ડૉ.શરદ ઠાકર – ડોક્ટરની ડાયરીમાંથી – કેમ ડોક્ટરને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે તેની વાત…

કામ આવી આપના દિલની દુઆ,
શ્વાસના છલકી ગયા ખાલી કૂવા.
                                  – એસ.એસ. રાહી

સવારના પહોરમાં મારા મોબાઇલ ફોનમાં વ્હોટ્સઅપ મેસેજ આવ્યો, ‘એક પેશન્ટના રિપોર્ટ્સ મોકલું છું. શી ઇઝ સિરિયસ. ભાગ્યે જ બચી શકે તેવું લાગે છે. જો તમારાથી કંઈક થાય તો કરજો.’

સમીર મારડિયાનો મેસેજ હતો. સમીર મારો ગાઢ મિત્ર. યુવાન છે. મારા કરતાં 20-25 વર્ષ નાનો. વાચકમાંથી મિત્ર અને હવે નાનો ભાઈ બની ગયો છે. એણે મેસેજ મોકલ્યો હોય એટલે વાંચવો જ પડે. બાકી હું બધાંને કહી દેતો હોઉ છું કે સોશિયલ મીડિયા પર હું મેડિકલ એડવાઇઝ આપતો નથી.
મેં રિપોર્ટ્સને ઝૂમ કરીને વાંચવાનો પ્રયાસ કર્યો, પણ એમ કરવામાં અક્ષરો ઝાંખા થઈ જતા હતા. મેં સમીરને ફોન કર્યો, ‘સોરી દોસ્ત! તારે રૂબરૂમાં જ આવી જવું પડશે. બધા રિપોર્ટ્સ સાથે લઈને આવી જા.’

સમીરને મારા કન્સલ્ટિંગ અવર્સની જાણ છે. એ આવી ગયો. મેં રિપોર્ટ્સ વાંચતાં પહેલાં થોડીક વિગત જાણવાની ઇચ્છા વ્યક્ત કરી, ‘પેશન્ટ કોણ છે? એને શું થયું છે? અત્યાર સુધી એને શું સારવાર આપવામાં આવી છે? વગેરે.

સમીર જેટલું જાણતો હતો એટલું એણે કહ્યું. ધારા નામની યુવતી. વાંકાનેરમાં પ્રસૂતિ માટે ખાનગી નર્સિંગ હોમમાં દાખલ થઈ. બાળકનો જન્મ તો નોર્મલ રીતે થઈ ગયો, પણ એ પછી બ્લીડિંગ ચાલુ જ રહ્યું. વાંકાનેર નાનું શહેર. ડોક્ટર ભલે હોશિયાર હોય, પણ ત્યાં બધી જાતની સુવિધાઓ ન જ હોય.

ડોક્ટરે જે સારવાર હાથવગી હતી તે આપી દીધી. બે-ત્રણ બોટલ્સ લોહી ચડાવ્યું. બ્લીડિંગ બંધ થાય તે માટેનાં ઇન્જેક્શનો આપ્યાં, પણ ફરક ન પડ્યો. ધારાની હાલત કથળતી જતી હતી.
ડોક્ટરે ધારાનાં સ્વજનોને કહ્યું, ‘મારાથી વધારે કંઈ થઈ નહીં શકે. અહીં મેનપાવર પણ ઓછો છે અને આધુનિક સુવિધાઓ પણ નથી, તમે ધારાને લઈને કોઈ મોટા શહેરમાં પહોંચી જાવ.’

સમય ઓછો હતો. ઘડિયાળના કાંટા સાથે ધારાની આવરદા જાણે હરીફાઈમાં ઊતરી હતી!

તાબડતોબ કારની વ્યવસ્થા કરીને રાધાને રાજકોટ ભેગી કરવામાં આવી. રાજકોટની જાણીતી કોર્પોરેટ હોસ્પિટલમાં જ્યારે ધારા પહોંચી ત્યારે હાલત ખૂબ જ ગંભીર હતી. એક કરતાં વધારે ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ્સ, સર્જન્સ, ફિઝિશિયનો વગેરે ભેગા થઈ ગયા.

ધારાને આટલું બધું બ્લીડિંગ સતત ચાલુ રહેવા પાછળનાં બે કારણો વિચારવામાં આવ્યાં, એક, પ્રસૂતિ દરમ્યાન ગર્ભાશયમાં ક્યાંક ઈજા પહોંચી હોય, બીજું કારણ એ હોઈ શકે કે ગર્ભાશયની અંદર ‘બગાડ’ રહી ગયો હોય. આ બગાડ શબ્દ લોકબોલીનો છે. હકીકતમાં બાળકના જન્મ પછી મેલી અથવા ઓળ કાઢતી વખતે જો એનો એકાદ ટુકડો અંદર રહી જાય તો ગર્ભાશય સંકોચાઈ શકતું નથી. એ વારંવાર ઢીલું થઈ જાય છે. એટલે લોહીનો ફુવારો છૂટતો જ રહે છે.
કોર્પોરેટ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ ધારાને ઓપરેશન થિયેટરમાં લીધી. પહેલું કામ એની જનરલ કન્ડિશન સુધારવાનું કર્યું. ગ્લુકોઝ-સેલાઇનના બાટલા તો ચાલુ જ રાખ્યા. બીજા હાથની નસમાં લોહીના બાટલા ચડાવવાનું શરૂ કરી દીધું.

જે મુખ્ય ડોક્ટરના વડપણ નીચે સારવાર ચાલતી હતી એમણે જાહેર કર્યું, ‘ગર્ભાશયનું મુખ ચિરાઈ ગયું છે, ત્યાંથી જ બ્લીડિંગ થયા કરે છે, માટે એ જગ્યા પર ટાંકા લેવા પડશે.’

ટુકડી કામે લાગી ગઈ. લોહીના વહેતા પ્રવાહ વચ્ચે માંડ માંડ સર્વિક્સ પર ટાંકા મારવામાં આવ્યાં. આટલું કરતાં સુધીમાં સવારના પાંચ વાગી ગયા હતા.

ડોક્ટરની ટુકડી થાકી-પાકીને જરાક ‘હાશ’ કરીને કોફી રૂમમાં કોફી પીવા માટે બેઠી ત્યાં નર્સે સમાચાર આપ્યા, ‘પેશન્ટને હેવી બ્લીડિંગ થાય છે. શી ઇઝ સિંકિંગ!’

કોફીના મગ પડતા મૂકીને ડોક્ટરો દોડ્યા. ખરેખર ધારાની ‘પલ્સ’ ડૂબી રહી હતી. આવી સ્થિતિમાં બીજું તો શું થઈ શકે? લોહીનો વહેતો પ્રવાહ અટકાવી શકાતો ન હતો, માત્ર એની ખોટ સરભર કરવા માટે વધુ ને વધુ લોહી ચડાવી શકાય તેવું હતું. બધું મળીને બાવીસ બોટલ્સ જેટલું બ્લડ આપવામાં આવ્યું.
અચાનક ડોક્ટરની નજર યુરિન બેગ ઉપર પડી. યુરિન બેગ એટલે પેશાબ જમા કરવાની કોથળી. ધારાની કિડનીઝ બરાબર કામ કરે છે કે નહીં એની માહિતી એ કોથળીમાં ભેગા થયેલા પેશાબના જથ્થા પરથી મળી શકતી હતી.
‘સર, પેશન્ટનો યુરિન આઉટપુટ નહીંવત્ છે.’ એક જુનિયર ડોક્ટરે મુખ્ય ડોક્ટરનું ધ્યાન દોર્યું.

‘ઓહ! છેલ્લા બાર કલાકમાં ફક્ત પચાસ જ મિલિલિટર? ધેટ મીન્સ શી ઇઝ ડેવલપિંગ રિનલ ફેઇલ્યોર!’
ધારાનો બ્લીડિંગ પ્રોબ્લેમ તો મટ્યો ન હતો, ત્યાં એની જ એક કોમ્પ્લિકેશન રૂપે એની બંને કિડનીઝ કામ કરતી બંધ થઈ રહી હતી. હવે એનું બચવાનું ખૂબ અઘરું બની ગયું હતું.

મુખ્ય ડોક્ટરે ધારાનાં સગાંઓને બોલાવીને કહી દીધું, ‘ધારાને અમદાવાદ લઈ જવી પડશે.’

‘કેમ?’

‘ત્યાં જ એની સારવાર શક્ય છે. એની બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ રહી છે. જો તાત્કાલિક યોગ્ય સારવાર આપવામાં નહીં આવે તો એના લોહીમાં જમા થતું ઝેર એનાં બીજાં અંગો પર અસર કરવા લાગશે. એ કોમામાં સરી પડશે.’

‘સર, અમદાવાદમાં ક્યાં લઈ જઈએ?’

‘કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ડો. ત્રિવેદી સાહેબ જેના સ્થાપક અને નિયામક છે એ સંસ્થા આવા ગંભીર કેસની સારવાર ખૂબ સારી રીતે કરે છે. ત્યાં ગાયનેક ડિપાર્ટમેન્ટ પણ છે. એટલે એક જ છત નીચે ધારાની બંને પ્રકારની તકલીફો સચવાઈ જશે.’
તાબડતોબ એમ્બ્યુલન્સ વેનમાં ધારાને શિફ્ટ કરવામાં આવી. બ્લડ બોટલ ચાલુ રાખીને, ઓક્સિજન આપતાં આપતાં ધારાને અમદાવાદ પહોંચાડવામાં આવી.

અમદાવાદ પહોંચ્યા ત્યારે નવી ઉપાધિ ઊભી થઈ. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એક પણ પથારી ખાલી ન હતી. હાઉસફુલ! ડોક્ટરો લાચાર હતા.

નછૂટકે ધારાને સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં દાખલ કરી દેવામાં આવી. અહીં એક વાતની સ્પષ્ટતા કરી દેવી ખૂબ જરૂરી છે.

લગભગ મોટા ભાગના દર્દીઓના મનમાં એવી છાપ ઘર કરી ગઈ હોય છે કે કિડનીની સારવાર માટે આખા ગુજરાતમાં માત્ર કિડની ઇન્સ્ટિટ્યૂટ જ ઉપલબ્ધ છે. એવી સારવાર બીજે ક્યાંય થઈ શકે જ નહીં.

કેટલાક મહિનાઓ પહેલાં એક મેરેજ રિસેપ્શનમાં ડો. શ્રેણિક શાહ મળી ગયા. અમે એકબીજાથી પરિચિત તો હતા જ, પણ એ મુલાકાતમાં અમારી વચ્ચે સારી એવી ચર્ચા થઈ. મેં પૂછ્યું, ‘તમે સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં સિનિયર સર્જન તરીકે કાર્યભાર સંભાળો છોને? મને એ કહેશો કે તમારા વિભાગમાં કેવું કામ થાય છે?’

અહીં જણાવી દઉં કે ડો. ત્રિવેદી સાહેબની કિડની સંસ્થા અને સિવિલ હોસ્પિટલનો કિડની ડિપાર્ટમેન્ટ આ બંને અલગ છે. બંને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ આવેલા છે, પણ ડો. ત્રિવેદી સાહેબની સંસ્થા સ્વાયત્ત છે, જ્યારે સિવિલનો વિભાગ સરકારી છે.

મારા સવાલના જવાબમાં જરા પણ કટાક્ષ કે દંશ વ્યક્ત કર્યા વગર ડો. શ્રેણિકભાઈએ નિખાલસ સ્મિત વેરીને માહિતી આપી, ‘મારે તમને વધુ તો કંઈ નથી કહેવું શરદભાઈ, પણ તમે એકવાર સમય કાઢીને અમારે ત્યાં પધારો. હું તમને આખો વિભાગ બતાવીશ. અમારે ત્યાં અઘરામાં અઘરી સર્જરી ઉત્તમ સ્તરે કરવામાં આવે છે. કમનસીબે અમારું કામ મીડિયામાં ચમક્યું નથી, પણ તમે તો ખુદ એક ડોક્ટર છો, એટલે તમે સમજી શકશો કે અમે શું કરી રહ્યા છીએ અને કેવું કામ કરીએ છીએ!’

હું એકવાર ત્યાં જવાનું વિચારી જ રહ્યો હતો, ત્યાં જ ધારાનો કેસ આવી ગયો. મારા મિત્ર સમીરે વાત પૂરી કરી. પછી મેં રિપોર્ટ્સ વાંચ્યા. ખરેખર ધારાની હાલત ગંભીર હતી. હકીકતમાં એ ડી.આઇ.સી. (ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન) નામની ખતરનાક સ્થિતિનો ભોગ બની ગઈ હતી.

મેં સમીરને કહી દીધું, ‘ભાઈ, ધારાને બચાવવી અશક્ય લાગે છે. તું શું કહે છે? મારે સોનાની જાળ પાણીમાં નાખવી જોઈએ?’

‘કોશિશ કરવામાં શું જાય છે સર? સાવ જુવાન બાઈ છે. જો એ મરી જશે તો બાળક રખડી જશે.’
મેં ભગવાનનું સ્મરણ કરીને ડો. શ્રેણિકભાઈનો ફોન લગાડ્યો, ‘મિત્ર, હું જાણું છું કે તમે અત્યારે વ્યસ્ત હશો, હું બે મિનિટ કરતાં વધારે સમય…’

‘નિરાંતે વાત કરો શરદભાઈ’ એમણે કહ્યું. મેં ધારાની પૂરી કેસ હિસ્ટ્રી ટૂંકાણમાં કહી સંભળાવી.
‘સમજી ગયો. મને એ જણાવો કે ધારા અત્યારે કયા વિભાગમાં, કયા વોર્ડમાં, કયા નંબરની પથારીમાં છે?’
મેં વિગત આપી એ સાથે જ એ ભલો માણસ કામે લાગી ગયો. એમનો હોદ્દો, માનપાન અને પ્રભાવ સિવિલ હોસ્પિટલમાં એ કક્ષાનો છે કે એમનો આદેશ થાય એટલે ડોક્ટરોનો સમૂહ તરત જ મોર્ચા પર તૈનાત થઈ જાય.
જો વિગતે વાત કરવા બેસું તો પાનાંઓ ભરાય. ડો. શ્રેણિકભાઈના જુનિયર તબીબોની દોડધામ, ચીવટ અને કુશળ દેખરેખના કારણે જ ધારા ઝડપથી સાજી થવા માંડી. પહેલું કામ તો ગાયનેક વિભાગના મેડમે ધારાનાં ગર્ભાશયમાં રહેલો બગાડ કાઢવાનું કર્યું. આ સ્ટેપથી ચમત્કાર સર્જાયો. પછી બે વાર ધારાનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. ડો. શ્રેણિકભાઈ મને મસેજ દ્વારા દર્દીની હાલતના ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપતા જતા હતા. છેવટે ધારા જોખમ મુક્ત થઈ ગઈ. બરાબર એ જ દિવસે ડો. ત્રિવેદી સાહેબની સંસ્થામાં પણ એક પથારીની વ્યવસ્થા થઈ ગઈ. હવે ધારાને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવી. ત્યાં ડો. વિનિત મિશ્રા અને અન્ય તબીબી મિત્રોએ ધારાની સારવારની જવાબદારી ઉઠાવી લીધી.

મારે ડો. શ્રેણિકભાઈનો આભાર માનવો જ છે, પણ ફોન પર નહીં! એમને રૂબરૂ જ મળવું છે. આભાર પણ માની લેવાશે અને સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત પણ થઈ જશે. શક્ય છે ત્યાંથી મને 5-10 વાર્તાઓ પણ મળી જાય!
———————————————————————————
લેખક : ડૉ. શરદ ઠાકર

આપના અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો… અને જોડાયેલા રહો અમારી સાથે દરરોજ અવનવી અલગ વાર્તાઓ અને બીજી રસપ્રદ વાતો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *