ડોક્ટરની ડાયરી – આજે વાત એક એવી માની જે હોસ્પીટલમાં સતત લડી રહી હતી પોતાની દિકરી માટે…

ડોક્ટરની ડાયરી

શર્તોંમેં નહીં બાઁધા હૈ આપકો
યેતો બસ ઉમ્મીદ કે ધાગે હૈ

ચેન્નઈમાં બનેલી ઘટના છે. અઠ્ઠાવીસ વર્ષની સારંગી શાહ. એક દીકરાની મા. બીજી વાર ગર્ભવતી થઈ. ડોક્ટરે નવેનવ મહિના સારવાર આપી. ટેસ્ટ્સ કરાવ્યા. પ્રસૂતિની સંભવિત તારીખ પણ કાઢી આપી. છેક સુધી બધું બરાબર ચાલતું રહ્યું, પણ છેલ્લે ગરબડ થઈ ગઈ.

ગાયનેકોલોજિસ્ટ ડો. ઐયરે ડિલિવરીની તારીખ કાઢી આપી હતી: 3 ડિસેમ્બર.

એ તારીખ જતી રહી. પ્રસવ પીડા શરૂ ન થઈ. ડોક્ટરે સોનોગ્રાફી કરીને હિંમત આપી. ‘ચિંતા કરવાની જરૂર નથી. પેટમાં બાળક તંદુરસ્ત છે. એની આસપાસનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં છે. ડિલિવરીની તારીખની ઉપર થોડાક દિવસો જાય ત્યાં સુધી ફિકર નથી, પણ જો પાણી ઘટવા માંડે તો…’

ગર્ભાશયની અંદર બાળકની સ્થિતિ માછલી ઘરમાં તરતી માછલીની જેવીજ હોય છે. જો માછલી ઘરમાં પાણી ઓછું થવા માંડે તો તાત્કાલિક તો માછલીને વાંધો આવતો નથી, પણ એક ચોક્કસ પ્રમાણ કરતાંયેજો પાણી ઘટી જાય તો માછલી શ્વાસ લઈ શકતી નથી, એ તરફડવા લાગે છે. એ સમયે જો એને બચાવવા માટે કંઈક રસ્તો કાઢવામાં ન આવે તો માછલીનું મૃત્યુ પણ નીપજી શકે છે.
સારંગી અધ્ધર શ્વાસે રાહ જોતી રહી, આઠ દિવસ પસાર થઈ ગયા. હવે એને ચિંતા થવા માંડી. એ સાસુમાને લઈને મેટરનિટી હોમમાં પહોંચી ગઈ.

બપોરના બાર વાગ્યાનો સમય હતો. ડો. ઐયરે સારંગીને બોલાવી, એની શારીરિક તપાસ કરી, એમની આંખોમાં ચિંતાની લકીર ખેંચાઈ ગઈ.

‘સિસ્ટર, પેશન્ટને સોનોગ્રાફી માટે લઈ લો.’ ડો. ઐયરના અવાજમાં તાકીદ હતી.

સોનોગ્રાફી કર્યા પછીતો એમની ચિંતા દસગણી વધી ગઈ. ‘સિસ્ટર. પેશન્ટને અત્યારેજ એડમિટ કરી દો. સાંજ સુધીમાં ડિલિવરી થઈ જવી જોઈએ. અધરવાઇઝ, ધી બેબી વિલ બી ઇન ડેન્જર.’
સારંગીએ પૂછ્યું, ‘હુંતો માત્ર ચેકઅપ માટેજ આવી હતી, ઘરમાં કોઈ પુરુષ વર્ગ હાજર નથી. મારી દેરાણી એકલીજ છે. હું આવી રીતે તમારા નર્સિંગ હોમમાં દાખલ…’

‘કોઈ વિકલ્પ નથી. તમારાં ગર્ભાશયની અંદર પાણી સાવ ઓછું થઈ ગયું છે. બાળકના હૃદયના ધબકારા ભયજનક હદે ઘટી ગયા છે. ગમેતે સમયે બાળક…’

‘પણ અમને એક વાર ઘરે જવા દો. હું મારા પતિને ફોન કરીને ઘરે બોલાવી લઉં, દિયરને જાણ કરી દઉં, મારા સસરાની સલાહ લઈ લઉં, પછી પાછી આવી જઈશ.’
‘સોરી! એક વાર તમે મારા પ્રિમાઇસીસમાંથી બહાર નીકળ્યાં, એ પછી તમારા કેસની જવાબદારી તમારા માથે રહેશે. ઇટ ઇઝ નાઉ ઓર નેવર!’ ડો. ઐયરની વાત એમની રીતે સાચી હતી. ડો. ઐયરે આવાં કેટલાંયે સિરિયસ સ્થિતિ વાળા દર્દીઓ જોયા હતા, જે અડધા કલાકમાંજ પાછા આવવાનું કહીને ઘરે ગયા હોય અને ચોવીસ કલાક પછી પાછા ફર્યા હોય! ત્યારે એમની સ્થિતિ સુધરી ન શકે એ બિંદુ પર પહોંચી ગઈ હોય.

ડો. ઐયરની ચેતવણી સાંભળીને સારંગી તૈયાર થઈ ગઈ, ‘તો હું અત્યારેજ એડમિટ થઈ જાઉં છું. અહીંથીજ ફોન કરીને મારા પરિવારના સભ્યોને જાણ કરી દઉં છું. તમે ટ્રીટમેન્ટ શરૂ કરો, સાહેબ.’
સારંગીનો પરિવાર નિમ્ન મધ્યમ વર્ગીય આર્થિક સ્થિતિનો હતો. એના પતિની માસિક આવક ચાર હજાર રૂપિયા હતી. પાંચ-છ હજાર રૂપિયા સસરાજી કમાઈ લેતા હતા. ચાર હજાર રૂપિયા દિયરની આવક હતી. પંદરેક હજાર રૂપિયામાં આઠ માણસોનાં પેટ ભરવાનાં હતાં. જો ડિલિવરી સારી રીતે પતી જાય તોજ પરવડે તેવું હતું.

ડો. ઐયરે સારંગીને ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કર્યું. એકાદ કલાકમાં દર્દ ઊઠવા માંડ્યું. ધીમે ધીમે લેબર પેઇન્સ વધતા ગયા. સાંજ સુધીમાં ગર્ભાશયનું મુખ પૂરે પૂરું ઊઘડી ગયું. બાળકનું માથું મોટું હોવાથી પ્રસૂતિનાં માર્ગમાં એક ચેકો મૂકવો પડ્યો. ડિલિવરી થઈ ગઈ. દીકરી અવતરી હતી.
નર્સ બાળકીને સાફ કરીને નવડાવીને કપડાં પહેરાવે એટલી વારમાં ડોક્ટરે ટાંકા લઈને ચીરો પાછો બંધ કરી દીધો.
લેબર રૂમની બહાર સમાચાર પ્રસરી ગયા. આનંદ છવાઈ ગયો.

પણ આ આનંદ થોડીજ વારમાં વિલાઈ ગયો. સારંગીની ફરિયાદ હતી, ‘મને ટાંકા લીધાછે ત્યાં અસહ્ય દુ:ખાવો થાય છે. ડોક્ટરને બોલાવો. મારાથી રહેવાતું નથી.’

નર્સ આવીને પેઇન કિલર ટેબ્લેટ આપી ગઈ. દુ:ખાવો ચાલુજ રહ્યો. છેવટે ડોક્ટર આવ્યા. સારંગીને ફરી પાછી ટેબલ પર લેવડાવી. ડો. ઐયરને લાગ્યું કે ટાંકા વધારે પડતા સખ્તીથી લેવાઈ ગયા છે, એમણે દોરા કાપી નાખ્યા. બીજીવાર ટાંકા મારી આપ્યા. આ વખતે સહેજ ઢીલા રાખીને ટાંકા માર્યા.

સારંગીને રાહત જણાઈ. એકાદ કલાક પછી એને લાગ્યુંકે પથારીમાં કશુંક ભીનું ભીનું, ગરમ ગરમ ફીલ થઈ રહ્યું છે. એણે પીઠ પાછળ હાથ ફેરવ્યો. જોયું તો હાથ પર લોહી હતું!
સિસ્ટર! મને બ્લીડિંગ થઈ રહ્યું છે. જલદી ડોક્ટરને…’ સારંગીની ચીસ સાંભળીને એનો પતિ પણ ડરી ગયો. દોડધામ મચી ગઈ. ડો. ઐયર આવ્યા. જોયુંતો સારંગી લોહીના ખાબોચિયામાં સૂતી હતી! બ્લડ પ્રેશર ભયજનક હદે ઘટી ગયું હતું. તાબડતોબ એમણે સારંગીને થિયેટરમાં શિફ્ટ કરી. બ્લીડિંગ ક્યાંથી થઈ રહ્યું છે તે જાણવા માટે તપાસ શરૂ કરી. ક્યાંય કશીજ ભૂલ ચૂક જોવા ન મળી.

હકીકત એવી હતી કે આવું બનવા પાછળ ડો. ઐયરનો કોઈ વાંક ન હતો. સારંગીની ડિલિવરી નિર્ધારિત તારીખ કરતાં 7-8 દિવસ પછી થઈ હતી, એપણ સ્વયંભૂ દર્દ દ્વારા નહીં. એનું ગર્ભાશય બાળકના જન્મ પછી જે રીતે સંકોચાઈને કડક થઈ જવું જોઈએ તે થયું ન હતું. થોડી થોડી વારે ઢીલું પડી જતું હતું. આથી બ્લીડિંગ તૂટી પડતું હતું.

ડો. ઐયર હોશિયાર ડોક્ટર હતા, એ મામલો પારખી ગયા. એમણે તરતજ એનેસ્થેટિસ્ટને બોલાવી લીધા. એનેસ્થેટિસ્ટ આવીતો ગયા, પણ ત્યાં સુધીમાં સારંગીની હાલત કટોકટી ભરી બનીગઈ હતી.

‘સોરી, ડો. ઐયર! હું આ પેશન્ટને બેહોશીનું ઇન્જેક્શન નહીં આપું. પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી દર્દી લગભગ બેહોશીની સ્થિતિમાં પહોંચી ગઈ છે. એનું પેટ ખોલીને મોટું ઓપરેશન કરવું હોય તો પહેલું કામ એનું બ્લડ પ્રેશર ઊંચું લાવવાનું કરવું પડે. એ માટે બ્લડની બોટલ્સ ચડાવવી પડશે.’

‘હું તમારી વાત સાથે સંમત છું, પણ જ્યાં સુધી સારંગીનું ગર્ભાશય કાઢી નહીં નાખીએ ત્યાં સુધી લોહીનો ધોધ બંધ થવાનો નથી. પ્રાઇવેટ સેટઅપમાં આપણે આટલી બધી બ્લડ બોટલ્સ કેવી રીતે ભેગી કરી શકીશું?’

‘લેટ અસ શિફ્ટ ધ પેશન્ટ. આપણે આ પેશન્ટને કોઈ મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરી દઈએ. ત્યાં પંદર-વીસ ડોક્ટરો અને ચાળીસ-પચાસ સ્ટાફ મેમ્બર્સ ભેગાં મળીને બધું ‘મેનેજ’ કરી શકશે.’
ડો. ઐયરે માથુંતો હલાવ્યું, પણ સાથે મનની આશંકા પણ વ્યક્ત કરી દીધી, ‘મિત્ર, મને એક બાબતનો ભય છે. હું અને તમે જાણીએ છીએ કે આ પેશન્ટનો કેસ હેન્ડલ કરવામાં મારી કશીજ ગફલત નથી, પણ બહારના લોકો આ વાત જાણતાં નથી. જે લોકોને તબીબી વિજ્ઞાન સાથે એકોતેર પેઢીનું પણ સગપણ નથી એવા બુદ્ધિના બળદિયાઓ તો એવુંજ કહેશે કે ડો. ઐયરે સારવાર દરમિયાન લોહીની નસ કાપી નાખી અને પેશન્ટની જિંદગી જોખમમાં મૂકી દીધી. આપણે આ પેશન્ટને કોઈ મોટી જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કરીએ, પણ ત્યાં કોઈ દ્વેષી ડોક્ટર જો પેશન્ટનાં સગાંઓની કાનભંભેરણી કરીદે તો આ લોકો મને કોર્ટમાં ઘસડી જશે અને હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ.’

એનેસ્થેટિસ્ટે કહ્યું, ‘ડો. ઐયર, અત્યારે આવું વિચારવાનો સમય નથી. તમારો ભય સાચો છે, પણ પેશન્ટના હિતમાં આપણે સાચો નિર્ણય લેવોજ રહ્યો. જો સારંગી બચવાની હશે તો મોટી ઇન્સ્ટિટ્યૂટમાંજ બચશે, નહીંતર…’
તરતજ નિર્ણય લેવામાં આવ્યો. એમ્બ્યુલન્સમાં સારંગીને ચેન્નાઈની ખૂબ જાણીતી કોર્પોરેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરોની મોટી ફોજ કામે લાગી ગઈ. ટીમના વડા ડોક્ટરે સૌથી પહેલું કામ સારંગીના પતિની સહી લેવાનું કર્યું, ‘હું તમામ જોખમોનો સ્વીકાર કરીને અહીંનાં ડોક્ટરોને મારી પત્નીની સારવાર કરવાની સંમતિ આપું છું, જો સારવાર દરમિયાન મારી પત્નીનું અવસાન થશે તો હું આ હોસ્પિટલને કે ડોક્ટરોને કે અન્ય કર્મચારીઓને જવાબદાર નહીં ગણું.’

સારંગીને એક, બે, પાંચ, દસ નહીં, પણ પૂરી વીસ બ્લડ બોટલ્સ ચડાવવામાં આવી. ગર્ભાશય હજુ ઢીલુંજ હતું. સારંગી બેહોશીમાંથી બહાર આવે એ પહેલાંજ બધું લોહી બહાર નીકળી ગયું.

‘સોરી, ગર્ભાશય સંકોચાઈને કડક થાય તોજ આ હેમરેજ બંધ થશે, બાકીતો જેટલું બ્લડ આપીશું એ બધું નીકળી જશે.’ ડોક્ટરે સગાંઓ સાથે વાત કરી. બીજી વીસ બ્લડ બોટલ્સ મંગાવવામાં આવી. સારંગીનું બ્લડ ગ્રૂપ સાવ કોમન ગ્રૂપનું ન હતું. દાતાઓ મેળવવા માટે પ્રસાર માધ્યમોની સહાય લેવી પડી.
બીજી વીસ બોટલ્સ પણ વ્યર્થ સાબિત થઈ. હવે ડોક્ટરોએ હાર સ્વીકારી લીધી, પણ સારંગીનાં પતિએ હજુ હાર સ્વીકારી ન હતી. એણે બે હાથ જોડ્યા, ‘સર, એક છેલ્લી કોશિશ કરી જુઓ. મને વિશ્વાસ છે કે સારંગી બચી જશે.’ હું સાવ સામાન્ય માણસ છું, પણ તમારા બિલની પાઈએ પાઈ…’

ત્રીજીવારની કોશિશ સફળ સિદ્ધ થઈ. ગર્ભાશય ઢીલુંન પડ્યું. બ્લીડિંગ થંભી ગયું. પૂરા ત્રણ મહિના સુધીનાની મોટી કોમ્પ્લિકેશન્સ ચાલુ રહી, પણ અંતે સારંગી સાજી થઈને ઘરે આવી શકી.
આ સમગ્ર સમય દરમિયાન સ્વજનો ગુસપુસ કરતાં રહ્યાં, ‘માનો કે ન માનો, પણ દીકરી જન્મી છે એજ અપશુકનિયાળ છે. એના પગલેજ સારંગી મરવા પડી છે અને ફેમિલી લાખોના દેવામાં ઊતરી ગયું છે.’

આજે એ દીકરી અઢાર વર્ષની થઈ ગઈ છે. કોઈ એવું નથી કહેતું કે આ દીકરી શુકનવંતી છે. એના પ્રતાપેજ એની જનેતા બચી ગઈ અને આજે એ ફેમિલી કરોડપતિ બની ગયું છે.

લેખક : ડો. શરદ ઠાકર

તમારા અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો અને દરરોજ અવનવી અલગ લેખકોની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *