મૈને રંગલી ચુનરિયા સજના તેરે રંગમે – એ યુવાને પોતાનું પૂરું જીવન તેની સામે ખોલીને રાખી દીધું…

મૈને રંગલી ચુનરિયા સજના તેરે રંગમે

આજે વળી એક છોકરો જોવા આવવાનો હતો. આરતીને ગઇકાલ સાંજનું કહી દેવામાં આવ્‍યુ હતું કે આ આઠમો છોકરો છે. સાત સાત છોકરા જોવા આવ્‍યા, છતાં તને ન ગમ્‍યા. મમ્‍મી પૂરા દોઢ કલાક લેક્ચર આપતી રહી. સાથો સાથ મોટીબા પણ ટાપશી પૂરાવતા રહ્યા. એકવાર તો એમણે કહી પણ દીધું કે ‘‘આમાં નાચવાનું શું? તમે જ બધાએ લાડ કરાવીને ફટવી મૂકી છે!‘‘ મમ્‍મી ત્‍યારે ઘડીભર ચૂપ રહી હતી, પણ વળી પાછી એની વકીલાત ચાલુ થઇ ગઇ: ‘‘જો આરતી, આમ ને આમ નાચ્‍યા કરીશ તો ન્‍યાત આખીમાં વગોવાઇ જઇશ. કે છોડી તો મિજાજની પૂતળી છે!! આ સાતમાંથી તને એકપણ ન ગમ્‍યો? પેલો બેંકમાં નોકરી કરતો હતો એને તો કેવી દોમદોમ સાહ્યબી હતી? અને હા, પેલો અશ્વિન, કોર્ટમાં ક્લાર્ક હતો. ખાધેપીધે તો એ પણ સુખી જ હતો. હમણાં છેલ્‍લે આવ્‍યો હતો એ તો એકનો એક જ હતો. તું રાજરાણી બનીને ઘરમાં મ્‍હાલેત! પણ, અમારું માને કોણ? પોતે હંમેશા પોતાનું ધાર્યું કર્યુ છે. કોઇનું માન્‍યુ નથી… અને હવે આ આઠમો છોકરો છે… તારું નહીં પણ અમારું તો જરા વિચાર. તને અગાઉ જોવા આવેલા છોકરાના મા બાપ જ્ઞાતિના ફંક્શનમાં કે સારે ભલે પ્રસંગે સામા મળે છે, ત્‍યારે કેવા મોઢા મચકોડે છે એ તારે ક્યાં જોવું છે?‘‘
મોટીબા એ તો કહી પણ દીધું ‘‘કરે છે ને માથે વાલામૂઇ?! મેં તમને પહેલા જ કીધું તુ કે… આટલી બધી લાડકી કરી મૂકી છે, તો એક દિ આપણા માથે છાણા થાપવાની જ. પણ અમારું માને જ કોણ..?‘‘
‘‘પસંદ કરી જ લેવાનો છે હવે… તારે.‘‘ મમ્‍મીએ કહી દીધું: ‘‘હવે વાંક ધોક કાઢવાના નથી. જેવો હોય એવો! આપણે ક્યાં સૂંડલામાં નાખીને વેચવા જવાનો છે?‘‘ આરતીની આંખોમાં પાણી આવી ગયા. એણે પપ્‍પા સામે જોયું આજે પપ્‍પાની આંખો પણ મૌન હતી, એ એનાથી સહન ન થયું. એ દોડીને રસોડામાં જતી રહી. આંખોમાંથી તો આંસુની ધારા!! અચાનક ખભ્‍ભે કોઇનો હાથ મૂકાયો, જોયું તો પપ્‍પા પાણીનો ગ્‍લાસ લઇને ઊભા હતા. એ ભીની આંખે પપ્‍પા સામે તાકી રહી. પપ્‍પાએ ગ્‍લાસ અંબાવ્‍યો. એણે ઘૂંટડો પાણી પીધું. મનમાં હતું કે, પપ્‍પા કશુંક બોલશે. એ આશાભરી નજરે તાકી રહી ત્‍યારે પપ્‍પા બોલ્‍યા: ‘‘બેટા, સિરિયસલી તું જ વિચાર, હવે તારે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. થોડીક બાંધછોડ તો કરવી પડશે. અગાઉ આવેલા સાતમાંથી ત્રણ છોકરા તો ખરેખર સરસ હતા. પણ તેં ના પાડી…‘‘ હા, એ હતો બેંકવાળો દિલીપ. પણ પોતે તો બહુ અભિમાની હતો. બેંકમાં નોકરી કરે છે, પણ પોતાની જાતને સમથીંગ માનતો હતો. કદાચ એ મારી ગલતફેમી હોય પણ મને તો એક શબ્‍દ બોલવા જ ન દીધી. બીજો કોર્ટવાળો, તો દસ મિનિટમાં ત્રણવાર તંબાકુવાળા માવા મોઢામાં નાખ્‍યા ને થૂંક્યા. પૂરું બોલી પણ શકતો ન હતો. વાતવાતમાં પીળા દાંત બતાવીને કહે કે ચા માવાનું તો ચાલુ જ રહેશે. અમારી નોકરી જ એવી બોરીંગ! પણ નોકરી તો બધા કરતા જ હશે ને? અને ત્રીજો, છેલ્‍લો સુરેશ! આખો બાટલો દારૂ પીને આવ્‍યો હોય એમ આંખો ઊંચી જ નહોતી થતી. વચ્‍ચે વચ્‍ચે બે ત્રણ છોકરા આવ્‍યા એમનામાં ક્યાં ભલીવાર હતી.! નહોતી સારી નોકરી કે નહોતા મોઢામાં ઠેકાણા! મુફલિસ જેવા સાવ હતા એ!

પણ પોતાની વ્‍યથાની કોઇને પડી નહોતી. આખી રાત અજંપામાં કાઢી. આખી રાત એક કાલ્‍પનિક ચહેરો નજર સામે તરવર્યા કર્યો. હા, વિમલ નામ હતું એનું. બહુ સીટી ય નહીં, અને ગામડું ય નહીં એવા ગામમાં એને પોતાનો પ્રોવિઝન સ્‍ટોર હતો. પપ્‍પા હતા નહીં. એક મોટી બેન પરણાવેલી હતી. એક નાની કુંવારી હતી. જૂનાગઢવાળા વિનુફૂઆના કઝીન્‍સમાં ભત્રીજો થતો હતો એ! શારદાફૈબા એના મમ્‍મીને કૌટુંબિક પસંગે મળેલા ત્‍યારે વાત થયેલી. અને એણે ખુદે જ પત્ર લખેલો વિનુફૂઆને કે, કાકા કુટુંબમાં કાકા છે પણ પપ્‍પાના અવસાન પછી એ સંબંધ ઓછા થઇ ગયા છે. મારા વતી વાત તો તમારે જ સામા પક્ષે કરવાની આવે. મને પણ મારા ખુદ માટે જ તમને વાત કરતા શરમ થાય તે સ્‍વાભાવિક છે પણ શારદાકાકી મારા મમ્‍મીને મળેલા ત્‍યારે વાત કાઢી અને મારા મમ્‍મી મારી પાસે તમને પત્ર લખાવડાવે છે. મારો બાયોડેટા મોકલું છું. સામેનો બાયોડેટા મનેય મોકલશો તો ગમશે. બાકી, તમે લોકોએ બતાવ્‍યું હોય એમાં સંદેહ કરવાની જરૂર હોય જ નહીં…‘‘ વિનુકાકાએ તે અંતરદેશીય પત્ર કવરમાં નાખીને અહીં મોકલેલો. આરતી અત્‍યારે તે પત્રને તાકી રહી. અક્ષર, ભાષા, વ્‍યક્તિત્‍વનો વિવેક પત્રમાંથી છલકાઇ રહ્યા હતા. સરસ લાગતું હતું આમતો બધું! પણ, મમ્‍મી અફસોસ કરીને પીડતી હતી: ‘‘હવે આ દુકાનવાળો છે કુંવરીને ગમે તો સારૂ. સારા સારા ઠેકાણા જતા કર્યા. કહે છે ને કે વિનાશકાળે વિપરીત બુધ્ધિ !‘‘
વહેલી સવારની છની ટ્રેનમાં ભાઇ-ભાભી આવી પહોંચ્‍યા. પણ કોણ જાણે શું થયું કે ભાભીને વળગીને રડી પડાયું. એક સખી કહો કે ભાભી! પણ એક આ વ્‍યક્તિ હતી જેને મનની વેદના કહી શકાય. નહાઇ ધોઇને દસ વાગ્‍યે ભાભી ઉપરના રૂમમાં લઇ ગયા. અને જે કંઇ થઇ હતી તે બધી જ વારતા, આંખોના પાણી બનીને વહી નીકળી. ભાભીએ હળવો આશ્ર્લેષ આપ્‍યો. શરીર એમાં સમાયું. થોડી ટીપ્‍સ પણ આપી ભાભીએ. પણ અંતે તો પોતાના મનનું ધાર્યું કરવાનું જ આશ્વાસન આપ્‍યું…! ખેર, સાંજે ચાર વાગ્‍યે તો એ લોકો આવવાના હતા. ભાભીએ કહ્યું: ‘‘સાડી પહેરો તો સારા લાગશો. આમ, પણ તમારો બાંધો સાડીબરનો જ છે.‘‘ અને એણે વાત માની. ગુલાબી સાડી પહેરીને તૈયાર થઇ. ઘરના તો સૌ કોઇ આ નવા રૂપને મનભરીને તાકી જ રહ્યા. મમ્‍મી તો બોલી જ, ‘‘અરે વાહ! અપ્‍સરા લાગે છે ને કાંઇ!!‘‘
સાંજે સાડાચારે એ લોકો ફોરવ્‍હીલ લઇને જોવા આવ્‍યા. ભાભીના રૂમમાં જ હતી. ભાભી ઉપર આવ્‍યા પડદો હટાવીને કહે કે જોઇ લો! કુતૂહલવશ થઇને જોયું. છોકરો બ્‍લ્‍યુ કલરનું શર્ટ જીન્‍સ પહેરીને નીચે ઉતર્યો. ડ્રાઇવિંગ સીટ ઉપરથી એના જીજાજી ઉતર્યા કદાચ. પાછળ એની બન્‍ને બહેનો અને મમ્‍મી હતા. એક સાતેક વરસનો બાબો પણ હતો. એણે વિચાર્યું: એનો ભાણેજ હશે. એક-બે મિનિટ તાકી રહી. ભાભીએ ગાલ ખેંચ્‍યો. આરતીના ચહેરા ઉપર સ્મિત પ્રગટ્યું. ભાભી હસીને બોલ્‍યા: ‘‘હમમ્… હવે આવ્‍યા મૂડમાં!‘‘ એ લોકો નીચે આવીને ગોઠવાઇ ગયા હતા. ભાભી તેને નીચે દોરી લાવ્‍યા. પ્રથમ પાણીના ગ્‍લાસ લઇને ધક્કેલી, અને પછી નાસ્‍તાની ‍ડિશ લઇને! વિમલ સામે જોયું નમણો લાગ્‍યો. પ્રથમ દ્રષ્ટિએ ન ગમ્‍યો હોય એવા ભાવ હૈયામાં ન પ્રગટ્યા. કેમકે સૌમ્‍યતા ચહેરા ઉપર ભારોભાર હતી. એ રસોડામાં ઊભી રહીને વાતો સાંભળી રહી. વિનુફૂઆ, છોકરાના બનેવી અને પપ્‍પા રાજકારણની વાતો કરતા હતા. મમ્‍મી, છોકરાની બહેન અને મોટીબા તથા ફૈબા વ્‍યવહારની ખબર રાખતા એકબીજા ઓળખાણ કાઢી રહ્યા હતા. સગાવ્‍હાલાની! ભાભી બેઠકખંડમાંથી આવતી સુચનાનું પાલન કરી રહ્યા હતા. અંતે એ ઘડી આવી પહોંચી. ભાભી સૌ પ્રથમ આરતીને ઉપરના રૂમમાં લઇને પહોંચ્‍યા. પાછળ પાછળ વિમલ આવ્‍યો. ભાભી નીચે ચાલ્‍યા ગયા- બન્‍નેનો મેળાપ કરાવીને!
સૌપ્રથમ એ આરતીને હાથ વડે ‘નમસ્‍તે‘ કરી સોફા પર બેઠો. આરતીને લાગ્‍યું કે આઠમાંથી પહેલો હતો જેણે મને નમસ્‍તે કર્યા હોય. ટીપોઇ પર પડેલા પાણીના ગ્‍લાસમાંથી પાણી પીને બોલ્‍યો: ‘‘માફ કરજો હીસ્‍ટ્રી બતાવવા નથી આવ્‍યો પણ વિતી ગયેલા સમયને ખાલી રિનોવેટ કરવો છે. નામ, ઉંમર, અભ્‍યાસ અને ફેમિલીની વિગતતો જાણતા હશો પણ ખાસ કહેવાનું એટલું જ કે, એમ.કોમ. એમ.ફીલ. કર્યા પછી પણ નોકરી ન મળી એટલે પ્રોવિઝન સ્‍ટોર કર્યો. અને મહિને દાડે બાવીસથી પચ્‍ચીસ હજાર જેટલું કમાઇ લઉં છું નાની બહેનનું શોધીએ છીએ. એટલે કદાચ પ્રસંગ ભેગો જ થશે. મમ્‍મીને પપ્‍પાનો આઘાત ખૂબ લાગેલો પણ હવે ફ્રેશ છે. એ તમને પોતાના વિચારોથી બાંધશે નહીં પણ મારે એની ભેગું રહેવું પડશે. આમતો ત્રણ રૂમ રસોડાનું ઘર છે. મોટી દીદી-જીજુનો સ્‍વભાવ સારો છે પણ, મારા ઘરમાં તેઓ કશા સલાહસૂચન આપતા નથી. રાજકોટમાં કોમર્સ કોલેજમાં પ્રોફેસરની જગ્‍યા ખાલી હતી પણ ટમ્‍પરરી હતી. સુરેન્‍દ્રનગર હાઇસ્‍કુલમાં શિક્ષકની જગ્‍યા માટે સાડાત્રણ લાખની માંગણી થઇ હતી. એટલે મેં ઓફર છોડી દીધી. ધંધો સારો ચાલે છે. મને સંતોષ છે. ઓ.કે.! મારે આટલું કહેવાનું હતું. હવે તમે વાત કરો તમારી.. કે તમે લાઇફમાં શું ઇચ્‍છી રહ્યા છો?‘‘
આરતી વિચાર કરી રહી કે વિમલ બોલ્‍યો: ‘‘મન જેમ કહે એમ જ કરજો. મમ્‍મી-પપ્‍પા, ભાઇ-ભાભી કે વિનુકાકા-કાકી જે કંઇ સલાહ સૂચન આપે એમાં તણાઇ ન જતા. મૂળતો તમારે હૈયે બેસવું જોઇએ. મનને મારીને જીંદગી જીવવા કરતા ના પાડી દેવી વધારે સારી.‘‘ એણે ચમકીને વિમલ સામે જોયું, એટલે એ હસીને બોલ્‍યો: ‘‘મને ખ્‍યાલ છે કે આ પહેલા તમે સાત છોકરા જોયા છે એટલે આ વખતે તમારી ઉપર ફોર્સ ઘણો હશે પણ મેં કહ્યું તેમ, મનની ઉપરવટ ન જતા. જિંદગી તમારી છે, બીજાની નહીં. અને તમારી જિંદગીનો નિર્ણય કરવાનો અધિકાર તમારો છે.‘‘
આરતી વિમલને તાકી જ રહી. વિમલ હસીને કહે: ‘‘આપને કંઇ પૂછવું હોય તો પૂછી શકો છો.‘‘
‘‘હું.. હું… બે કલાક તમારી સાથે રહેવા માંગુ છું. હું તમારા ઘરે આવી શકું?‘‘ એણે થોથવાતા થોથવાતા પૂછ્યું.
‘‘અરે, આવો, મોસ્‍ટ વેલકમ.‘‘ વિમલ હસીને બોલ્‍યો: ‘‘તમે જ્યારે ઇચ્છો ત્‍યારે. અને કો તો હું તેડવા આવું.‘‘ આરતી કહે: ‘‘તમને ફોન કરીશ. કદાચ હું અને ભાભી આવીએ.‘‘ ‘‘ઓ.કે. વેલકમ.‘‘ કહીને એ નીકળ્યો.

એ લોકો ગયા પછી ભાભીને વાત કરી. ભાભી કહે: ‘‘ઘરમાં બધાને વાત તો કરવી જોઇએ.‘‘ વાત સાંભળીને મોટીબા તો ધુંઆફુઆ થઇ ગયા: ‘‘આ તે કંઇ રીત છે? મૂળતો તને ન ગમતો હોય તો અહીંથી જ ના પાડી દઇએ.‘‘ મમ્‍મી મોં મચકોડીને કહે: ‘‘ના જ પાડવી હોય તો અહીંથી જ કહેવરાવી દઇએ બાકી, આબરૂના ધજાગરા કરવા જવું નથી. અને આમ પણ નાનકડી ઘોલકી છે. એમાં હા પણ શું પાડવાની? મમ્‍મી કહે: ‘‘છોકરો કાળો પણ છે. મને તો બહુ ન ગમ્‍યો… હવે ત્‍યાં જવાની જરૂર નથી.‘‘ પણ ભાભીએ દરમિયાનગીરી કરી કે એમની ઇચ્છા છે તો જવા દો ને…‘‘ અને બે કલાકને બદલે આખો એક દિવસને એક આખી રાત રોકાઇને નણંદ-ભાભી બીજે દિવસે ઘરે પાછા આવ્‍યા ત્‍યારે મમમીએ કહ્યું: ‘‘ક્યાંક કાળિયાને પસંદતો નથી કરતી આવીને?‘‘ 

મોટીબા કહે: ‘‘સાવ માયકાંગલો હતો. દીઠેય ગમે એમ નહોતો.‘‘
પપ્‍પા મજાક કરતા કહે: ‘‘ઘોલકીવાળો કેમ લાગ્‍યો?‘‘ જવાબમાં એ બોલી: ‘‘એનું હાડ ભલે માયકાંગલુ રહ્યું પણ એના મનના મનોરથ વજ્ર જેવા છે. એની હાટડી ભલે ઘોલકી લાગે પણ મારે મન એ એના બાપદાદાની આબરૂની પેઢી છે. અને વાને ભલે કાળિયો લાગે પણ મારે માટે તો એ કામણગારો કૃષ્‍ણ છે. અને હું હવે એને મનથી તો વરી ચૂકી છું, હવે ખાલી ચોરીના ચાર ફેરા ફરવાની ફોર્માલીટી જ બાકી છે.!!‘‘

લેખક : યોગેશ પંડ્યા

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક નવીન વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *