રાજ અને મીરા નવદંપતી હતા. લગ્નને હજુ બહુ સમય પસાર નતો થયો. એક દિવસ, લગભગ કંઈક સાંજે 6 વાગ્યાની આસપાસ, રાજ ઓફિસમા કામ કરતો હતો. ત્યારે જ તેનો ફોન રણક્યો. તેને ફોન ઉપાડ્યો. ફોન મીરાનો હતો.
“હા!”, રાજ ફક્ત આ એક જ અક્ષર બોલ્યો.
“મારા વહાલા પતિ, શું હા હે? ના જય શ્રી કૃષ્ણ, ના હેલો, વ્યસ્ત છો કે શુ?” મીરાએ આતુરતાપૂર્વક પૂછ્યું.
“હા થોડોક,” આટલું કહ્યા બાદ રાજે ઉમેર્યું, “તું બોલને કેમ ફોન કર્યો?”
મીરાએ જણાવ્યું, “અરે હા! હું શુ કહેતી હતી કે, તમે ઘરે ક્યારે આવશો અને…”
“અને જમવામા શુ બનાવું? હું શુ જમીશ?” રાજે મીરાને અટકાવતા તેની વાત આગળ વધારી.
“હા! એ જ.” મીરાએ પુષ્ટિ કરી.
“મને ખબર નથી પડતી એક વાતની. જયારે તને ખબર છે કે મારો જવાબ હશે કે – તારે જે બનાવવું હોય તે બનાવ. -,” આટલું કહ્યા બાદ રાજે થોડા ઊંચા અવાજમા ઉમેર્યું, “તો પછી કેમ મને વારંવાર પૂછે છે? મને પાકું યાદ છે કે કાલે તે સાઉથ ઇન્ડિયન ખાવાનું પ્લાન કર્યું હતું અને અમુક સામગ્રી પણ લઇ આવી હતી. તો પછી કેમ હેરાન કરે છે?”
“હમમમ…અરે…એ તો…ગમે તેમ તો પણ તમારી ખાવાની પસંદગી પ્રાધાન્ય ગણાયને?” મીરાએ આવું કહીને વાત ને સંભાળી.
ત્યાંજ રાજે શાણપણ સાથે, તરત જ જવાબ આપ્યો, “અચ્છા એવું છે એમ? તો એક કામ કર, આજે મારી પસંદગી નુ ગુલાબજાંબુ, પાલક પનીર, મિક્સ વેજ, પરાઠા, મસાલા છાશ, કેરી નું અથાણું, રાયતું, પાપડ, જીરા રાઈસ, દાલ-મખની અને સલાડ બનાઈદો. બની જશે ને?”
“આટલું બધું?” મીરા આશ્ચર્ય થઇને પૂછ્યું.
“લ્યો. ક્યાં ગઈ પસંદગી હવે? મારો જવાબ હજુ પણ તે જ છે કે જે બનવું હોય તે બનાવ જમી લઈશ. ચાલ મને મિટિંગ માટે મોડું થાય છે.” આટલું કહેતા રાજે ફોન મૂકી દીધો.
રાજની નજીક ઉભેલા પટાવાળા ગીરીશભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. તે રાજની સામે જોઈને સ્મિત આપ્યું. તે હાસ્યને જોઈ રાજ બોલ્યો, “ખરેખર ગાંડી થઇ ગઈ છે, મારી પત્ની.”
ગીરીશભાઈએ રાજ સામે જોયું અને વળતો જવાબ આપ્યો, “ના સાહેબ! તમારા પત્ની ગાંડા નથી, ના તો થઇ રહ્યા છે. તે તો બસ એક ભારતીય પત્ની છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે – ખાવા શુ બનાવું? – આ પૂછવાના બહાને એ તમને એનો સમય આપે છે. તેની ઝીંદગીના આવા નાનકડા નિર્ણયોમાં પણ તમને પૂછે છે.
અત્યારે તમે નવા પરણ્યા છો એટલે નહિ સમજાય. અત્યારે ખાવા શુ બનાવું નો ફોન તેની તમારા માટેની ફિકર છે જે ધીરે-ધીરે એક આદતમા પરિવર્તિત થઇ જશે.”
રાજે મૂંઝવણ સાથે ગીરીશભાઈને પૂછ્યું, “અરે! પરંતુ તે સાઉથ ઇન્ડિયન ખાવાનું બનાવની હતી? છતાંય કેમ ફોન કર્યો?”
ગીરીશભાઈએ હસતા-હસતા જવાબ આપ્યો, “તે પણ તમને ખબર પડી જશે સાહેબ.” રાજ ની મૂંઝવણ તો મૂંઝવણ જ રહી ગઈ. પછી તેને પોતાની મિટિંગ પતાવી અને ઘરે પહોંચ્યો.
મીરાએ દરવાજો ખોલ્યો, પણ તે થોડીક ગુસ્સે હતી. આ સિવાય તે બહુજ ઉતાવળમા હતી. આમ પણ તે દિવસે ઓફિસમાંથી મોડું થઇ ગયું હતું એટલે સમજીને રાજે મીરા પાસે ચા ના માંગી.
તે હાથ-પગ ધોઈને જયારે ડાઇનિંગ ટેબલ પર બેઠો, ત્યારે તેને ખુબજ આશ્ચર્ય થયું. ટેબલ પર તેની પસંદગીની વાનગીઓ હતી જે તે ફોન પર એમજ બોલી ગયો હતો. ટેબલ પર ગુલાબજાંબુ, પાલક પનીર, મિક્સ વેજ, પરાઠા, મસાલા છાશ, કેરી નું અથાણું, રાયતું, પાપડ, જીરા રાઈસ, દાલ-મખની અને સલાડ વગેરે જેવું ખાવાનું હતું, કોઈ સાઉથ ઇન્ડિયન ખાવાનું નહી.
આ બધું જોતા જ તેને મીરા ની સામે જોયું અને પૂછ્યું, “કેમ અને કેવી રીતે કર્યું તે આટલા ટૂંક સમયમા?”
“કેવી રીતે કર્યું તે તો હું જ જાણું છું. અને કેમ?” મીરા એ અચકાઈને જવાબ આપ્યો, ” કારણકે હવે હું ફક્ત પ્રેમિકા નહીં પરંતુ તમારી પત્ની પણ છું, ”
મીરાના આ શબ્દોએ ગીરીશભાઈ સાથે વાતચીત દરમિયાન થયેલી બધીજ મૂંઝવણોનો જવાબ આપી દીધો.
રાજે મીરાંનો હાથ પોતાના હાથમા લીધો અને તેની આંખમા જોઈને બસ આટલું જ કહ્યું, “ખુબ ખુબ આભાર અને શું હવે કોઈ મને માફ કરીને, એક સુંદર સ્મિત આપશે?”
એક ક્ષણ માટે તો મીરા હસી પડી. પરંતુ બીજા જ પળે તે પછી નારાજ થઇ ગઈ. તે દિવસે રાજે મીરાંને મનાવવા માટે ઘણા બધા વખાણ કર્યા અને કંઈક 2 કલાક લાગી ગયા.
લાગે જ ને, આખરે મીરા પણ હવે ખાલી તેની પ્રેમિકા નહીં પરંતુ પત્ની હતી અને પત્નીઓ ને મનાવવું એટલે તમે જાણો જ છો ને?