સંતાનસુખ
જયાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી. બંને દિકરીઓ સાસરે અને મોટો દોકરો વિશાલ અને મોટી વહુ જલ્પા લગ્ન પછી માંડ એક વર્ષ સાથે રહી શક્યાં. કહાની ઘર ઘર કી ની કહેવતને સાચી ઠારતા સાસુ વહુના ઝઘડા, સાસુનું હું પણું, જીદી વલણ અને કચકચ વાળો સ્વભાવ સામે નવું ઉછળતું લોહી અને ઓછી સહનશક્તિ વાળી મોટી વહુ જલ્પા. એક્બીજા પ્રત્યે લાગણી, હૂંફ અને વિશ્વાસના અભાવે કજિયા-કંકાસ અને શાબ્દિક વાક્યુધ્ધ ને જાણે આ ઘરનું કાયમી સરનામુ મળી ગયુ. અંતે રોજના ત્રાગાથી કંટાળી સસરાએ મોટા દિકરા વહુને ત્યાં જ ઉપર અલગ રહેવાની વ્યવસ્થા કરી આપી.
જયાબેનનાં ઘરમાં પોતે, પતિ અને નાનો દિકરો જયંત એમ ત્રણ જણ રહ્યાં. અન્ન નોખા એના મન નોખાની જેમ સાસુ વહુ ઉપર નીચે રહેતાં હોવા છતા એકબીજા સાથે બોલવા ચાલવાનો વહેવાર પણ જાણે ભુલાઇ ગયો. સહુ સહુનાં કામથી કામ રાખતા પરિવારમાં જાણે હસી-ખુશી, ઉત્સાહ ઉડી ગયા. અને બધાના જીવન જાણે વેરાન વગડાં જેવા બની ગયા જયાં કદી કોઇ વસંત વળતી નથી.
પાંચ વર્ષ બાદ જયંતનાં લગ્ન પુર્ણા સાથે થયા. પુર્ણાને જાણે ભગવાને તેના નામ મુજબ જ સર્વગુણ સંપન્ન બનાવી. જેનામાં કોઇ અધુરપ નથી તેવી પુર્ણા. તેના શરીરમાં જાણે લોહીની જગ્યાએ આનંદ અને ખુશી જ દોડતી હોય એવું લાગે જાણે એક ઉછળતુ, કુદતુ, રમતુ ઝરણું જે પોતાની આસપાસ રહેતાં વેરાન વગડાના કાંટાળા થોરને પણ પોતાના વર્તનના વહેણથી ભીંજવી ગુલાબની કયારી બનાવી દે. બોલે તો જાણે શબ્દે શબ્દે સરસ્વતી વહેતી હોય તેમ સામેવાળાનાં હ્રદયમાં ઉતરી જાય એવી મીઠી વાણી. આવી પુર્ણા જયાબેનનાં ઘરની શોભા બની.
પુર્ણાને સાસુએ પહેલાં જ જલ્પા વિશે ચેતવી. પણ પુર્ણા તો જેઠાણીને જાણે પોતાની મોટી બહેન જ માનતી હોય તેમ દરેક વાતમાં વર્તનમાં અને વહેવારમાં આગળ કરી જેઠાણી તરીકેનો પુરો માન મોભો આપતી.
આખો દિવસ નીચેથી ‘ભાભી…ઓ…ભાભી’બુમો પાડી દરેક નાની નાની વાતમાં સલાહ લેતી. ખરીદીમાં હંમેશા જલ્પાને સાથે લઇ જાય, માંદગીમાં જલ્પાનું ખુબ જ ધ્યાન રાખે, તેનુ બધુ કામ કરી આવે. સારું જમવાનું બનાવે તો પણ જેઠ-જેઠાણીને મુકીને ન ખાય. ધીમે ધીમે જલ્પાનું વલણ પણ નરમ બન્યુ. પુર્ણા કાયમ જલ્પાને મળે ત્યારે મોકો જોઇને કહ્યા કરતી “ ભાભી તમે મારાથી મોટાં છો હું નાની છું તમને પુછવામાં, તમારી સલાહ લેવામાં મને કંઇ ખોટ થોડી છે… અને મોટાને તો પોતાનાથી નાનાંને વઢવાનો અને સમજાવાનો પુરો અધિકાર છે. તમે મને નાની બહેન સમજી જે પણ કહેશો એનું મને જરાય ખોટું નહિ લાગે… રહી વાત મમ્મીની તો તેઓ પણ મારાથી મોટાં જ છે ને!! ભલેને થોડું કચકચ કરે છે પણ અંતે તો આપણું ભલું જ ઇચ્છે છે ને!સાચુ કહુ ભાભી તમે ભલે પાંચ વર્ષથી અલગ થયાં પણ હજીય નીચે બધાં તમને સંભાળ્યા વગર નથી રહેતા. વાતે વાતે જયંત તો તમારી રસોઈનાં જ વખાણ કરે… ભાભી સંભાર મસ્ત બનાવે, અને ઉંધીયુ તો ભાભીનાં હાથનું જ ભાભી જેવા દાળ-શાકનાં વઘાર તો કોઇથી ન થાય આપણાં ઘરથી બે ઘર દુર સુધી તેમની રસોઈની સોડમ પહોંચે. ભાભીની રસોઇ એટલે બસ વાહ!! મમ્મી પણ કહેતા હોય છે.“ ગમે તે હોય પુર્ણા પણ જલ્પાની સાડીની અને કપડાંની પસંદગી તો બેનમૂન છે દસ લોકોમાં એનાં કપડાંની પસંદગી એને બધાંથી અલગ તારવે.”
સાથે સાથેજયાબેનને પણ કાયમ કહેતી, “ભાભી અલગ રહે છે તો શું થયું? મારી જેમ એ પણ આ ઘરની વહુ જ છે ને એ પણ પાછા મોટાં વહુ!! મારાં કરતાં આ ઘરની, અને ઘરની રુઢીની સમજ એમને વધારે હોયને ભાભી ઘણી વાર કહે છે, “મમ્મીનાં હાથની ચટણી અને ભાજીનું શાક બહુ જ ટેસ્ટી બને હો!! મમ્મી જે ચીવટથી અથાણાં ને મસાલાં તૈયાર કરે એ તો જાણે ટ્યુશન રાખી શીખવા જેવુ છે પુર્ણા!! મમ્મી પાસેથી તું ઘણું બધુ શીખી જઇશ. મમ્મીનું દરેક બાબતનું જ્ઞાન અને અનુભવ તો કોઇક્ની પાસે જ હોય. આવુ સ્થાન છે ભાભીનાં મનમાં તમારાં માટે.
દરેક વસ્તુ અને બાબતમાં ભાભીનો મારાં કરતાં પહેલો અધિકાર છે. ભાભીને આગળ કરવાથી, માન જાળવવાથી આ ઘરની ખુશીઓ બમણી થઇ જશે મમ્મી” બંન્ને પક્ષે આવી વાતો કરી કરી ને પુર્ણાએ જલ્પા અને જયાબેનની વચ્ચે સર્જાયેલી મતભેદની ઉંડી ખીણને ખુબ જ પ્રેમથી પુરી નાખી અને વેરાન ઘરમાં ત્રણ સાસુ-વહુ વર્ષોથી વિખુટી પડેલી બહેનપણીની જેમ રહેવા લાગી. વર્ષોથી ખાલી પડેલો ઘરનો ઓટલો સાસુ-વહુની વાતો અને હસીમજાકથી ગુંજવા લાગ્યો.
આમ લગ્નના ત્રણ જ મહીનામાં જ પુર્ણાએ પોતાનાં વર્તનથી ઘરની પાંચ વર્ષની ઉદાસી દુર કરી દીધી. પણ આજે પુર્ણા સવારથી ખુબ ઉદાસ છે અને ખુબ રડી રહી છે. જયાબેન અને જલ્પા તેને સમજાવી રહ્યાં છે. પુર્ણાને ખબર પડી કે તે મા બનવાની છે પણ લગ્ન પછી આટલા ટુંકા ગાળામાં તે આ જવાબદારી લેવા તૈયાર નથી પુર્ણા કહે છે, “ભાભી હજી તો હું પણ બાળબુધ્ધી છુ તેવામાં એક બાળકની જવાબદારી કેવી રીતે લઉ?…અને હજી તો લગ્નને ત્રણ જ મહીના થયા છે હજી તો લગ્નજીવનને સરખી રીતે માણ્યુ પણ નથી ત્યાં આ બાળક? હજી તો મારે જયંત સાથે હરવા ફરવા અને સાથ માણવાના દિવસો છે તેવામાં આ બાળકની અડચણ કેવી રીતે સ્વીકારુ?? હજી તો આખી જીંદગી પડી છે, બાળકોનું શું છે બાળક તો ગમે ત્યારે થાય?”
આટલુ બોલતાં પુર્ણાની જીભ થોડી ખચકાઇ લગ્નનાં પાંચ વર્ષે પણ જેનો ખોળો ખાલી હતો તે જલ્પાને જાણે થોડો શબ્દિક ઘા થયો. છતાં પોતાને સંભાળતાં બોલી “ પુર્ણા બાળક તો ઇશ્વરનુ વરદાન છે, કૃપા છે, તારું તો નામ જ પુર્ણા છે જે આ બાળકના આવવાથી સાર્થક થશે અને હા, મને જો!! બાળક જો ગમે ત્યારે થતાં હોત તો પાંચ વર્ષે પણ હું અધુરી ન હોત. અને તારે ક્યાં એક્લીને આ બાળક ઉછેરવાનું છે હું છું, મમ્મી છે તારી જવાબદારી વહેંચાઇ જશે પુર્ણા!! ..પ્લીઝ પુર્ણા આ ઇશ્વરના વરદાનને ખુશીથી વધાવી લે. બાળક લગ્નજીવનની અડચણ નથી પરંતુ જીવનને ખુશીનાં રંગોથી ભરી દેતુ મેઘધનુષ છે… રંગાઇ જવા દે તારા જીવનને આ રંગમાં.. બાકી તો શું કહુ મારી પાસે તો આ આનંદને વર્ણવવાનાશબ્દ કે અનુભવ કંઇ જ નથી બસ તારી ખુશી સાથે ખુશ થઇશ.”
જલ્પાની દલીલોથી પુર્ણા માની ગઇ હસી ખુશી તે બાળકનો સ્વીકાર કર્યો અને નવ મહિના પોતાની દરેક વાત, અનુભુતિ, તકલીફ, પીડાં જ્લ્પા સાથે શેર કરતી જલ્પાએ પણ નવ મહિના પડછાયાની જેમ પુર્ણાની સાથે રહી સારસંભાળ રાખી. અને નવ મહિને પુર્ણાએ સુંદર અને સ્વસ્થ દિગંતને જન્મ આપ્યો.
દિગંતના આવવાની સાથે જ ઘરનાં બધાં જ સભ્યો જાણે બાળક બની ગયા. દિગંતની કિકિયારીઓ અને બાળસહજ ઘુઘવાટાથી સમગ્ર ઘર જીવંત બની ગયુ. બીજી તરફ જયાબેન, પુર્ણા અને જલ્પા પોતાનુ વાંઝીયા મેણું ટાળવા ગામો ગામ ડોકટર ફરી વળ્યા, પત્થર એટલા પીર કર્યા,માનતા, બાધા, આખડી, ટેક લીધી, અત્યાધુનિક વૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ લીધી પણ જલ્પામાતૃત્વના સુખથી વંચિત જ રહી. સમયની સાથે સાથે જોતજોતામાં દિગંત સાડા ત્રણ વર્ષનો થયો અને ઈશ્વરે ફરીથી પૂર્ણાને માતા બનવાઆ આશીષ આપ્યા.
સાડા ત્રણ વર્ષના દિગંતને જલ્પાના દિગંતને કાયમ છાતી સરસો ચાંપીને રાખ્યો કહેવા માટે તેની મોટી મમ્મી હતી પણ મમ્મીથી જરાય કમ ન હતી. નવ મહિના પછી ફરીથી ઘરમાં હસતાં રમતા રાજવીરનો જન્મ થયો. આખાં ઘરમાં ખુશીઓ છલી વળી. આજે છઠ્ઠીનો દિવસ હતો સાંજે જોરશોરમાં રાજવીરની છઠ્ઠી ઉજવાઈ જલ્પાએ રાજવીરને પગે લગાડયો અને પૂર્ણાને સોંપવા ગઈ.
પૂર્ણાએ ખૂબ મક્કમ સ્વરે કહ્યું, “ભાભી ! તમે રાજવીરને મને કેમ સોંપો છો? તમે જ તેની મમ્મી છો! હાં ભાભી…. જયંત, મમ્મી અને અમે બધા જ ઈચ્છીએ છીએ કે રાજવીર તમને જ પોતાની મમ્મી માને. માટે હવેથી રાજવીર પર પૂર્ણ પણે તમારો જ અધિકાર છે.” જલ્પાની આંખો હર્ષથી છલકી ગઈ પણ પછી પોતાની લાગણીઓને સંભાળતા બોલી, “પૂર્ણા હું તારી લાગણી અને તારી મારા માટેની ભાવના અને પોતાના બાળકને મને સોંપવાની વાત કરીને તે જે વિશ્વાસ મારા પર મૂક્યો તેની હું ખૂબ કદર કરું છું પણ આજના આ શુભ દિવસે તમને બધાને મારા અને વિશાલના નિર્ણય વિશે જણાવવાની જ હતી. લગ્નના આઠ-નવ વર્ષે પણ આટઆટલી દવાઓ, ટ્રીટમેન્ટ કરાવવા છતા ઈશ્વરે મને માં બનાવવાના સુખથી વંચિત રાખી અને મારા ઘરમાં પારણું ન બંધાયુ ત ન જ બંધાયુ. જ્યારે દિગંત અને રાજવીરનો જન્મ થયો ત્યારે મમ્મીની આંખોમાંથી વહેતા આંસુ મેં જોયા છે જેમાં એક આંખમાંથી ખુશી છલકાતી અને બીજી આંખમાંથી અમારા સંતાન વિહોણાં જીવનનો સંતાપ છલકાતો મેં જોયો છે. આપણા દિગંત અને રાજવીર કેટલા ભાગ્યશાળી છે કે તેમને એક નહિ પણ ત્રણ ત્રણ માતૃહ્રદયનો સ્નેહ, હૂંફ, મમતા અને લાડ મળે છે.
જેમ મારે ખોળાનો ખૂંદનાર નથી અને નાની આંગળીથી વિશાલનો હાથ પકડી પગલીનો પાડનાર અમારા નસીબમાં નથી. તેમ ઈશ્વરે આ દુનિયામાં એવા પણ અસંખ્ય અણમોલ રમકડા બનાવ્યા છે જેને માતા પિતાનો પ્રેમ મળતો નથી અને એ કુમળા ફુલો અનાથ આશ્રમમાં પાંગરે છે. રાજવીરને હું ઉછેરુ કે તું ઉછેર તેને એટલો જ પ્રેમ મળશે. પણ એવા કેટલાય માસુમ છે જેને માતા પિતાનો પ્રેમ જોવા કે અનુભવવા પણ નથી મળતો. હું અને વિશાલ આવા જ કોઈ અનાથ બાળકને અપનાવી એના અને અમારા બન્નેના રીસાયેલા ભાગ્યને સજાવવા માંગીએ છીએ, કોઈ એક જીંદગીને પ્રેમ વગર રોળાતી અટકાવી તેના જીવનને પ્રેમથી તરબતર કરવા માંગીએ છીએ અને હાં આપણા દિગંત અને રાજવીરના હાથ રક્ષાબંધનના દિવસે ખાલી થોડા રખાશે.
આથી અમે અનાથાશ્રમમાંથી એક નાનકડી પરી લઈને પોષવા માંગીએ છીએ અમે અનાથ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેનું આ દુનિયામાં કોઈ નથી તેને મમ્મી-પપ્પા, દાદા-દાદી, કાકા-કાકી અને ભાઈ બહેનનાં સંબંધનો ગુલદસ્તો ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. અમે તેના માટેની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ કરી દીધી છે, થોડા જ દિવસોમાં દિગંત, રાજવીરની સાથે તેની નાની બહેન પણ રમશે. જલ્પાનો નિર્ણય સાંભળી પૂર્ણા અને જયાબેનની આંખો છલકાઈ ગઈ અને હર્ષાશ્રુ ભરેલી આંખે જયાબેને જલ્પાને કહ્યું, “ખૂબ સરસ નિર્ણય કર્યો છે બેટા!! આમ પણ કોઈ પણ ઘર તુલસી ક્યારા વગર તો સ્મશાન જેવું જ છે અને દિકરી જેવો તુલસી ક્યારો ઘરમાં આવે તેનાથી મોટી આનંદની વાત કઈ હોઈ શકે?”તમારી સાથે અમે પણ એ લક્ષ્મીને સહ્રદય આવકારી અપનાવશું. જલ્દીથી લઈ આવો એક દિકરી વ્હાલનો દરિયો.”
લેખિકા : નિશા રાઠોડ
દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર અને આ વાર્તા એટલી શેર કરો કે કોઈને પ્રેરણા મળે એ અનાથ આશ્રમમાં ઉછરી રહેલી નાની બાળકીને દત્તક લેવા માટે…