વેજિટેબલ હક્કા નૂડલ્સ
વેજિટેબલ હક્કા નૂડલ્સ એ ખૂબ જ પ્રખ્યાત ઇન્ડો- ચાઈનીઝ ડીશ છે જે લગભગ બધી જ રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે. નાના બાળકો ની જ નહીં પરંતુ બધી જ ઉંમર ના લોકો ની પ્રિય વાનગી કહી શકાય એવી ડીશ છે.
ચાઈનીઝ લારી થી લઈને મોટી હોટેલ માં સર્વ થતી આ સ્વાદિષ્ટ નૂડલ્સ બનાવામાં ખૂબ જ સરળ છે. ખૂબ ઓછા સમય માં બનતી આ વેજિટેબલ હક્કા નૂડલ્સ ચોક્કસ થી ટ્રાય કરો.
વેકેશન ટાઈમ માં બાળકો ને ખુશ કરવા માટે આ નૂડલ્સ બેસ્ટ છે.
વેજિટેબલ હક્કા નૂડલ્સ માટેની સામગ્રી
- 1/4 કેપ્સિકમ લાબું સમારેલું,
- 1/2 ગાજર લાબું સમારેલું,
- 1 નાની ડુંગળી લાંબી સમારેલી,
- 3 લીલી ડુંગળી ઝીણી સમારેલી,
- 1 લીલું મરચું ઝીણું સમારેલું,
- 5-7 કળી લસણ ઝીણું સમારેલું,
- 1 ચમચી સોયા સોસ,
- 1 ચમચી રેડ ચીલી સોસ,
- 1 ચમચી ટોમેટો કૅચઅપ,
- મીઠું સ્વાદ અનુસાર,
- ચપટી હિંગ,
- 1/2 લીંબુ નો રસ કે 1 ચમચી વીનેગાર,
- 2 ચમચી તેલ,
- 1 નાનું પેકેટ હક્કા નૂડલ્સ.
રીત:-
સૌ પ્રથમ એક તપેલા માં 6-8 ગ્લાસ પાણી ઉકળવા મુકો. પાણી ઊકળે એટલે નૂડલ્સ ઉમેરો. અને 3-5 મિનિટ સુધી થવા દો. હવે એક ચારણીમાં નૂડલ્સ નિકાળી લો અને આ નૂડલ્સ પર ઠંડુ પાણી રેડો. હવે 1 ચમચી તેલ નૂડલ્સ પર ઉમેરી ને મિક્સ કરો. એવું કરવાથી નૂડલ્સ એકબીજા ને ચિપકશે નહીં અને બન્યા પછી પણ છૂટી જ રહેશે. આ નૂડલ્સ ને સાઈડ પર રાખો.
હવે એક જાડી કડાઈ માં તેલ મુકો અને ગરમ થવા દો. તેમાં સમારેલું લસણ , હિંગ અને ડુંગળી ઉમેરી ને તેજ આંચ પર 1મીન માટે સાંતળી લો. ત્યાર બાદ તેમાં સમારેલા ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, લીલી ડુંગળી ઉમેરી ને બધું તેજ આંચ પર સાંતળો. તેમાં મીઠું, સોયાસોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ , લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
ને ઉપર બનાવેલી નૂડલ્સ ઉમેરો. હવે નૂડલ્સ તૂટી ના જાય એવી રીતે બધું હલવા હાથે મિક્સ કરો. (જો પેન માં નૂડલ્સ બનાવો તો નૂડલ્સ ને ટોસ પણ કરી શકાય. )તમારી નૂડલ્સ તૈયાર છે.
વેજિટેબલ હક્કા નૂડલ્સ ને લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ને ગરમાં ગરમ સર્વ કરો.
નોંધ:-
તમે ફણસી, કોબી જેવા બીજા શાક પણ ઉમેરી શકો છો.
મેં વીનેગાર ને બદલે લીંબુ નો રસ ઉપયોગ માં લીધો છે. તમે વીનેગાર પણ વાપરી શકો.
મેં ગ્રીન ચીલી સોસ નથી ઉમેર્યો તમેં વધુ તીખાશ માટે ઉમેરી શકો છો.
ટ્રેડિશનલ રીત માં રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ જ તીખાશ માટે ઉપયોગ માં લેવાય છે.
મરી નો ભુકો પણ ઉમેરી શકાય.
નૂડલ્સ બાફીને ચારણી માં નિકાળી ને તરત જ તેની પર ઠંડુ પાણી અને ત્યારબાદ તેલ ઉમેરો.
શાક વધુ ને નૂડલ્સ ઓછી લઈ ને બનાવો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. મેં આજે શાક ઓછા લીધા છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.