કોઇ માણસ નાની એવી મદદ કરે તો પણ આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ છીએ અને એની એ મદદને કાયમ યાદ રાખીએ છીએ. ભગવાને તમને શું મદદ કરી એનો ક્યારેય વિચાર કર્યો છે ? સામાન્ય રીતે કોઇ માણસે કરેલી મદદની નોંધ ન લઇએ તો શક્ય છે કે અમૂક સમય પછી એ મદદ કરવાનું બંધ પણ કરી દે અને ભગવાનની મળેલી મદદની આપણે નોંધ લઇએ કે ન લઇએ એ કરુણાનો સાગર સતત પોતાની હેતવર્ષા કર્યા જ કરે છે.
ભગવાનની આપણા પરની કૃપાને સમજવા માટે માત્ર આપણું શરીર જ કાફી છે. એક સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રાણુના મીલનથી માનવદેહનું બંધારણ થાય છે. શુક્રાણુંના અંડકોષમાં પ્રવેશ થતાની સાથે જ એક સુરક્ષા કવચ રચાઇ જાય છે અને પછી એમાં બીજુ કંઇ જ પ્રવેશીને આ બીજને વિકસવામાં બાધા ઉભી કરતુ નથી. જરા વિચારો તો ખરા, આપણા રક્ષણની આટલી ચિંતા બીજુ કોણ કરે ? માતાના ગર્ભમાં ભ્રુણમાંથી પૂર્ણ શરીર સુધીની 9 માસની યાત્રામાં થતુ બંધારણ કોઇ ગાયનેકોલોજીસ્ટ ડોકટરને મળીને સમજીએ તો ખબર પડે કે કેટલી સુરક્ષાની વ્યવસ્થાઓ ભગવાને આપણા માટે માતાના ગર્ભમાં જ કરી આપી છે.
આપણી પાસે ગમે તેવા આધુનિક સાધનો હોવા છતા આપણે બાહ્ય ટેમ્પરેચરને મેઇન્ટેઇન નથી કરી શકતા અને એ શરીરની અંદર કોઇપણ જાતના સાધન વગર ટેમ્પરેચર મેઇન્ટેઇન કરે છે. જન્મબાદ પણ આ કાર્ય અદભૂત રીતે ચાલે છે. જ્યારે આપણે ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં પ્રવેશીએ છીએ એ સાથે જ શરીર બ્લડનો ફ્લો ઓછો કરીને આપણા શરીરનું તાપમાન ઘટાડી દે છે અને ગરમ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણમાં પ્રવેશીએ એ સાથે જ બ્લડનો ફ્લો વધી જાય છે જેથી શરીરમાં ગરમાવો આવે છે.
આપણા શરીરનો અત્યંત મહત્વનો અને નાજૂક ભાગ છે આપણું મગજ. કરોડાની કિંમતના હીરા-ઝવેરાતની સલામતી માટે આપણે જેટલી તકેદારી લઇએ એના કરતા વધુ તકેદારી ભગવાને મગજની સલામતી માટે લીધી છે. મગજના રક્ષણ માટે એક નહી પણ ત્રણ આવરણ બનાવેલા છે. 1. ડયુરા મેટસ 2. પાયા મેટસ અને 3. એરાકનોઇડ મેટસ આ ત્રણ આવરણોથી પણ સંતોષ ન થતા જે ખોપડીમાં મગજને રાખવામાં આવ્યુ છે એ ખોપડીનું હાડકુ પણ અત્યંત મજબુત બનાવ્યુ છે.
ખોપડીના આ હાડકાની ઉપરની ચામડી પણ એવી જ મજબુત છે. તમારા શરીરની બાકીના ભાગની ચામડી અને માથાના ભાગની ચામડી જોશો તો પણ ખબર પડી જશે કે બધી જ ચામડી કરતા એ વધુ મજબુત છે અને સાવ છેલ્લે માથામાં વાળ પણ મુક્યા જેથી સીધી જ માથાની ચામડીને કોઇ અસર જ ન થાય. કુદરતે એક મગજ માટે કેવુ સુરક્ષા કવચ બનાવ્યુ છે !
મગજની જેમ જ હદય અને ફેફસાને પણ પાંસળી દ્વારા સુરક્ષા પુરી પાડી છે. જો પાંસળી ન હોત તો શરીર પર થતો પ્રહાર સીધો જ હદય કે ફેફસા પર થાય. શરીરમાં કોઇ જગ્યાએ વાગે અને પછી લોહી નીકળવાનું બંધ જ ન થાય તો ? પણ પ્રભુએ આ બાબતે પણ આપણને મદદ કરી છે. લોહી નીકળવાનું શરુ થતાની સાથે જ ‘ડીફેન્સ મીકેનિઝમ’ શરુ થઇ જાય છે. જુદા જુદા 13 ક્લોટીંગ ફેકટર સાથે મળીને જે જગ્યાએથી લોહી વહેતુ હોય ત્યાં લોહીને ઘટ કરે છે અને પછી લોહી જમાવી દે છે જેથી વધુ પડતુ લોહી શરીરની બહાર વહી ન જાય અને આ કામ કરવામાં શરીર માત્ર 4 થી 5 મીનીટ જ લે છે.
શરીરની સૌથી અગત્યની બાબત છે આપણા શરીરની વિવિધ હોર્મોન્સ ગ્રંથીઓ એટલે કે લસીકા ગ્રંથીઓ. આ હોર્મોન્સ ગ્રંથીઓ એમને સોંપાયેલી કામગીરી કોઇપણ જાતની રજા રાખ્યા વગર 24 કલાક કર્યા કરે છે જેને મેડીકલની ભાષામાં ‘સર કાર્ડીયન રીધમ’ તરીકે ઓળખવામાં આવે છે. આખા દિવસના કામ બાદ રાત્રે ઉંઘ કેમ આવી જાય છે એનો વિચાર કર્યો છે ક્યારેય ? દિવસ દરમ્યાન સતત કામ કરતા મગજને ધીમે ધીમે શાંત કરવાનું કામ આ હોર્મોન્સ જ કરે છે.
જેવી રીતે કમ્પ્યુટરને સટ-ડાઉન કરીએ એમ ઉંઘ માટે મગજને પણ શટ-ડાઉન કરવુ પડે અને એ કામ હોર્મોન્સ બખુબીથી નીભાવે છે. આ હોર્મોન્સ મગજની વિચારવાની ક્ષમતાને નબળી પાડીને, મેમરીને પણ ભૂંસીને એને સ્લીપીંગ મોડમાં લઇ જાય છે એટલુ જ નહી સવારે ફરીથી મજગને કાર્યરત કરે છે અને બધી જ મેમરી પણ પાછી આવી જાય છે. સવારે ઉઠયા પછી મેમરી રીકવર ન થાય તો શું થાય જરા વિચારો ? તમારુ મેળવેલુ જ્ઞાન, તમારી એક્ષપર્ટાઇઝ, તમારી ક્ષમતાઓ, તમારી સંપતિ આ બધાનું શું થાય જો ભગવાન સવારે સ્મૃતિદાન ન કરે તો ?
ખરેખર કોઇએ સાચુ જ કહ્યુ છે ‘હે! કરુણાના કરનારા તારી કરુણાનો કોઇ પાર નથી’.
લેખક : શૈલેષ સગપરીયા
આપ સૌ આ વિષયમાં તમારો મત આપજો !!
આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ