ગાગરમાં સાગર ભરી આપે એવું વરદાન આપનારો દિવસ એટલે ‘અક્ષય તૃતીયા’
—————————————————-
હૈ મા અન્નપુર્ણા અમારી ગાગરમાં સાગર સમાય એવું વરદાન આપો. આ સકળ વિશ્વ પર તમારી કૃપા સદાકાળ કાયમ રાખો
કલાબેનને ત્યાં જેન્તીલાલ સવારે સવારે પહોંચી ગયા.
જેન્તીલાલને આમ સવાર સવારમાં જોઈ. કલાબેનને જાણે ફાળ પડી હોય એમ થોડા ખચકાયા ! શું નવી ખબર લાવ્યા હશે જેન્તીલાલ સવાર સવારમાં ?કલાબેનના હાથમાં કંકોત્રી મૂકતા બોલ્યા “અખાત્રીજના આપણી નાનકીના લગ્ન લેવાયા છે. સહકુટુંબ આવવાનું હોકે !.
અખાત્રીજ ? કલાબેન ધીમે રહી બોલ્યા. “ભલે હો ભાઈસાબ અમે આવીશું”
ચા પીધા પછી જેન્તીલાલ રવાના થયા પછી કલાબેને ટીપોઈ પર પહેલીથી આવેલી ચાર પત્રિકા પર નજર કરી અને પાંચમી પત્રિકા મૂકતા બોલ્યા “એક જ દિવસે પાંચ પાંચ લગ્ન ? ક્યા જઈએ અને ક્યાં ન જઈએ ?
કલાબેનની અસમંજસતા પરથી યાદ આવ્યું કે આ દિવસે યાની કે અખાત્રીજે કોઈ પણ શુભ પ્રસંગ પંચાગમાં મૂહર્ત જોયા વગર થઈ શકે છે.
તો ચાલો જાણીએ ‘અખાત્રીજ’ યાનીકે ‘અક્ષય તૃતીયા’ વિષે.‘અક્ષય તૃતીયા’
હિંદુ કેલેન્ડરની સમય સારણી મુજબ વૈશાખ શુક્લપક્ષની ત્રીજ એટલે ‘અક્ષય તૃતીયા’
વૈદિક કેલેન્ડરમાં જે ચાર સર્વાધિક શુભ દિવસોનો ઉલ્લેખ કર્યો છે એમાં આ એક દિવસ ‘અક્ષય તૃતીયા’નો પણ છે. અક્ષયનો ભાવાર્થ : જેનો ક્ષય ન થાય એ. એકદમ સરળભાષામાં કહીએ તો ‘જેનો કદી નાશ નથી થતો એ’ આ દિવસે ભારતવર્ષમાં સૌથી વધારે શુભકાર્યો દિવસના કોઈ પણ સમયે કરવામાં આવે તો પણ એ તિથી કાળને શુભ જ મનાવામાં આવે છે. મોટાભાગના શુભ કાર્યો માટે લોકો આવા દિવસનું ચયન વધારે કરે છે. આ શીવાય બીજા ત્રણ દિવસો જેને સૌથી વધુ શુભ માનવામાં આવે છે એ છે દેવઉઠી અગિયારસ, વસંત પંચમી અને ભડલી નવમી.
આ દિવસે લગ્નો અને સગાઇના પ્રસંગો પણ વધારે હોવાથી ટ્રેન, બસ તથા અન્ય વાહન વ્યવહારની સુવિધા આપતા ક્ષેત્રોમાં સામાન્ય દિવસો કરતા ભીડ વધારે જોવા મળે છે.
આ દિવસે ખરીદવામાં આવેલી કોઈ પણ વસ્તુઓને પણ એટલી જ શુભ અને આજીવન લાભ આપનારી માનવામાં આવે છે અને ખરીદવામાં આવેલું સોનું કદી ખૂટતું નથી કારણ કે સ્વયં ભગવાન વિશુનું અને માતા લક્ષ્મી એની રક્ષા કરે છે. આથી આવા દિવસે લોકો સોનું, ચાંદની તથા તેમાંથી બનાવેલા આભુષણો ખરીદવાનો આગ્રહ રાખે છે.
આમ પણ આપણો ભારત દેશ વિવિધતામાં એકતાથી બનેલો દેશ છે. જેમાં દરેક રાજયની આ તહેવાર પ્રત્યે અલગ અલગ માન્યતા અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પણ છેવટે બધાનો ઉદ્દેશ્ય તો એક જ છે કે સૌનું શુભ થાવ અને સાથે સાથે આપણું પણ.
એક એવી પણ પરંપરા છે કે કેરી અને શક્કર ટેટીને ખાવાની શરુઆત પણ આ જ દિવસથી કરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ દિવસે પિતૃઓને અને માતા અન્નપુર્ણાને માન આપવામાં આવે છે. પિતૃઓને પ્રાર્થના કરવામાં આવે છે કે “હૈ પિતૃદેવો તમે આમારી રક્ષા કરો અને તમારા શુભાશિષ સદાકાળ અમારા પર કાયમ રહે એવી કૃપા કરો. અમે આ મંગળ કળશમાં જળ ભરી નાની ગાગરને સાગર સમજી તમને સમર્પિત કરીએ છીએ તો આપ એ સ્વીકારી અમને કૃતાર્થ કરો અને અમે ધરેલ આ આમ્ર અને શક્કરટેટીનું ફળ સ્વીકાર કરો અને અમારા જીવનમાં પણ આ ફળ જેવી મીઠાસ બની રહે એવી કૃપા કરો. સરસ મંગળકળશ તૈયાર કરવામાં આવે છે. ઘઉંના દાણાનો સરસ સાથીયો કરવામાં આવે છે અને એના પર માટીનો કળશ અને એ કળશ પર ટેટી અને ટેટી પર કેરી મુકવામાં આવે છે. કળશની ચારે બાજુ હલ્દી કંકુ અને અક્ષતના તિલક કરવામાં આવે છે. આ બધું કરતા ઘર પરિવારમાં એકદમ આધ્યાત્મિક વાતાવરણ ઉભું થાય છે જે સૌ કોઈ માટે શુભ બની રહે છે.
કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાન પરશુરામજીના અવતારમાં આ દિવસે માતા રેણુકાના કુખે પૃથ્વી પર અવતર્યા હતા. અને આ જ દિવસથી ત્રેતાયુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. અને આ જ દિવસથી ભગવાન બદ્રીનાથજીના મંદિરના પટ ખુલે છે.
આ દિવસ ફક્ત શુભ જ નથી પણ આ દિવસના ક્ષમા આપવાનો દિવસ પણ ગણવામાં આવે છે. રિસાયેલા મિત્રો, સ્વજનો કે અન્ય સંબંધોને ક્ષમા આપી ફરી પ્રસ્થાપિત કરવાનો ઉત્તમ દિવસ છે. અને આપણા શાસ્ત્રોમાં ક્ષમાને વીરનું આભુષણ ગણવામાં આવ્યું છે. દરેક મનુષ્ય ગુણ અને અવગુણથી ભરેલો છે. કોઈ દુધનો ધોયેલો નથી. આથી આ દિવસે પ્રભુના ચરણોમાં આપણા અવગુણો પણ ધરી દેવા જોઈએ અને પરમાત્માને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે તમો અમને સદાકાળ એક સજ્જન વ્યક્તિ બની રહીએ એવા વરદાન આપો.
આ સિવાય પણ ઘણી બધી પૌરાણિક માહિતી ‘અક્ષય તૃતીયા’ માટે મળી આવે એમ છે. મને જાણવામાં, વાંચવામાં અનુભવવામાં આવ્યું તે આપ સમક્ષ રજુ કર્યું છે. આ શીવાય તમારા ધ્યાનમાં કોઈ મહત્વની જાણકારી હોય તોકોમેન્ટમાં જણાવશો.
લેખક : નરેન કે સોનાર ‘પંખી’
શેર જરૂર કરજો આ માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.