હાંડવો
ગુજરાતી ના ઘરે હાંડવો ખૂબ સામાન્ય છે. કોઈ પણ ઋતુ હોય હાંડવો તમે નાસ્તા માં કે જમવા માં પીરસી શકો.. મને આ તીખો હાંડવો સોસ અને કોથમીર ચટણી સાથે પણ ખૂબ પસંદ છે.
આ સાદા સરળ હાંડવા માં શાક ઉમેરો અને બનાવો વધુ સ્વાદિષ્ટ અને વધુ પૌષ્ટિક.. શાક ઉમેરતા જ હાંડવો એક સંપૂર્ણ ખોરાક બની જાય. મિક્સ દાળ અને શાક ભાજી ની પૌષ્ટીકતા હાંડવા ને સંપૂર્ણ બનાવે છે. આજે અહીં બતાવીશ મારી રીત ..
સામગ્રી ::
- 2 વાડકો હાંડવા નો લોટ,
- 1 વાડકો ખાટું દહીં,
- મીઠું,
- ચપટી સોડા,
- 2 ચમચી તેલ,
- 1 ચમચી રાઈ,
- 1.5 ચમચી તલ,
- 2 લાલ સૂકા મરચા,
- થોડો લીમડો,,
- હિંગ,
- 1 ચમચી મેથીયો મસાલો,
- 1 ચમચી લાલ મરચું ,
- 1/2 ચમચી હળદર,
- 1/2 વાડકો ખમણેલી દૂધી,
- 1 નાનું ગાજર ખમણેલું,
- 1/4 વાડકો બારીક સમારેલી કોથમીર,
- 1 ચમચી ખમણેલું આદુ,
- 1 લીલું મરચું, બારીક સમારેલું.
રીત ::
હાંડવા ના લોટ માટે
- 1 વાડકો ચોખા,
- 1/2 વાડકો તુવેર દાળ,
- 1/4 વાડકો ચણા ની દાળ,
- 1/4 વાડકો અડદ ની દાળ .
બધું સરસ મિક્સ કરી કરકરું વાટી લો. આ લોટ બનાવી ને પણ સ્ટોર કરી શકાય છે.એક બાઉલ માં હાંડવા નો લોટ અને દહીં મિક્સ કરો.. થોડું પાણી ઉમેરી સરસ મિક્સ કરો. આ મિક્સર ને 2 થી 3 કલાક સુધી સાઈડ પર રાખી દો. ત્યારબાદ આપ જોશો કે બેટર થોડું કોરું પડી જશે.
બેટર ને સરસ હલાવો અને હવે એમાં બધું શાક ઉમેરો. ખમણેલું ગાજર , દૂધી , કોથમીર , આદુ , મરચા નું માપ આપ ચાહો તો વધારે ઓછું કરી શકો છો. બાફેલા વટાણા પણ ઉમેરી શકાય.
હવે આ બેટર માં મીઠું અને ચપટી સોડા ઉમેરો. સરસ મિક્સ કરી લો. બેટર ઈડલી ઢોસા ના બેટર જેવુ રાખવું. ના બહુ જાડું અને ના બહુ પાતળું.. સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી શકાય.
એક નાની કડાય માં તેલ ગરમ કરો . એમાં રાઇ , તલ , લીમડો ,.લાલ સૂકા મરચા ઉમેરો. થઈ જાય એટલે એમાં હિંગ , મેથિયો મસાલો અને લાલ મરચુ ઉમેરો..
સરસ મિક્સ કરી લો. આમ અંદર વધાર કરવા થી સ્વાદ વધુ આવશે.
કડાય માં થોડા ટીપા તેલ મૂકી એમાં રાઇ અને તલ શેકો. ત્યારબાદ એમાં 2 મોટા ચમચા હાંડવા નું બેટર ઉમેરો. ઢાંકી ને એકદમ ધીમા તાપ પર પકાવો…
કિનારી કડક થતી દેખાય એટલે ઉથલાવી દો. ફરી ઢાંકી ને ધીમા તાપે કડક થવા દો.
ગરમ ગરમ અથવા ઠંડો હાંડવો પીરસો.. સાથે ચા અથવા ચટણી પીરસી શકાય.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.