક માને એવું થાય, કે મારે આવો દીકરો હોત અને દીકરો નથી તો કાંઈ નહીં, આવો જમાઈ હોય. કિન્તુ, પરંતુ,લેકિન, દરેક માની દીકરીને થાતું, મારે આવો ભાઈ હોય. આમ, મોહનને બહેનોની સંખ્યા વધતી રહેતી. રક્ષાબંધન આવતા મોહન બિચારો થથરી ઉઠતો. તેના જુવાન હૈયામાં ઉઠતા ઉમંગોનો કોઈ છોકરીને વિચાર ન આવતો. ભાઈ બની જવાના ભયે નવયુવાન મોહન છોકરીઓ જોઈ રીતસર ગભરાતો. ભાઈ શબ્દ સાંભળી સાંભળી મોહનના અરમાનો કચડાઈ રહ્યા હતા. એવામાં એક નાજુક, નમણી હરણી જેવી બબલી ઉપર મોહન મોહી પડ્યો, બબલી મોહનને જોઈ શરમાતી, મોહનની સામે ઈશારા પણ કરતી. મોહનનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું પણ છેવટે બબલી કોઈ બંટી સાથે ભાગી ગઈ. મોહનનું દિલ ચૂરચૂર થઈ ગયું. પોતાને દેવદાસનો શાહરૂખ ખાન માનવા લાગ્યો, ડ્રાય સ્ટેટમાં હતો એટલે દારૂની બદલે દૂધ પીવા લાગ્યો. દિવસના ત્રણ-ચાર ગ્લાસ દૂધ પીવાથી એનું શરીર વધારે ભરાયું. છેવટે તે આગળ વધુ ભણવાના બહાને ગામ છોડવાનું નક્કી કરી બેઠો.જેમ મેં આગળ જણાવ્યું તેમ મીરા તો પંદર વર્ષની થઈ ત્યાં એના માટે માંગા આવવા લાગ્યા. પચીસ વર્ષના ઢાંઢાને પંદર વર્ષની મીરા માપની લાગતી. મીરાને પણ પોતાના અરમાન હતાં. મીરાને એક છોકરો ગમી ગયો. ગધેડાથી જાતવાન અને ઘોડાથી ઉતરતા, એવા ખચ્ચર જેવો એની ઉંમરનો જ પપ્પુ. પપ્પુ મીરા સાથે હસતો બોલતો, તેની સાથે મૈત્રી પણ રાખતો. જ્યારે પપ્પુને ખબર પડી કે મીરા તેને પ્રેમ કરે છે ત્યારે પોતાને બહુ જાતવાન ઘોડો સમજતા પપ્પુને હસવું આવ્યું. તેને આપણી ભોળી ગાયનો પ્રેમ સમજાયો નહીં. એ મોઢું ફેરવી ગયો. મીરા પોતાને દિલ કા કયા કસૂરની દિવ્યા ભારતી સમજી, પોતાને કેન્સર થાય અને પપ્પુને એનો સાચો પ્રેમ સમજાય તેની રાહ જોવા લાગી. પરંતુ પપ્પુ બીજા ગામ રહેવા ગયો અને મીરા પણ ભણવાના બહાને પપ્પુના ગામમાં જ જવાનું નક્કી કરી બેઠી.

આમ, આપણાં હીરો હીરોઇન મીરા-મોહન એક જ ગામની સીમમાં ચરવા, અરે .. ભણવા માટે ગયા. મોહન અને મીરા એક જ ગામમાં હોવા છતાં, પાસે પાસેથી પસાર થયા હોવા છતાં પણ ક્યારેય એકબીજાને મળ્યા નહીં.

મોહન છોકરીઓથી દૂર રહેવાનું નક્કી કરી બેઠો હતો અને ભયાનક શાયરીઓ બોલતો,“ જીન્હેં મીલ સકી ખુશીયાં, વો શૌક સે મુહોબ્બત કર બેઠે,
મુહોબ્બત હમારી ન પૂછો હમસે, હમ તો કિસ્મત આઝમા બેઠે.”

તો મીરા ખચ્ચર જેવા પપ્પુનું ઘર શોધતી રહેતી અને દુઃખી કવિતા કરતી,

“ આવી છું, તારા શહેરે, તારી ગલીએ તારી શોધમાં,
મળ્યો તું તોય એક આજાણ્યો લાગ્યો મને તારા રૂપમાં.”

આમ ને આમ એક વર્ષમાં, મીરા અને મોહન કેટલીય વાર એકબીજાની નજીકથી પસાર થયા પણ એકેય ના દિલમાં ઘંટડી ન વાગી. “ એક દુજે કે વાસ્તે” ની. યશ ચોપરા પોતે ઘંટડી વગાડવા આવત તો પણ બંને દુઃખી આત્માને એ સંભળાત કે નહીં તે સવાલ છે.

છેવટે બેય થાકી હારીને, ભણવાનું પૂરું કરી પોત-પોતાને ઘેર સિધાવ્યા. ઘરે બેઉના માતાપિતાએ જન્માક્ષર, ભણ્યાંક્ષર વગેરે મેળવી રાખેલા હતાં. છત્રીસમાંથી ચોત્રીસ ગુણ મળતાં હતાં. છેવટે, મીરા અને મોહન પણ મળ્યા. બંનેએ એકબીજાની આંખમાં પોતાનું ભોળપણ વાંચી લીધું. હરણી ન સહી તો વાછડી ચાલશે અને ખચ્ચર ન સહી તો ગણપતિ ચાલશે એમ માની બંનેએ હા પાડી દીધી અને છેવટે લગન નક્કી થયા. બંનેની તૂટેલા દિલની ડાયરીઓ ફેંકાઈ ગઈ, બબલી અને પપ્પુને ગાળો આપાઈ ગઈ, બંનેએ સાથે મળી બબલી અને પપ્પુના ફોટાઓ બાળી નાખ્યાં. દેવદાસનો શાહરુખ પાછો રોમાન્ટિક મૂડમાં આવી ગયો અને મીરા એની કાજોલ બની ગઈ.

ફોન ઉપર લાંબી લાંબી વાતો થવા માંડી, મોહન હવે ભાઈના નામથી કે રક્ષાબંધનના નામથી ધ્રૂજતો નહોતો. બબલીના નામ ઉપર રડતો નહોતો. મીરાને પણ હવે મરવામાં કે શાયરીઓ લખવામાં કોઈ રસ નહોતો રહ્યો. ગણપતિ જેવા મોહનને મળી ત્યારે મીરાને સમજાયું કે પપ્પુ જેવો ખચ્ચર તેને લાયક જ નહોતો.

લગ્ન લેવાયા. ઊંટ સમાન ચંપકભાઈ અને સાંઢ સમાન રમણિકભાઈ જ્યારે વેવાઈ બની ભેટ્યા ત્યારે આકાશમાંથી સૂરજે તડકો વરસાવી હરખ વ્યક્ત કર્યો. હાથણી સમાન ચંપાદેવી અને ગીરની મદમસ્ત ગાય સમાન રંભાગૌરી ગળે મળ્યાં ત્યારે બસ ધરતીકંપ આવવામાં થોડું છેટું રહી ગયું અને જયારે મીરા અને મોહને એકબીજાને વરમાળા પહેરાવી ત્યારે વાતાવરણમાં મંગળ ધ્વનિ ગુંજી ઉઠ્યો.કોઈએ જોડી જોઈને કહ્યું,

“ આ બંને તો એકદમ મેઇડ ફોર ઈચ અધર છે.”
બંને એ સાથે જવાબ આપ્યો,
“હા ,હા …. અમે પાગલ જ છીએ”. (એવાને એવા ભોળા.)

અને આ દીવાલથી ગવાઈ ગયું…..

“ રબ ને બના દી જોડી….”

લેખક : એકતા દોશી

દરરોજ આવી અનેક વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર..

admin

Share
Published by
admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago