“વિધવા” – પ્રથમ તો એક માણસ.. વાર્તા નું નામ જ પુરતું છે. વાંચો અને શેર કરો..

ગઈકાલે એક સબંધીના ત્યાં મળવા જવાનું થયેલું ત્યારે બાજુમાં સફેદ મંડપ બાંધેલો જોઇને અમસ્તુજ પુછાઈ ગયું કે કોઈ ઘટના ઘટી લાગે છે અને ભાભીએ ‘હા…’ કહ્યું ત્યાં તો બા બોલવા શરૂ જ થઈ ગયા, હા બેન એક ૩૫ વર્ષનો નાનો બાળ દીકરો મર્યો છે. ત્રાસ ત્રાસ થઇ ગયો, નાની દીકરીએ છે ૩ વર્ષની પણ વહુને જુઓં તો જરાયે અસર નથી, બારમાની ક્રિયાના દિવસેય બધાની જોડે જમવા બેઠી, બાર આંગણામાં ફરતી હોય તોય માથે છેડો નથી રાખતી, એની છોડી જોડેય કેવી વાતો કરતી હોય છે!….જરાયે લાજ કે દુઃખ જેવું વર્તાતું નથી. આ સાંભળીને ખરેખર દુઃખ થયું ના એ વિધવા સ્ત્રી પર નહી આ બાની વાતો પર કે જમાનો આટલો આગળ નીકળી ગયો હોવા છતાં હજી સમાજના ઘણા બધા લોકો આવી પ્રથાઓમાં વિશ્વાસ રાખે છે. નક્કી ના કરી શકાયું કે દયા કોની પર ખાવી આવી જૂની-પુરાણી વિચારસરણી પર કે વિધવા બનેલી સ્ત્રી પર.

વિધવા સ્ત્રીનું પતી ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે, એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?

જેનો પતી અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ના નીકળાય, એનાથી સારા ઉઘડતા રંગના કપડા ના પહેરાય, એનાથી હસીને ના બોલાય, એ જાહેરમાં વાત ના કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ના જમાય એમાં ગળ્યું તો ખાસ નહિ,એને બધાથી પેહલા ઉઠીને શીતલ જળથી સ્નાન કરી લેવાનું અને ક્યાંકતો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ના પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલુંજ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં વિધવા સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વિગેરે જેવા ટાઈટલ્સથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે…!

હમણાંનીજ વાત કરું તો મારી એક મિત્રના લગ્ન પ્રસંગમાં થનાર વહુને એની સાસુએ કપાળે શુકનનો કંકુ ચાંદલો કર્યો અને માથે હરખથી ચુંદડી ઓઢાળી ત્યાંતો લોકોએ ગણ-ગણાટ શરુ કરી દીધો કે આનામાં બુદ્ધિ નથી કે શું? પોતાની વહુને અપશુકન અપાય? અને વાત એ સાસુ સુધી પહોંચી… એનો વિરોધ થયો.. કારણકે એની સાસુ નો પતી જયારે દીકરો ૩ વર્ષનો હતો ત્યારેજ અવસાન પામી ચુકેલા…એક વિધવાએ હરખભેર વહુના શુકન કર્યા એ વાતને અપશુકન માની લોકોએ એમને કેટકેટલું સંભળાવ્યું.. એને લાચાર બની માફી માંગી લોકોની.. હવે અશુભ તો થાય ત્યારે થાય પણ એ ઘડીએ એ સ્ત્રીના મનને જે દુ:ખ થયું હશે એ કળવું મુશ્કેલ છે.. એક દીકરાને એકલા હાથે મોટો કર્યો હોય અને દીકરી સમાન વહુ લાવવાના કોડ હોય એ સ્ત્રીથીવધુ આશીર્વાદ એ નવવધુને કોણ આપી શકવાનું…

કોઈ સારા અવસરે વિધવા સ્ત્રીના શુકન લેવા કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?

એક વિધવા સ્ત્રીને માથે એના ઘર પરિવારની જવાબદારી આવી પડે છે જો એ સ્ટ્રોંગ નહી બને તો બીજા બધાનું ધ્યાન કેવી રીતે રાખશે?પતિની ગેરહાજરીમાં એને ઘરને સાચવવાનું હોય છે એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પુરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે, નાની ઉંમરમાંજ પતિનો સાથ ગુમાવી બેઠેલ સ્ત્રીઓંને ક્યારેક શારીરિક સતામણી જેવી સમસ્યાઓ સામે પણ લડવું પડતું હોય છે આવા સમયે એને મજબુત બનવુંજ પડતું હોય છે, પહેલાથી પણ વધુ, પતિના અવસાન બાદ ક્યાં સુધી લાચાર બિચારી બનીને બેસી રહે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજુર નથી.

જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ, અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હોતી હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ હોતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મન માંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહ્યી લેવું પડે છે. એનાથી પણ વધુ દુખની વાત તો એ છે કે એના સાંભળતા જ વાતો થવા લાગે કે એનાજ પગલા ખરાબ હતા કે વર જીવથી ગયો. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે …પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..

ઘણી જગ્યાએ ક્રીયાક્ર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઇને પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ?..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ માણસ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…

મારા જીવનું શબ પડ્યું છે, હ્રદયના એક ખૂણામાં,
નાહકના શ્વાસ અવર-જવર કરે છે, શરીરના ખોખામાં…

ઈચ્છાઓ કે સપના જેવુ, ક્યાં રહ્યું છે કશુંય?,
સુખના સરનામાં બળી ગયા, તારા ચિતાની આગમાં…

હોઠો પર સ્મિત લાવવાની, મનાઇ ફરમાવેલ છે સમાજે,
ને હવે તો, ભીનાશ પણ ખૂટી ગઈ છે આંખમાં ….

તારી લાવેલી, એ લાલ સાડી પણ રડી પડે છે,
જુએ છે જયારે, મને એ કાળા અને સફેદ રંગમાં…

ઓરડાનો અરીસો પણ રીશાઈને બેઠો છે મારાથી,
કે સજતી નથી શણગાર એની સામે, હવે હું રોજ સવારમાં…

લોકો કહે છે, મુત્યુ પામ્યો છે તું…
હું પુછું છું તને…
શું ખરેખર મર્યો છે “તું”? કે પછી રોજ મરતી “હું”…?

લેખક : સ્વાતી સીલ્હર

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને રોજ અલગ અલગ વિષય પર વાર્તા વાંચવા લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *