હિન્દુ પંચાંગ પ્રમાણે દેવસૈયા એકાદશીના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ ની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાન આ ચાર મહિનાઓ સુધી આરામ કરવા જાય છે. આ વર્ષે ભારત દેશમાં તારીખ 23 જુલાય, 2018 ના રોજ થી ચાતુર્માસની શરૂઆત થાય છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર એવી માન્યતા છે કે આ ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં વાસ કરતા રાજા બલિને ત્યાં રોકાવા જાય છે. ત્યારબાદ કારતક સુદ એકાદશીના દિવસે ભગવાન પાતાળલોકમાંથી ફરીથી પોતાના સ્થાન પર બિરાજે છે. આથી જ આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે.
હિન્દુ ધર્મની અંદર આચાર મહિનાઓને ખૂબ જ ખાસ માનવામાં આવ્યા છે. કેમકે, આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ રાજા બલિ સાથે રહેવા માટે પાતાળલોકમાં જાય છે. આ અંગે ઘણાં ગ્રંથોમાં અલગ પ્રકારની કહાનીઓ છુપાયેલી છે, જે અનુસાર ભગવાન જ્યારે વામન રૂપ ધરીને બલિ પાસેથી દાન માંગવા જાય છે, ત્યારે બલિ પાસેથી તે મૃત્યુલોક, પાતાળલોક અને સ્વર્ગ લોક ત્રણેનો દાન લઈ લે છે, અને આથી જ મહારાજા બલી ભગવાનને ચાર મહિના પોતાના ઘરે રોકાવાનું આમંત્રણ આપે છે. અને ભગવાન પણ તેના ઘરે રોકાવા જાય છે.
હિંદુ સંસ્કૃતિની અંદર એવી માન્યતા છે કે, આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ આરામમાં હોય છે. જેને કારણે તેની પાછળ થી અનેક આસુરી શક્તિઓ જાગ્રત થાય છે. આથી જ આસુરી શક્તિઓથી છુટકારો મેળવવા માટે આ ચાર મહિના દરમ્યાન સૌથી વધુ પૂજા-પાઠ અને ઉપવાસ રાખવાનું મહિમા હોય છે. અને આથી જ ચોમાસાના ચાર મહિના દરમિયાન સૌથી વધુ વ્રત અને તહેવારો આવે છે.
આ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરતા હોવાના કારણે અનેક પ્રકારની આસુરી શક્તિઓ અને રોગો ઉત્પન્ન થાય છે. આથી જ આ ચાર મહિના દરમ્યાન તમારા ખોરાકમાં યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે તો તમને અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. આથી જ આ માસ દરમિયાન ક્યારેય પણ તેલ, દહીં, ગોળ, મુળા, રીંગણ, ચોખા અને તુવેરનું ક્યારે પણ સેવન ન કરવું જોઈએ. કેમ કે, આમ કરવાથી તમે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે.
અને કદાચ આથી જ ચોમાસાના ચાર મહિના દરમ્યાન સૌથી વધુ તહેવાર આવે છે, કે જેને કારણે લોકો ઉપવાસ રાખીને પોતાના સ્વાસ્થ્યને કાયમી માટે ઠીક રાખી શકે. આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરતા હોય છે. ત્યારે માતા લક્ષ્મીની સતત સેવા કરતા રહે છે. જેથી જો આ ચાર માસ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તમને ધનલાભ પણ થઇ શકે છે.
આ ઉપરાંત આપણે ત્યાં માન્યતા એવી પણ છે કે, આ ચાર માસ દરમ્યાન કોઈપણ શુભ પ્રસંગ કરવામાં આવતા નથી. આથી જ આ ચાર માસ દરમિયાન કોઈપણ જાતના લગ્ન, ગૃહપ્રવેશ, ગોદ ભરાઈ અને બીજા મહત્વના પ્રસંગો કરવામાં આવતા નથી. કેમ કે, એવું માનવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન જો કોઈ શુભ પ્રસંગ કરવામાં આવે તો આસુરી શક્તિઓ ના પ્રભાવના કારણે તેની અંદર કોઈને કોઈ વિઘ્ન નડે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.