ખોટો સિક્કો : આજના દરેક માતાપિતાએ વાંચવા જેવી હૃદયસ્પર્શી વાર્તા……

ખોટો સિક્કો

રાકેશભાઈ અને મિતાબહેન બંન્ને હવે, લાકડીનાં સહારે ચાલતાં હતાં, ઉંમર પણ થઈ હતી, હવે ક્યાં કોઈ નેવું વર્ષ જીવે છે, સાઈઠ-પાંસઠ માંડ થાય તો આ બિમારીઓ જ માનવીને ડોલાવી નાંખે, રાકેશભાઈ અઠ્ઠાવન વર્ષનાં અને મિતાબહેન બાવન વર્ષનાં હતાં, ધડપણનું જીવન ભગવાનનાં ગુણગાન ગાતાં ગાતાં નિકળી રહ્યું હતું. રાકેશભાઈ પણ રિટાયર થઈ ગયાં હતાં તેથી બંન્ને જણાં અવનવા મંદિરો તેમજ સત્સંગોની મુલાકાત લેતાં રહેતાં, બંન્નેનું જીવન કૃષ્ણમય હતું, આખો દિવસ કૃષ્ણની ભક્તિમાં ખોવાયેલાં રહેતાં, બંન્ને એકબીજાનો સહારો બની ને રહેવું પડતું, ખુબ જ પ્રેમભાવ હતો, જે લગ્નનાં પ્રથમ સપ્તાહમાં હતો એજ આજે આટલાં વર્ષો બાદ પણ એકમેકની કાળજી, પરવાં નાં લીધે લાગી રહ્યો હતો. બંન્ને જણા એકબીજાને સમયસર દવા પિવડાવવાનું યાદ કરાંવતાં, આમ, બંન્ને જણાંનું ધડપણ એકમેક નાં સહારા દ્વારા ચાલ્યે જતું હતું.આજે સોમવતી અમાસ હોવાથી રાકેશભાઈ અને મિતાબહેન શનિમંદિરે જવાની ચર્ચા કરતાં હતાં, ત્યાંજ મોટેથી અવાજ સંભળાયો,

“અરે પપ્પા તમને ના કહું છું, આમ દરરોજ ચાલતાં મંદિરે જવાનું યોગ્ય નથી, સમય કેવો ચાલે છે ખબર નથી? એક તો તમે બંન્ને થયાં ધરડાં, અને આજકાલનાં લબરમુછીયાં મોંધીદાટ બાઈકો લઈને ફિલ્મી સ્ટાઈલમાં ખુલ્લેઆમ રૅસ લગાવતાં હોય છે, ખબર નથી? ક્યાંક તમને કશું થઈ ના જાય??”

રાકેશભાઈ અને મિતાબહેને ફરીને જોયું તો એમનો એકનો એક દિકરો “અંશ” થોડા ગુસ્સામાં બોલી રહ્યો હતો.
“હા, દિકરાં પણ હવે હું ય અઠ્ઠાવનનો થયો છું, તારી માં પણ બાવન વટાવી જવાની તૈયારી છે, હવે નું અમારું જીવન બસ, પ્રભુના નામનું છે” રાકેશભાઈ ચશ્માં સરખા કરી કહ્યું.

“હા, એ બધું તો ઢીક છે, પણ હવે, તમારે ધરમાં રહીને જ ભગવાન ભજવાનાં, તમે જ કહો છો ને કે પ્રભુનો વાસ દરેક જગ્યાએ છે તો આ મંદિરે જવાની શી જરુર? ધરમાં જ પડ્યાં રહો” અંશનો ગુસ્સો હજી યથાવત હતો.

“દિકરાં આજે તારા વર્તનમાં કંઈક અલગ હોવાનાં સંકેતો જણાય છે, બોલ શું થયું? શાને આટલો ગુસ્સો કરે છે?” મિતાબેને અંશનો હાથ પકડી કહ્યું.“કંઈ થયું નથી મને, પણ હવે તમને લોકોને જરુર કંઈ થયું છે, બસ હવે, આ છેલ્લીવાર કહું છું, આજથી ક્યાંય જવાની જરુર નથી, ધરમાં જ પડ્યાં રહેવામાં ભલાઈ છે તમારાં લોકોની” હાથ છોડવતાં છોડાવતાં અંશ બોલ્યો.
રાકેશભાઈ ચશ્માનાં નીચેનાં ભાગેથી આવી વાતો અને અંશનો ગુસ્સો આજે પહેલી વખત નિહાળી રહ્યાં હતાં.

“કંઈ તો થયું છે, અંશ હું તારી માં છું, આખી દુનિયા કરતાં પણ નવ માસ પહેલાંથી તને ઓળખું છું, અમારા પ્રત્યે ક્યારેય ન ગુસ્સો કરનાર આજે અચાનક આવી વાતો ના કરે તું, બોલ દિકા શું થયું?” મિતાબેન ભાવુક થઈને કહ્યું.

“કશું થયું નથી મને તમે બંન્ને આમ મારા ઉપર ગુસ્સો ના કરો, મને ખબર છે કોની સાથે કેમ વાતો કરવી એ, મને સમજાવવાની કે શિખામણ આપવાની જરુર નથી…” આટલું કહી અંશ ધરની બહાર જતો રહ્યો.
રાકેશ ભાઈ અને મિતાબહેન નિઃશબ્દ થઈ એકબીજાને ફક્ત ઈશારાઓ દ્વારા પૂછી રહ્યા હતાં “શું થયું હશે, આજે અચાનક અંશનું બદલાયેલું રુપની કાંઈ સમજ ના પડી”

બંન્ને જણાં વર્ષો જુના ભૂતકાળ વાગોળવાં લાગ્યાં…

રાકેશભાઈ અને મિતાબહેન બંન્ને એ ધરનાં સભ્યોથી વિરુધ્ધ પ્રેમ લગ્ન કર્યા હતાં, ધરનાં સભ્યો એ રાકેશભાઈને ધરની બહાર કાઢી નાંખ્યાં હતાં, મિતાબહેનનો પરિવાર પણ આ લગ્નથી ખુશ ન હોવાને કારણે બંન્ને ને અપનાવ્યા નહીં, છેવટે રાકેશભાઈ હારીને આ નાનકડાં શહેરમાં આવી, ભાડાનાં ધરમાં રહેવાનું ચાલું કર્યું, જે હાલ પણ ભાડે જ રહેતાં હતાં, કારણકે નજીવાં પગારની નોકરી ઉપરાંત અંશના ખર્ચાનાં લીધે ક્યારેય એ પોતાનું ધર ખરીદી ન શક્યાં હતાં…

લગ્નબાદ ખુબ જ કરકસરથી જીવવું પડ્યું હતું કારણ કે રાકેશભાઈએ તમામ ગૃહસ્થીનું શૂન્યમાંથી સર્જન કરવાંનું હતું. છતાં રાકેશભાઈ હિંમ્મત હાર્યા વિના જીવન જીવી રહ્યાં હતાં, લગ્નનાં દસ વર્ષ વિતિ ચૂક્યાં હતાં છતાં હજી એમનાં ધરે બાળકની ચિચિયારી સંભળાયી ન હતી, બંન્ને આ કારણે હંમેશા દર્દ અને દુઃખનો ભોગ બનતાં, ધણી માનતા, બાધા, દોરાધાગા કરાવ્યા, રાકેશભાઈ એ પણ ધણી હૉસ્પિટલોમાં ઈલાજ કરાવ્યો, મંદિરોમાં જઈને ટેક રાખી છેવટે કુદરતે ખુશ થઈ લગ્નનાં પંદર વર્ષ પછી એક અંશ અવતર્યો, બંન્ને ખુબ ખુશ થયાં, બાધા અને ટેકો ચઢાવી દીધી, કુદરતનો આભાર માની ખુબ જ લાડકોડથી અંશનો ઉછેર કરવાં લાગ્યાં, અંશની એક પણ ઈચ્છા અધુરી ન રહે એ માટેનાં પ્રયાસો કરતાં રહેતાં, ધીરે ધીરે અંશ હવે , મોટો થઈ રહ્યો હતો, ભણ્યો-ગણ્યો અને નોકરી કરતો થઈ ગયો, લોકો પણ અંશના વખાણ કરતાં થાકતાં નહીં, કોઇ પુત્ર ખોટું કરે તો અંશનું ઉદાહરણ આપી સમજાવતા કે જો પેલો અંશ કેટલો ડાહ્યો અને તું કેવો?? , ખુબ જ આજ્ઞાકારી પુત્ર હતો, બધાનો માનીતો, માં-બાપની હંમેશા સેવા-ચાકરી કરતો, હંમેશા ફક્ત માતા-પિતાની જ નહીં પણ લોકોની પણ સેવા ચાકરી કરતો, ક્યારેક નાના ભિખારીઓને પણ પ્રેમથી ખવડાવી પુણ્યનું કામ કરી લેતો… આ બધાં કાર્યોનું એકમાત્ર કારણ મિતાબહેન અને રાકેશભાઈનાં સારા સંસ્કારોનું સિંચન હતું, ખુબ જ લાડકોડ અને અમુલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું, કારણ કે કેટલાંય વર્ષો બાદ મિતાબહેનને માં બનવાનો એહસાસ થયો હતો.

છતાં આજે આજ અંશ ના આવા વર્તનથી બંન્નેમાં કુતુહલ સર્જાયું હતું, છતાં મનમાં એક પણ ખરાબ વિચાર કર્યા વિના બંન્ને એ અંશને એકપણ શબ્દ ન કહ્યો અને ભજન કરવામાં વ્યસ્ત થઈ ગયાં, વિચારવાં લાગ્યાં કે કદાચ અંશને એમની ચિંતા હોવાથી આ મુજબ ખરાબ વર્તન કરી રહ્યો હશે.

હવે, તો જાણે અંશ દરરોજ કંઈક ને કંઈક વાત ઉપર માં-બાપ બંન્ને ઉપર ચિડાઈ જતો, ખુબ જ ગુસ્સો કરતો, ધરમાં થતાં ઝગડાંઓ આજુબાજુ નાં ધરોમાં સંભળાવવા લાગ્યાં, ક્યારેય ઝગડો ન કરતું પરિવાર હવે, દરરોજ ઝગડવાં લાગ્યું, લોકો પણ વિચારમાં પડી ગયાં કે આ અંશ હવે, ખુબ જ નક્કામો થઈ ગયો છે, પોતાનાં જ માં-બાપ સાથે દરરોજ ઝગડે છે, અચાનક આવા ફેરફારો ને લીધે અંશ માટે ખુબ જ ખોટું વિચારવાં લાગ્યાં, કહેવાં લાગ્યાં કે “આ તો વખાણેલી ખિચડી, દાંઢે વળગી”, ખુબ જ સારો માનતાં એ જ વ્યક્તિ ખોટી નિકળી, ખુબ જ આશા હતી એ જ પુત્ર આજે કપુત્ર થઈ ગયો, ધણાં લોકો એ તો અંદરોઅંદર અંશને “ખોટો સિક્કો” નામ આપી દીધું.લોકો હવે અંશને ધૃણાસ્પદ નજરે જોવાં લાંગ્યાં, તમામ લોકોની નજરમાં અંશ આજે એક ખરાબ પુત્ર સાબિત થવાં લાગ્યો, પણ અંશને આ વાતોથી કોઈ ફરક પડતો નહીં, ઉલ્ટું દિવસે દિવસે અંશનો વ્યવહાર પોતાના માતા-પિતા સાથે ખરાબ થવાં લાગ્યો, આટલું થઈ ગયું હોવાં છતાં પણ રાકેશભાઈ અને મિતાબહેન જાણે કંઈ થયું જ ન હોય એ રીતે જ વર્તન કરતાં, અને અંશનાં ગુસ્સાને હંમેશા નિઃશબ્દ થઈ સાંભણતાં રહેતાં, ક્યારેય અંશ ની લાગણી ખચકાય એવું ન કર્યું, કરે પણ ક્યાંથી બંન્ને ના પ્રેમની એકમાત્ર નિશાનિ હતી અંશ રૂપી, કારણકે બાળક થવાનો વિયોગ પણ જાણે છેક વર્ષો પછી આવ્યો હતો, ન કરે નારાયણ બંન્ને ના અંશને કંઇક બોલે અને અંશ કંઈક કરી બેસે એ ચિંતાથી બંન્ને અંશને એકપણ શબ્દ બોલતાં ન હતાં.

પણ હવે, બંન્નેની સહનશક્તિ ધટવાં લાગી હતી, કારણકે અંશ દિવસે-દિવસે ન બોલવાનું પણ બોલી નાંખતો અને હવે, અંશને જાણે કંઈ જ પડી ન હોય એ રીતે વર્તવા લાગ્યો, અંશનો સ્વભાવ ચિડિયો થઈ ગયો, ગુસ્સો તો નાક ઉપરથી ઓછો થતો ન હતો, હવે, લોકો પણ અંશને “ખોટો સિક્કો” કહીને બોલાવતાં હતાં, કહેવાય છે ને કે “વિશ્વાસ બનાવતાં ધણી વાર લાગે પણ તુટતાં સૅકન્ડ પણ ન લાગે” લોકોને અંશ ઉપર થી વિશ્વાસ ઉઠી ગયો. અમુક લોકો તો અંશને ગાળો પણ આપવાં માંડ્યાં અને સાથે કહેતાં પણ કે “આવા સંતાન કરતાં તો નિઃસંતાનપણું સારું કહેવાય”…

આજે શનિવાર હતો, રાકેશભાઈ અને મિતા બહેન ભક્તિમાં તલ્લીન હતા, ત્યાં જ ધમપછાડા કરતો અંશ આવ્યો અને કહેવાં લાગ્યો, “આજથી તમારે આ ભાડાનાં ધરમાં મારી સાથે રહેવાનું નથી, હવે મને તમારા લોકો સાથે ફાવતું નથી, તમને બંન્ને ને આજે જ આપણાં શહેરની વૃધ્ધાશ્રમમાં મૂકી આવું છું”

“અરે, દિકરાં તું જે કહે છે તે અમે માનીયે છીએ, પણ હવે હદ પૂરી થઈ, અમને તારાથી તો અલગ ન કર!!!” રાકેશભાઈ એ કહ્યું

“અમારા પ્રેમની તો કદર કર, અમારાથી એવી તો શું ભૂલ થઈ કે તું અમારાથી અલગ રહેવાં માંગે છે, તને શું થયું છે એ તો જણાવ ન, આમ દિવસે દિવસે બદલાવવાં લાગ્યો છે” મિતાબહેન આંસુંઓ સાથે બોલી ગયાં.

“મને કંઈ થયું નથી, બસ, તમારી સાથે રહેવાંનું મને પસંદ નથી આમ કહી બંન્નેનાં બેગ લઈને બહાર બોલાવેલી રિક્ષામાં મુકી બંન્નેને જબરદસ્તી રિક્ષામાં બેસાડી દીધાં, બિચારા રાકેશભાઈ લાકલીનાં સહારા વિના પડી જતાં બચી ગયાં, અને રિક્ષામાં બેસી ગયાં.

લોકો આ તમાસો જોઈ રહ્યાં હતાં, કોઈક ગાળો દેતું તો કોઈક ખુબ જ રોષે ભરાય ગયું, આજે તો લોકોની નજરમાં “ખોટો સિક્કો” ખુબ જ નીચો પડી ગયો..

અંતે અંશ બંન્નેને વૃધ્ધાશ્રમ મૂકી આવ્યો.

રાકેશભાઈ અને મિતાબહેન “જે થાય એ સારા માટે થાય આમ વિચારી શાંતિથી ભક્તિ કરતાં રહેવાં લાગ્યાં…
એક એક ક્લાક જાણે દિવસો કાઢી રહ્યાં હોય એવો અનુભવ કરી રહ્યાં હતાં. પુત્ર વિરહમાં દિવસો પસાર કરતાં જતાં હતાં, અહીં જરાય ગમતું ન હતું પણ હવે કરે તો કરે શું? રડતાં મુકતા પાંચ દિવસ પસાર થયા હશે ને ધરેથી ફોન આવ્યો કે “જલ્દીથી ધરે આવી જાવ……. …… .. ” અને ફોન કટ થઈ ગયો.રાકેશભાઈ અને મિતાબેન આશ્ચર્ય અને મનમાં અસંખ્ય સવાલો સાથે ધરે પહોંચ્યાં, જઈને જે દ્રશ્ય જોયું એ હચમચાવી નાંખે એવું હતું, પચાસ-સો માણસોનું ટોળું હતું, સૌની અવનવી વાતોથી ધોંધાટનું માહોલ સર્જાયું હતું, રાકેશભાઈ અને મિતાબેનના આવવાથી ધરમાં જવાનો રસ્તો કરી આપ્યો… ધરમાં જતાંની સાથે જ જોયું તો પોતાનો એકનો એક દિકરો અંશ પંખા સાથે દોરડું બાંધી ને આત્મહત્યા કરી લીધી હતી, સૌએ ભેગા મળી દોરડું કાપી અંશની લાશ ને નીચે ઉતારી, રાકેશભાઈ અને મિતાબહેનને તો વિશ્વાસ પણ ન હતો થતો કે અંશ શા માટે આત્મહત્યા કરી હશે, ખૂબ રડ્યાં બંન્ને અને રડે પણ કેમ નહીં એકનો એક દિકરો મોતને ભેટી ગયો. પણ લોકો કહેતાં કે “એ તો ખોટો સિક્કો હતો, શા માટે એના માટે રડવાંનું? એટલાં માટે જ તમે મોટો કર્યો હતો, આજે તમને બંન્નેને એના સહારાની જરુર હતી અને એજ સમયે અંશે તમને વૃધ્ધાશ્રમ મોકલી આપ્યા, નાલાયક પુત્ર હતો તમારો, એના માટે આંસું સારવાનું બંધ કરો”

પણ મિતા બહેન અને રાકેશભાઈને મનમાં એક સવાલ હતો કે કંઈક તો રહસ્ય છે, જે અંશ અમારા બંન્નેથી છુપાવતો હતો, અને અંશ એટલો મજબુત વ્યક્તિ હતો કે એ આત્મહત્યા ન કરી શકે, અંશની લાશ પંખા ઉપર લટકતી બંન્ને એ નજરે સમક્ષ જોયી હોવાં છતાં ગળે ઉતરતી ન હતી.

આમ, છતાં પૉલિસ કેશ થયો, સધળી વિધિ પતાવી અંશનાં મૃતદેહનો ક્રિયાક્રમ પતાવી દીધો. બંન્નેની આંખમાંથી આંસું ઓછા તો ન હતાં થતાં, પણ બંન્ને ની આંખમાં અંશના આત્મહત્યા કરવાંનું કારણ અને બંન્નેને વૃધ્ધાશ્રમમાં મોકલવાંનું રહસ્ય અકબંધ હતું, બંન્ને એ જાણવું હતું. ધરની અંદર તપાસ કરતાં બંન્ને ને એક ફાઈલ મળી આવી. જે એક પ્રતિસ્થિત હૉસ્પિટલની હતી, બંન્ને એ લઈને હૉસ્પિટલ પહોંચ્યાં, ત્યાં જઈને ડૉક્ટરને વાત કરી અને ફાઈલ બતાવી, ત્યારે ડૉક્ટરે ક્હ્યું કે આ વ્યક્તિ અહીં ધણાં સમયથી આવે છે, હું આ અંશને પર્સનલી ઓળખું છું, છેલ્લાં બે વર્ષથી એ કૅન્સરની જીવલેણ બિમારીથી પિડાતો હતો, કૅન્સરની બિમારી છેલ્લા સ્ટેજ ઉપર હોવાથી હું ફક્ત દવા દ્વારા તેને જીવડાવી રહ્યો હતો, એની પાસે ધણાં ઓછા દિવસો બચ્યાં હતાં, અને હા અંશ હંમેશા કહેતો કે આ વાત ગૃપ્ત રાખશો.
આ વાત સાંભણતાં જ રાકેશભાઈ અને મિતાબહેનની આંખમાં આંસું આવી ગયાં.

“આપણને જાણ પણ ના કરી, લોકોનું કેટકેટલું સાંભણતો રહ્યો, આપણે પણ આપણાં દિકરાંની તકલીફ સમજી ન શક્યાં” મિતાબહેન રાકેશભાઈનો હાથ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગ્યાં.

“અંશ વિશે લોકો કહેતાં હતાં કે એ ખોટો સિક્કો હતો, પણ અંશને ખબર હતી કે મારા માતા-પિતા પાસે પોતાનું ધર નથી, અને આપણને ખુશ જોવા ઈચ્છતો હોવાથી આપણને વૃધ્ધાશ્રમમાં મોકલી આપ્યાં” રાકેશભાઈ પણ આંસું રોકી ના શક્યાં.

“ખરેખર તમારો અંશ ખોટો સિક્કો ન હતો, મારી પાસે આવી ને ફક્ત તમારી ખુશીઓ વિશે વાતો કરતો, ભગવાન અંશની આત્માને શાંતિ આપે.” ડૉક્ટર સાહેબે કહ્યું.

રાકેશભાઈ અને મિતાબહેન લાકડી નાં સહારે હૉસ્પિટલમાંથી ધરે ગયાં અને ત્યાંનાં ભાડાંનાં ધરમાંથી અંશની તમામ જરુરી ચીજવસ્તુઓ લઈ વૃધ્ધાશ્રમ જવા નિકળી ગયાં….

લેખક :- કુંજ જયાબેન પટેલ , બારડોલી

વાર્તામાંથી જ ક્યારેક જીવન જીવવાની પ્રેરણા મળી જતી હોય છે…વાંચો આવી અસંખ્ય પ્રેરણાદાયી વાર્તાઓ અમારા પેજ પર ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *