મોરબીમાં રહેતો એક પરિવાર એક પ્રસંગમાં અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પરત આવતી વખતે આ પરિવાર એક અકસ્માતનો ભોગ બન્યો. પતિ-પત્ની ગંભીર રીતે ઘવાયા, દીકરીને થોડી ઈજાઓ થઈ અને દીકરો ત્યાં જ મૃત્યુ પામ્યો.
નાની છોકરી પર તો જાણે કે આભ તૂટી પડ્યું. ભાઈના અવસાનનું દુઃખ તો હતું જ અને માતા-પિતા પણ હોસ્પિટલમાં હતા. છોકરી ત્રણ મહિના સુધી પરિવાર વગર અભ્યાસ માટે મોરબીમાં એકલી રહી. આર્થિક રીતે પરિવાર પાયમાલ થઈ ગયો. બધી બચત સારવારમાં જતી રહી. થોડા સમય પછી એ છોકરીના પિતાએ પણ વિદાય લીધી. અકસ્માતને કારણે માતા કોઈ કામ કરી શકે તેમ નહોતા એટલે પરિવારની જવાબદારી આ છોકરી પર આવી.
છોકરી ભણતી જાય અને ઘર ચલાવતી જાય. મોરબી છોડીને એ માતા સાથે વડોદરામાં સ્થાયી થઈ. હિંમત હાર્યા વગર આ છોકરી જિંદગીનો જંગ લડતી રહી. દીકરી નોકરી કરે અને માતાની સેવા પણ કરે. લગ્નની ઉમર થતા માતાને પણ ચિંતા થઈ કે દીકરીની વિદાય પછી એમનું શુ થશે ? દીકરી પણ માતાને છોડવા નહોતી માંગતી એટલે એણે એવું નક્કી કર્યું કે હું એવા છોકરાને પરણીશ જે મારી સાથે સાથે મારી માતાનો સ્વીકાર કરે અથવા તો લગ્ન કરીને અમારી સાથે જ રહેવા આવી જાય.
એકપણ યુવક કે કોઈ પરિવાર આ માટે તૈયાર નથી. આખરે છોકરીએ એવો નિર્ણય કર્યો કે મારી માતા સાથે મને અપનાવવા કોઈ તૈયાર ના થતું હોય તો મારે લગ્ન કરવા જ નથી. હું એકલી એકલી જીવી લઈશ પણ મારી માતાને મૂકીને તો કોઈના ઘરે નહીં જ જાવ.
આ સત્ય ઘટના સમાજ માટે એક બહુ મોટો સવાલ છોડી જાય છે. વિધવા માતાનો એકનો એક દીકરો હોય તો સમાજ એવી અપેક્ષા રાખે કે આવનારી વહુ વિધવા સાસુની સાથે રહીને સેવા કરે તો પછી વિધવા માતાની એકની એક દીકરીના પતિએ પણ એની વિધવા સાસુની સેવા કરવી જોઈએ આવું સમાજ કેમ નથી વિચારતો ?
પોતાના ઘરની સેવા માટે બીજાની દીકરીને લાવનારો સમાજ વહુના ઘરની સેવા કરવા માટે દીકરાને મોકલવા કેમ તૈયાર નથી ? સંતાનમાં એક માત્ર દીકરી જ હોય એવા માતા-પિતા (એમાં પણ ખાસ કરીને બે માંથી કોઈ એક વ્યક્તિ વિદાય લઈ ચુકી હોય )ની વૃદ્ધાવસ્થાનો આધાર કોણ ? દીકરો-દીકરી એકસમાન એવા ગીતો ગાવાથી નહીં ચાલે કેટલાક સામાજિક પરિવર્તનો પણ અતિ આવશ્યક છે.
લેખક : શૈલેશ સગપરીયા
મિત્રો, આપ સૌ ને આ બાબત પર શું લાગે છે ? એવું નથી લાગતું કે આ વિષય માં આપણે સૌ એ સાથે મળી ને ચિંતન કરવું જોઈએ ?? છે તમારી પાસે કોઈ સોલ્યુશન ??