માવા વાળો કેસર પિસ્તા આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ મને તો કોઈ પણ ઋતુ હોય , બહુ જ ભાવે . તમને પણ ભાવતો જ હશે. .. હેલ્થ પ્રત્યે સભાન લોકો આઈસ્ક્રીમ ખાવાનું બહુ પસંદ નથી કરતા. બહાર ના, બજાર માં મળતા આઈસ્ક્રીમ ફૂલ ફેટ ક્રીમ માં થી બનતા હોય છે.
જુના જમાના માં દૂધ ને ઉકાળી ઉકાળી એનો આઈસ્ક્રીમ બનાવા માં આવતો. મને હજુ એ આઈસ્ક્રીમ નો સ્વાદ વધારે ભાવે. એમાંય જ્યારે એમાં માવો ભળે તો પૂછવું જ શુ.. આ રેસિપિ માં મેં ઘરે હાજર પેંડા ઉમેર્યા છે , માવા ના બદલે. કેરી ની ઋતુ માં પેંડા ખાવા ના ભાવે પણ એનો આઈસ્ક્રીમ તો ભાવે જ ને.. ચાલો બનાવીએ.
સામગ્રી :
• 1 lt દૂધ,
• 1/2 વાડકો ખાંડ,
• થોડા કેસર તાંતણા ,
• 1/2 વાડકો બદામ પિસ્તા,
• 4 થી 5 કેસર પેંડા ,
રીત ::
સૌ પ્રથમ દૂધ ને જાડા તળિયા વાળા તપેલા માં ઉકાળો. 10 મિનિટ મધ્યમ આંચ પર ઉકળ્યા બાદ એમાં આપણે પેંડા ઉમેરીશું. તો એ માટે પેંડા ને છીણી લો. મિક્સ કરવામાં સરળતા રહેશે.
પેંડા ને બદલે આપ કોઈ પણ મીઠાઈ વાપરી શકો છો , જેમ કે કાજુ કતલી , કલાકંદ વિગેરે. મીઠાઈ ના બદલે આપ માવો પણ ઉમેરી શકો. જો મોળો માવો હોય તો ખાંડ નું પ્રમાણ વધારી દેવું. 5 મિનિટ માટે ધીમા ગેસ પર ઉકાળો.
કેસર ને 2 ચમચી ગરમ દૂધ માં પલાળી આ દૂધ માં ઉમેરો. આમ કરવા થી કેસર નો સરસ કલર અને ફ્લેવર ખીલશે.
હવે દૂધ માં ખાંડ ઉમેરો. ખાંડ નું પ્રમાણ સ્વાદ પર આધાર રાખશે. મીઠાઈ ઓ માં પહેલે થી જ ખાંડ વધારે હોય છે તો એ વાત ને ધ્યાન માં રાખી ખાંડ ઉમેરો.
બદામ પિસ્તા ને મિક્સર માં અધકચરા વાટી લો. સજાવટ માટે ના બાજુ માં રાખી , બાકી બધા આ ગરમ દૂધ માં ઉમેરી દો. ધ્યાન રહે ડ્રાય ફ્રૂટ્સ હંમેશા થોડા શેકી ને વાપરવા..
દૂધ થોડું ઠંડુ પડે એટલે એને પહેલે થી ઠંડા કરેલા કોઈ અલ્યુમિનિયમ ના વાસણ માં ફ્રીઝર માં મૂકી દો. 6 થી 8 કલાક માટે ફ્રીઝર માં રહેવા દો..
આઈસ્ક્રીમ મુકવાના વાસણ ને અલ્યુમિનિયમ ફોઈલ થી પણ કવર કરી શકાય.. વાસણ હંમેશા ફ્રીઝર માં સપાટી ને અડે એવી રીતે મૂકવું.. આઈસ્ક્રીમ જલ્દી જામશે..
8 થી 10 કલાક પછી આઈસ્ક્રીમ ની જેમ સ્કુપ કરી અથવા કુલ્ફી ની જેમ કટકા કરી પીરસો.. બદામ પિસ્તા ની કાતરણ થી સજાવટ કરો..
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…