મીરાએ વ્હોટસપમાં નોટિફિકેશન જોયું. મેસેજ જોવા જયારે તેણે વ્હોટસપ ખોલ્યું ત્યારે સામેની બાજુથી તેની બેસ્ટ ફ્રેન્ડનો મેસેજ હતો જે કંઈક આ મુજબ હતો.
“શું કરે છે નવેલી દુલહન? કેવી ચાલે છે નવી-નવી મેરેજ લાઈફ?”
આ વાંચીને મીરા પલભર માટે હસી અને પછી વ્હોટસપ બંધ કરીને તે વિશે વિચારવા લાગી
નવા પ્રકરણની ઝીંદગી કંઈક આવા શબ્દોથી લખાઈ રહી હતી.
સવારે વહેલું ઉઠવું પડતું હતું.
હવે ફક્ત નોકરીની નહીં પણ ઘર અને નોકરી બંનેની જવાબદારી લેવી પડી હતી. નવા ઘરના નિયમો જુના ઘર જેવા નતા. થોડા અઘરા લાગી રહ્યા હતા. સ્વતંત્રતા હતી પણ સંપૂર્ણ સ્વતંત્રતા નહોતી.
અને આવા ઘણા બધા બદલાવોથી ઝીંદગી બદલાઈ રહી હતી.
આટલું વિચારીને આખરે તેણે તેના વિચારોને શબ્દો આપવાનું શરુ કર્યું અને તેની બેસ્ટ ફ્રેન્ડને બધું લખવા લાગી.
કંઈક ત્યારે જ તેણે અચાનક તેના પતિ રાજની સામે જોયું. રાજની મુસ્કુરાહટમાં તે પલભર માટે જાણે ખોવાઈ ગયી. અજાણ, રાજને તો ખબર પણ ના હતી કે મીરા તેની સામે જોઈ રહી હતી અને જોતજોતામાં રાજની હસીએ મીરાના હોઠને હાશ્યના વળાંકમાં વાળી લીધા.
બીજી જ ઘડીએ તેણે વ્હોટસપમાં બધુ જ લખેલું ભૂંસી નાખ્યું અને ફક્ત બે શબ્દ લખ્યા – “It’s Beautiful ❤ ❤ ? ”
તે દિવસે તેને સમજાઈ ગયું કે ઝીંદગીમાં નવા વળાંકમાં થોડા ઘણા ખાડા તો હતા પણ એક ખુબસુરત સાથ પણ હતો, જેણે પ્રેમભર્યા ઝીંદગીના નવા સફરમાં ના તો તેને કે ના તેની ભાવનાઓને ક્યારેય નીચે પડવા દીધી.
કંઈક આટલું જ ઇચ્છતી હોય છે એક પરિણીતા, નહીં?
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ