“બંગડી” હાથમાં બંગડી પહેરવાની વાતે સાસુ વહુનાં સંબંધને બનાવ્યો મજબૂત, વાંચો લાગણીભરી આ વાર્તા

                              બંગડી

‘જો હું પહેલેથી કહી દઉં છું. હું મારી પસંદની બંગડી જ કરાવીશ. દુકાનમાં પણ હું જાતે જ બંગડી પસંદ કરીશ. તમે લોકો ફક્ત બંગડી જોજો ને જે બિલ થાય તે આપી દેજો. મેં બહુ વખતથી મારી પોતાની બંગડીની ડિઝાઈન વિચારી રાખી છે એટલે કોઈ કંઈ બોલતું નહીં.’ શ્રેયાએ જાહેરનામું બહાર પાડી દીધું.

‘હા ભઈ હા. તને કોણે ના કહી? જે પસંદ પડે તે લેજે ને જેટલા રૂપિયા થાય તેટલા કંઈ પણ બોલ્યા વગર હું આપી દઈશ બસ? પહેલેથી જ કેમ બધું ધારી લીધું કે અમે તને ના જ પાડશું કે પૈસાની કોઈ કચકચ કરશું?’

‘આ મમ્મી. કેટલા વખતથી કહેવા માંડેલી કે તારા ખર્ચા પર કાબૂ રાખજે હં. પપ્પા તો બોલ્યા કરે પણ તારે બને તેટલું સાચવીને જ બધું લેવાનું છે. આપણે કંઈ તાલેવાન નથી સમજી ને? તારી પાછળ હજી બે દીકરીને ભણાવવાની ને પરણાવવાની છે. એમ બધીઓને છૂટ આપી દઈશું તો બાપ તો તમારો દેવાદાર થઈ જશે.’

દીકરીની વાતો સાંભળીને મનમાં આવેલા ભાવને મોં પર ન દેખાડતાં રાકેશભાઈએ ખડખડાટ હસી પડતાં કહ્યું, ‘તારી માની તો આખી જિંદગી રૂપિયા ગણવામાં ને બચાવવામાં જ ગઈ. મેં એને કેટલી વાર કહ્યું છે કે, આ બધી બચત આપણી છોકરીઓ માટે છે. લગ્ન સમયે એમને જરાય ઓછું ન આવે એટલું આપવું છે અને એમનાં લગ્ન પણ ધામધૂમથી કરવાં છે. આખરે આટલાં વર્ષો મહેનત કોના માટે કરી છે? પણ તારી મમ્મીને તો તમારાં લગન સાદાઈમાં કરવાં છે ને તમારા નામે બેન્કમાં પૈસા મૂકવા છે. બોલો હવે, હું કંઈ ભીખ માગતા જમાઈઓ લાવવાનો છું? વાત કરે છે તે! અરે! સરસ કમાતા ને પોતાનું ઘર ને ગાડીવાળા જમાઈ શોધવાના છે સમજી ને? જા તું તારી મેળે તને જે ગમે તે બંગડી કરાવજે. મમ્મીનું કંઈ સાંભળતી નહીં.’

કેતકીબહેન મનમાં બબડીને રહી ગયાં.

શ્રેયાનાં લગ્ન ધામધૂમથી સોમ સાથે થઈ ગયાં અને કપડાં ઘરેણાંથી લદાઈને શ્રેયા સાસરે આવી પહોંચી. થોડા દિવસ તો નવી વહુના આગમનની ખુશીમાં અને મહેમાનોની આવજાવમાં વીત્યા. થોડા દિવસ પછીની વાત. શ્રેયા પોતાના રૂમમાં આરામ કરતી હતી અને સોમ બહારગામ હતો. શ્રેયાનાં સાસુ દીનાબહેન રૂમમાં પ્રવેશ્યાં. શ્રેયા થોડી સંકોરાઈને બેઠી. એણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો.

‘બેટા, તારી બંગડી જોઉં.’

‘હા મમ્મી, આ લો.’ કહેતાં હોંશે હોંશે શ્રેયાએ પોતાના હાથમાંની એક બંગડી મમ્મીના હાથમાં મૂકી દીધી. ‘આ બંગડી મેં જ પસંદ કરેલી. મને પહેલેથી જ આવી ડિઝાઈન બહુ ગમતી. મેં મમ્મી પપ્પાને પણ કહેલું કે મારી બંગડી હું જ પસંદ કરીશ. પાંચ તોલાની થઈ તો ભલે પણ મારે આ જ ડિઝાઈન જોઈતી હતી. સરસ છે ને? તમને ગમી?’

દીનાબહેનના મોંના હાવભાવ જોયા વગર જ શ્રેયા તો એકધારું બોલતી જ રહી. જ્યારે લાગ્યું કે સામે પક્ષે ચુપકીદી છવાઈ ગઈ છે ત્યારે એ ચૂપ થઈ આમતેમ જોવા લાગી. શું હું વધારે બોલી ગઈ? મમ્મીને મારી બંગડી નહીં ગમી? કેમ ચૂપ થઈ ગયાં?

‘મમ્મી, તમને બંગડી નહીં ગમી?’

‘ગમી ને બેટા. સારી છે બંગડી ને ડિઝાઈન પણ સરસ છે. બસ. તારી મરજીનું પહેરી ઓઢીને ખૂબ ખુશ રહેજે એટલું જ કહેવા આવી હતી.’ બોલતાં બોલતાં તો દીનાબહેનના ગળામાં ડૂમો અટકી ગયો.

શ્રેયા મૂંઝાઈ. અચાનક જ મમ્મી આમ આવશે ને મારી બંગડી જોઈને એમને કંઈક યાદ આવ્યાનું દુ:ખ થશે એવું તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. એણે દીનાબહેનને પાણીનો ગ્લાસ ધર્યો અને વાંસે હાથ ફેરવ્યો. દીનાબહેન જેમતેમ આંસુ ખાળતાં રૂમની બહાર નીકળી ગયાં. વાતાવરણ થોડી વાર માટે ભારે થઈ ગયું. શ્રેયા વિચારતી રહી, મમ્મી સાથે ભૂતકાળમાં નક્કી બંગડીનો કોઈક પ્રસંગ બન્યો હોવો જોઈએ. તે વગર આમ કોઈ ન હોય ત્યારે, મારી પાસે આવી મારી બંગડી જોવી ને પછી ચૂપચાપ ચાલ્યા જવું એ ન બને.

બીજે દિવસે સોમ સાથે નિરાંતે બેઠેલી શ્રેયાએ મમ્મીની બંગડીવાળી વાત કરી.

‘શ્રેયા, આટલાં વરસે ફરીથી તારા હાથમાં બંગડી જોઈને મમ્મીને પોતાની બંગડી યાદ આવી ગઈ. ઘણી વાર મેં અને મોટાભાઈએ દીદી સાથે મળીને એના મગજમાંથી એ વાત કાઢવાનો ખાસ્સો પ્રયત્ન કરેલો અને અમને એમાં સફળતા પણ મળેલી. બહુ વરસોથી એણે બંગડીનું નામ પણ નહોતું લીધું. તોય લગ્નની તૈયારી કરતાં કરતાં જ એ ઘણી વાર વિચારોમાં ખોવાઈ જતી. અમે તો એની મશ્કરી પણ કરતાં કે ‘વહુ આવે છે, કોઈ તારો બૉસ નથી આવતો. ચિંતા નહીં કરતી, શ્રેયા બહુ ડાહી છોકરી છે.’ પણ એ કંઈ બોલ્યા વગર ચુપચાપ જતી રહેતી.

‘પણ મમ્મીની બંગડીની એવી તે કઈ વાત છે, જે એને ચૂપ કરી દે છે?’

‘મમ્મી પરણીને આવી ને ત્યારે તારી જેમ જ એ પણ પોતાનો બધો દહેજ જાતે જ પસંદ કરીને લાવેલી, એ બધી વાતો હોંશે હોંશે અમને ભેગાં કરીને ઘણી વાર એ કહેતી. મમ્મીની ચૉઈસ પણ બહુ ઊંચી હં. એણે પોતાને મનગમતી ડિઝાઈનની સોનાની છ બંગડી ઘરમાં બધાંની ઉપરવટ જઈને બનાવડાવેલી. સાસરે આવતાં જ જ્યારે દાદીએ એને કહ્યું કે, ‘આવી બંગડી આપણાં ઘરને ન શોભે. પાછી પિયર જાય ત્યારે ઘરના મોભા પ્રમાણેની બંગડી કરાવી લાવજે’ ત્યારે મમ્મીનું દિલ તૂટી ગયેલું. એને વધારે દુ:ખ તો ત્યારે થયેલું, કે જ્યારે પપ્પા અને દાદા પણ આ વાતે ચૂપ જ રહેલા! પપ્પા જો ધારત તો દાદીનો વિરોધ કરીને પણ મમ્મીને સાથ આપી શકત. વાત કંઈ એવી મોટી તો નહોતી. લોકોમાં ખરાબ દેખાય એટલે બંગડીની ડિઝાઈન બદલાવવાની દાદીની વાત તો સો ટકા ખોટી જ હતી પણ દાદીના ધાકમાં કોઈથી કંઈ બોલાયું નહોતું.

દાદીના ગયા પછી તો મમ્મીએ બંગડીઓ કબાટમાં જ મૂકી રાખેલી. એનું મન જ બંગડી પરથી ઊતરી ગયેલું. પ્રસંગે ખરાબ ન દેખાય એટલે એ બંગડી પહેરે ખરી પણ મનથી કોઈ દિવસ એણે ત્યાર પછી બંગડી પહેરી નહીં. તારી બંગડી જોઈને એને પોતાની બંગડીની વાતો યાદ આવી ગઈ હશે. તું ચિંતા નહીં કર હું એને મૂડમાં લાવી દઈશ.’

બીજા દિવસે શ્રેયાના હાથ બંગડી વગરના જોઈને દીનાબહેન ચોંક્યાં.

‘બેટા, બંગડી કેમ નથી પહેરી? હાથ કેવા અડવા લાગે છે. જા પહેલાં બંગડી પહેરી આવ.’

‘મમ્મી, એક શરતે હું બંગડી પહેરું. તમે પણ તમારી બંગડી પહેરો તો જ હું મારી બંગડી પહેરીશ. નહીં તો નહીં.’

દીનાબહેન ના કહેવા ગયાં પણ શ્રેયા જીદ કરીને એમને બેડરૂમમાં લઈ ગઈ અને બંગડી પહેરાવીને જ જંપી. ‘મમ્મી, જનારાં ગયાં સાથે એમની નરસી વાતો પણ ગઈ. આપણે શા માટે આપણાં મનને મારીને રહેવાનું? જે મન થાય તે પહેરવા ઓઢવામાં કોઈ ખોટું કામ નથી કરતાં. પ્લીઝ, બધી વાતો ભૂલો અને મન થાય ત્યારે મારી બંગડી પણ પહેરજો. તમારી બંગડી પણ મને બહુ જ ગમી છે. કોઈ વાર મને પણ આપજો પહેરવા.’

દીનાબહેન શ્રેયાની સમજદારી પર વારી ગયાં. ‘બેટા, જે હું આટલાં વરસ ન સમજી તે એક ઘડીમાં તેં સમજાવી દીધું. થેન્કયુ બેટા.’ મા–દીકરી એકબીજાને ગળે વળગીને ખુશીનાં આંસુ સારી રહ્યાં.

લેખક : કલ્પના દેસાઈ 

રોજ રોજ નવી નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ અને શેર કરો લીંક 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *