એક આંચકા સાથે ટ્રેઇન ચાલુ થઈ અને નિરજા પોતાની બથૅ પર બરાબર બેસી ગઈ. ટ્રેઇન ધીમે-ધીમે પ્લેટફોમૅ છોડવા લાગી અને હાવડા રેલવે સ્ટેશન પરનો ઘોંઘાટ કૃમશઃ શમવા લાગયો.
આજે પાંચ વષૅ પછી નિરજા કોલકાતાથી પોતાના પિયર સુરત જઈ રહી છે. તેને અજબનો રોમાંચ થતો હતો. પાંચ વષૅમાં કેટલીયે વાર એણે સુરત જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ સરવાળે રકાસ જ થતો હતો કેમ કે તેના પતિ નિલયની જોબ જ એવી હતી કે તેને લાંબી રજા મળવી મુશ્કેલ હતી. અને જો પોતે એકલી જાય તો તેના જમવાનો કે અન્ય અગવડો વગેરે પ્રોબ્લેમ થઈ જાય.
નિલયે તો તેને એકલી જવા કેટલીયે વાર કહ્યુ હતુ, પણ તે જ ગઈ ન હતી. હવે તો તેનું મન પણ તેના વતન સુરત જવા અધીરું થયું હતું, તેમાં વળી તેના મામાની દીકરીના લગ્નનું નિમંત્રણ આવ્યું અને તેણે તક ઝડપી લીધી. લગ્નને હજુ આઠેક દિવસની વાર હતી. લગ્ન પતે પછી નિલય સુરત લેવા આવશે એવું નક્કી કરી પોતે બાર-પંદર દિવસનો પ્રોગ્રામ બનાવી નીકળી ગઈ હતી.
ટ્રેઇને ગતિ પકડી અને સાથે જ નિરજાના મગજમાં વિચારોએ પણ ગતિ પકડી. પાંચ વષૅમાં કેટલું બદલાઈ ગયું હશે સુરત! જાણવા મળ્યા પ્રમાણે નવા-નવા ફ્લાય ઓવર બ્રિજ, રંગબેરંગી ફુવારાઓ-આઇલેન્ડ્સ વગેરેથી સુરતને ચાર ચાંદ લાગી ગયા છે. અશોકભાઇની દ્વિજા કેટલી મોટી થઈ ગઈ હશે! પોતાની બધી ફ્રેન્ડ્સ ક્યાં હશે? શું કરતી હશે? અને પેલી નિલોફર? તે તો એય ને પોતાની રીતે મસ્તીથી લહેર કરતી હશે. કેટલી ખુમારી, કેટલી અલ્લડતા હતી તેનામાં! એક છોકરી હોવાની કોઈ મર્યાદા તેને નડી હોય એવું યાદ નથી.
તેની સાથે વિતાવેલા એ દિવસો…
કોલેજમાં જ તો તેની સાથે મિત્રતા બંધાઈ હતી. તે સાથે હોય તો કોઈ છોકરાની મજાલ નથી કે આંખ ઊંચી કરીને જુએ. એકવાર તે ત્રણ-ચાર ફ્રેન્ડ્સ સાથે કોલેજ-કેમ્પસમાંથી પસાર થતી હતી, ત્યારે કોઈ છોકરાએ કોમેન્ટ પાસ કરી અને નિલોફરનો મિજાજ ગયો. પેલાનો કોલર પકડીને એવી દમદાટી આપી જોરદાર તમાચો ઠોકી દીધો કે તે તો ઊભી પૂંછડીએ ભાગ્યો. પછી તો નિલોફરને જોઇને જ છોકરાઓ જાણે રસ્તો બદલી કાઢવા માંડ્યા.
નિલોફર પોતે જ તો છોકરા જેવી હતી. હંમેશાં બોય-કટ વાળ રાખતી. જીન્સ પેન્ટ અને ટી-શટૅ જ પહેરતી. તેને કોઈ દિવસ લેડીઝ ડ્રેસમાં જોઈ નથી. ભણવામાં પાછી અવ્વલ. ધારેલું પરિણામ લાવી બતાવે. તેનો પરચો તો ત્યારે જ થયેલો જ્યારે… એક દિવસ ફિઝિક્સના પિરિયડમાં તે બેધ્યાન થતાં પ્રોફેસરે ક્લાસમાં ઊભી કરી ઠપકો આપ્યો. ત્યારે તેણે તેમના વિષયમાં ફુલ માક્સૅ લાવવાનો પડકાર ફેંકેલો અને રિઝલ્ટ આવતાં જ તેના ફિઝિક્સમાં ફુલ માક્સૅ! આફરીન પોકારી ગયેલી નિરજા તેના પર!
નિલોફર જેનું નામ! તે કોઇની જોહુકમી પોતાની ઉપર ચાલવા દે નહિ. તેના ખાસ બોયફ્રેન્ડ પ્રીતેશ સાથેની ધનિષ્ઠ ચાર-ચાર વષૅની દોસ્તી કેવી પળવારમાં તોડી નાંખેલી! કારણ માત્ર એટલું જ પ્રીતેશે તેને કોઇ-કોઇવાર સલવાર-કમીઝ કે એવા લેડીઝ ડ્રેસ પહેરવાનું કહેલું અને જાણે તેની સ્વતંત્રતા, તેના અહમ પર ઘા થયો હોય એવું તેને લાગેલું. એણે કહેલું, “હું મારી રીતે પુરી સ્વતંત્ર છું. શું કરવું, શું પહેરવું તેની પર ટીપ્પણી કરનાર એ વળી કોણ?” અને એક જ ઝાટકે સંબંધ તોડી તેને તેનો રસ્તો દેખાડી દીધેલો.
નિરજાએ બી.એસ.સી. પૂરું કર્યું અને કોલકાતા સ્થિત કમ્પ્યૂટર એન્જિનિયર એવા નિલય સાથે નિરજાના લગ્ન નક્કી થયાં. તે નિલોફરને આમંત્રણ આપવા ગઈ ત્યારે પણ તે કેવું-કેવું બોલી હતી? તેના બોલેલા, એક-એક શબ્દ જાણે મગજમાં કેસેટ મૂકી હોય તેમ સરકતા જતા હતા…
“તું કોલકાતા જઇને ભૂલી ન જતી. ટાઇમ મળે ત્યારે અહીં પણ આંટો મારી જજે. અને જોજે આ બંદાની લાઇફ.
મારી ઓળખ મારા નામથી હશે. નામની પાછળ અટકનાં પૂંછડાં તો મને પહેલેથી જ ગમતાં નથી તે તને ખબર છે ને! તું જોજે, હું જ્યાં હોઇશ, લાઇન લાગશે. અને લગ્ન? ઇમ્પોસિબલ! આખું જીવન એક વ્યક્તિને તાબે કરી દેવાની મૂખૅાઈ હું કદી ન કરીશ. હું હજુ આગળ ભણીશ અને ધૂમ કમાઇશ.” આ તેની પોકળ ડંફાસ ન હતી. નિરજાને તેની કાબેલિયત પર પૂરો વિશ્વાસ હતો.
કોઇક સ્ટેશન આવતાં ટ્રેઇન થોભી અને નિરજાના વિચારોને પણ બ્રેક લાગી. નવા મુસાફરો ચડ્યા તો કેટલાક ઊતયૅા. ટ્રેઇન ફરી ચાલુ થઈ અને તે ફરી વિચારમાં પડી ગઈ. નિલોફર તો કોઈ કંપનીની ઓફિસમાં જીન્સ પહેરી વટથી બેસીને રોફ મારતી હશે. સારો એવો પગાર હશે. એની મૌલિક પહેચાન હશે, કેમ કે તેની શક્તિ, કાબેલિયતને તો દાદ દેવી પડે. લગ્ન તો કર્યાં જ નહિ હોય. કોને ખબર, કેવા ઠાઠમાં હશે! જોઇએ હવે, સુરત આવે પછી જ બધી ખબર પડશે. હાલ તુરત તો જાણે વિચારોનું પોટલું બાંધીને સાઇડ પર મૂકીને તે આખં બંધ કરી સૂઈ ગઈ. નિલય વિના, એકલ મુસાફરીનું બોરડમ, તે અનુભવી રહી.
ઘોંઘાટથી તે જાગી ગઈ. સુરત આવી ગયું હતું. તે સફાળી ઊઠી અને પોતાની બેગ લઈ ભીડમાં બહાર નીકળવા લાગી. ટ્રેઇનમાંથી ઊતરતાં જ તેને અશોકભાઈ નજરે પડ્યા. તેઓ તેને રિસિવ કરવા આવ્યા હતા. સાથે આવેલી તેમની દ્વિજા તો ફોઈ, ફોઈ કહેતાં દોડીને ભેટી જ પડી. રેલવે સ્ટેશનની બહાર આવી. ભાઇની ગાડીમાં પિપળોદ સ્થિત ઘરે જતાં-જતાં રસ્તામાં સુરતનો બદલાયેલો નઝારો જોતાં રોમાંચિત થઈ ઊઠી. આખે રસ્તે દ્વિજા તો બોલ-બોલ કર્યા જ કરતી હતી. ફોઈ, આમ થયું ને તેમ થયું. આપણે આમ જઇશું ને તેમ જઇશું, વગેરે… મોટા ભાગના સમાચાર તો તેના દ્વારા જ મળી ગયા, જાણે હરતી-ફરતી ખબરપત્રી!
ઘરમાં પ્રવેશતાં જ મમ્મી-પપ્પાને ભેટી પડી. ઉંમરની અસર તેમને પણ હવે લાગતી હતી. ન્હાઈ-ધોઈ ફ્રેશ થઈ અલક-મલકની વાતોએ વળગ્યાં. પછી નવરી પડતાં તે રૂમમાં સૂવા ગઈ અને પાછી યાદ આવી ગઈ નિલોફર! તે શું કરતી હશે? ક્યાં હશે? તેને મળવા મન બેચેન બન્યું. મન કાબૂમાં ન રહેતાં તે તેના ઘરે જવા નીકળી જ પડી, પણ તેના ઘરે તાળું જોતાં જ તે પરત ફરી. પછી તો મામાની દીકરીનાં લગ્નની ધમાલમાં ત્રણ-ચાર દિવસ નીકળી ગયા. આ બધા વચ્ચે પણ તેને રહી-રહીને નિલોફરના જ વિચારો આવતા હતા.
લેખક : કલ્પના બામણીયા
આપ સૌને આ લેખ કેવો લાગ્યો અચૂક જણાવજો !