“ખુદા જબ દેતા હૈ તો…”
ચાર ઘરનું કચરા-પોતા અને વાસણ ઉટકવાનું કામ પતાવી શારદા જયારે બપોરે સાડા બાર વાગ્યે ઘરે પાછી ફરી ત્યારે ચારેય છોકરાવ ભૂખ્યાંડાંસ બેઠા હતા જેવી શારદા ઘરે આવી કે ચારેય બાળકો એને વીંટળાઇ વળ્યા: “મમ્મી ખૂબ ભૂખ લાગી છે તું જલદી ખાવાનું બનાવને! હવે તો રહેવાતું નથી…’
અગિયાર વરસની મોટી દીકરી પારૂલે કહ્યું, ‘મમ્મી ઘરમાં નાસ્તો પણ નથી અને ભઇલો કયાનોય રોવે છે નાની દીકરી મનીષા પૂછી રહી, “ મમ્મી રાતનું કાંઇ વધ્યું નથી?
સવારનાં સાત વાગ્યાંમા દફતર પેટી તૈયાર કરી સ્કૂલે મોકલી દીધેલા ચારેય છોકરાવ બાર વાગે સ્કૂલેથી છૂટીને ઘરે પહોંચી ગયા પછી ખાવાનું શોધતા હોય છે છોકરુ સાત થી બાર વાગે સુધી શારીરિક અને માનસિક શ્રમ કર્યા પછી ભૂખ્યું થાય જ! પણ ઘરમાં કશું જ હોતું નથી. ચાર ઘર માંથી બે ઘર એવા છે કે ક્યારેક એ લોકો નાસ્તો કરવા બેઠા હોય અને ઠામ-વાસણ કરવા શારદા ત્યાં પહોંચી હોય પછી નાસ્તાની એક ડિસ શારદાને અંબાવે છે શારદાએ નાસ્તો એ લોકોની નજર ચુકાવીને પ્લાસ્ટીકનાં ઝભલાંમા નાખી સાડલાની બેવડમાં સંતાડીને ઝભલું કમરે ખોસી દે છે બીજે દીવસે સ્કુલે જતાં ચારેય બાળકોનાં નાસ્તાનાં બોકસમાં ભરી આપે છે…કયારેક વળી મમરાની થેલી લેતી આવે છે એમાં ચપટી સેવ નાખી આછુ પાતળુ વધારી નાસ્તાનો ડબ્બો ભરી દે છે…!પણ હંમણાથી એ પણ થતું નથી ચારેય ઘરનાં થઇને પંદરસો રૂપરડીનો પગાર આવે છે એમાં શાકભાજી, કરીયાણુ, લાઇટ બિલ ઘરનું ભાડુ…કોના દેવા અને કોના બાકી રાખવા?
એ ચારેય બાળકોનાં ચેહરા સામે તાકી રહી નાનો દીકરો પૂછે છે. “ મમ્મી કયારેક તો તું બરફી, ટોપરા પાક કે ચેવડો, પેંંડાય નાસ્તામાં આપે છે અને કયારેક લંચ બોકસ સાવ ખાલી મૂકી દે છે રીશેસમાં અમે લંચ બોકસ ખોલીયે અને ખાલી નીકળે ત્યારે અમને કેવું રડવું આવે છે? શા માટે આવું કરે છે મમ્મી? બોલને-“
“શુ બોલુ?” શારદા આ પ્રશ્ન જાતને કરે છે અને એનું કાળજું રડી ઉઠે છે એ કશું બોલી શકતી નથી વારાફરતી ચારેય છોકરાવનાં માથામાં વ્હાલથી હાથ ફેરવતી રહે છે નાનો પૂત્ર પૂછે છે, “મમ્મી, કંઇક ખાવાનું લાવી કે?
આંસુ સભર આંખો ઓસરીની આસપાસ ફરી વળી જયા એક કપડા સીવવાનો એક સંચો હતો પણ ભાગ્યું તૂટ્યું ટેબલ ખાલી હતું ટેબલ ઉપર બેસનારો તો કોણ જાણે સાધુઓની કઇ જમાતમાં ફરતો હશે કોને ખબર? દસ દીવસ વીતી ગયા છે પણ ધણીનો પતો નથી અને કદાચ હોય તોય શું ફેર પડવાનો હતો? ટાઇમ થાય એટલે બે ટંકની જમવાની થાળી માગી લે છે માંની સ્થિતીને દીકરી પારખી લે છે પારૂલ પછી, શારદાનો હાથ પકડીને પૂછે છે “ મમ્મી-પપ્પા ! કયારે આવશે?“
પીડા અંતે ગુસ્સો બનીને ઘસી આવી: “તારો બાપ જાય છે ત્યારે કહીને નથી જતો જ્ણ્યાની જંજાળ આદરીને એતો છૂટો થઇ ગયો અને મારી ડોકે ધૂસરી બાંધતો ગયો, વેઠની વૈતરણી તો મારે પાર કરવાની રહી તમે બધા કટકે કટકા કરીને મને પૂરી કરી નાખો સંમજ્યા?”
બાળકો શારદાનાં રોદ્ર સ્વરૂપ જોઇને ડઘાઇ ગયા પોક મૂકીને શારદા રડી પડી શારદાનાં આજનો રડવાનો અવાજ હૈયાને ફાડીને આવ્યો હતો દીવસો, નહી પણ વર્ષોની પીડા આક્રદ કાળજુ ચીરીને આજે આવતું હતું પડખે રહેતાં શાન્તામાં દોડીને આવ્યા: “અરે’ શું થયું શારદા?”
ઉભડક પગે બેસીને રડી રહેલી માં સામે ચારેય છોકરાવ શિંયાવિયા થઇને ઉભા હતા શાન્તામાં એ પળમાં પરિસ્થિતી માપી લીધી ચારેય છોકરાને પોતાનાં ઘરે લઇ ગયા એ પણ એવાં સુખી નહોતાં દીકરો હીરા ઘસતો હતો મહીને દહાદે 3;4 હજારનું કામ કરતો હતો ચાર થાળી પીરસીને ગરમ ગરમ બાજરાનાં રોટલાનાં અડધા અડધા ચાર ફાડીયાની સાથે ગોળ આપી દીધો ચારેય ભૂખ્યાજીવ ભૂખ સંતોષવા લાગી ગયાં
કોઇનો કોમળ હાથ પીઠને અડ્યો ત્યારે શારદા પડખું ફરી. નાનો દીકરો પીઠ ઉપર હાથ ફેરવતો કહી રહ્યો હતો. ‘ મમ્મી, તું ચિંતા નહી કરતી અમે શાંતાબાને ત્યાં જમી લીધું છે.’ આટલું કહીને બાળકો રમવા લાગી ગયા બાળકોને જોઇને ફરીવાર એની આંખમાં આંસુ ઘસી આવ્યા. શારદા સ્વરૂપવાન, નમણી અને સુંદર હતી એને માટે એક કરતા એકવીસ મુરતિયા તૈયાર હતા પણ એ સમયે મુંબઇથી દરજીકામ શીખીને આવેલો ધનરાજ ન્યાતમાં ઘરે ઘરે ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. કોઇ એવા ચોઘડિયે શારદાનાં બાપુજીએ, પોતાની દીકરીનું માગુ નાખ્યું. શારદા ધનરાજ આગળ રજૂ થઇ અને મુંબઇમાં ફૈબાને ત્યાં રહીને દરજીકામ શીખતા શીખતા ધનરાજને પોતાની વૈજયતિમાલા શારદામાં દેખાણી. એણે હા પાડી એટલે આવો મોકો ચૂકાય નહીં એ હેતુથી જ ‘ચટ મંગની પટ બ્યાહ’ કહેવત અનુસાર શારદાને સાસરે વળાવી દીધી. ન જોયું ઘર કે ન જોયો વર! લગન પછી ખબર પડી કે ધનરાજમાં ‘મુંબઇ બ્રાન્ડ દરજીકામનો કારીગર’ સિવાય કોઇ લાયકાત નહોતી. મોડે સુધી કોઇ મંદિરે ચાલતા ભજનમાં મસ્ત થઇને બેસી રહેવું અને અડધી રાત્રે ધરે આવીને મોડે ઊઠવું, ચા પી, તમાકુ ચડાવી, એકાદ બુશકોટને બાંય ચડાવી, અંડધો પડ્ધો સીવી સૂઇ જવું. વળી કોઇ બાવા સાધુની જમાતમાં ચાલ્યાં જવું…ઘરે ફૂલ જેવી પરણેતર પતિની અડધી રાત સુધી રાહ જોઇને ફળફળતો નિ:શ્વાસ નાખીને સૂઇ જતી. કયારેક પતિ નામનાં સુખનાં બે-ચાર છાંટા ચાખવા મવ્યા. બાકી તો, એ, એની મસ્તી, જમાત અને ગાંજાનું બંધાણ! ગાડુ છ મહિનાં સરખું ચાલ્યું બાકી તો, પતિ પંદર દીવસે બે-ચાર રાત્રી પૂરતો ધરે આવતો! લઘર વઘર કપડાં, ચડી ગયેલી દાઢી….શારદા રડી પડતી પણ અત્યાર સુધી બાપને કશી વાત નહોતી કરી. આમને આમ ચાર સંતાનો થઇ ગયા, પણ એની પરવરિશ કરવાની એક બાપને કયાં તમા હતી? એ તો પડ્યો રહેતો ગીરનારની ગુફામાં ડુંગરોની કોઇ કંદરામાં…!
વર્ષો વીતતા ચાલ્યા. હતા એ બધા છૂટી ગયા. મુંબઇથી લાવેલા સંચો, શારદાની આંખોનાં સપનાનો સાક્ષી બની રહ્યો. અંતે થાકીને ચાર ઘરનાં વાસીદા કરવા લાગી.’ સતત ગરીબાઇ… અભાવ… શારદા, શાંતાબા આગળ રડી પડતી.
એક દીવસ શાંતાબા સમાચાર લાવ્યા: ‘બેટા, શારદા. દેરાસરવાળી શેરીમાં એક માજીને ચોવીસ કલાક કામવાળાની જરૂર છે. ચારેય છોકરાવ મુંબઇ છે. માજી એકલા છે. રૂપિયા ત્રણ હજાર આપશે. પગાર ઉપરાંત તારા છોકરાનું પેટ પણ ઠારી શકાશે.’ અને પહેલી તારીખથી એ ત્યાં જવાં માંડી. ઘર વિશાળ, જુનવાણી હતું. ઉપર-નીચે ચાર ચાર ઓરડા હતા પણ મૂળતો માજીને બે ટાઇમ જમાડવા પૂરતું જ હતું. બચપનથી જ મા ગુમાવનાર શારદાને જાણે માં મળી ગઇ. હવે તો એનાં છોકરા માટે પણ માજી અહીંથી જ જમવાનું ટિફિનમાં ભરીને લઇ જવાનું કહેતા. ધીરે ધીરે માં-દીકરી જેવી માયા બંધાઇ ગઇ…
એકવાર અમદાવાદથી માજીની એકની એક દીકરી માતાને મળવા આવી પણ અઠવાડિયું રોકાઇને જયારે એ પાછી વળી ત્યારે શારદાને બાંથ ભરીને રડતી રડતી કહેતી હતી. ‘આવતે ભવ મને માં તરીકે તો એ જ મળે, પણ ભગવાન મને એક બહેન આપે, એં તું જ હો..’ અને ગઇ ત્યારે એક હજાર એક રૂપિયા છોકરાનાં અભ્યાસનાં ખર્ચ પેટે આપતી ગઇ. દીવસો પસાર થવા લાગ્યા. છોકરા મોટા થવા લાગ્યા. કયારેક શાન્તાબા મળતા ત્યારે, હળવી થયેલી શારદાની આર્થિક પરિસ્થિતી જોઇને રાજી થતાં ધનો હવે ગંજેરી બની ગયો હતો. કયારેક આવતો અને ચાલ્યો જતો!
એવામાં એક ઘટના ઘટી. એક લગ્નપ્રસંગે એક રાત પૂરતું બહાર જવાનૂ શારદાને થયું અને રાત્રે પેશાબ પાણી કરવા ઊઠેલા માજી ફર્શ ઉપરથી પડ્યા. થાપાનું હાડકું તૂટી ગયું. કોઇએ સમાચાર આપ્યા એટલે શારદા દોડતી આવી. દવાખાનામાં દાખલ કર્યા. દીકરી-જમાઇ આવ્યા પણ છોકરા ન આવ્યાં. ઓપરેશનથી થાપાનાં હાડકામાં પ્લેટ બેસાડી. શારદાએ સારવારમાં જીવ રેડી દીધો. ખભાનો ટેકો આપીને અઢી મહીને માજીને ચાલતા કરી દીધા.
એક દીવસ શારદાને બાથમાં લઇને માજીએ કહ્યું: ‘મારી સગી દીકરી કે વહુ પણ આટલી સેવા ન કરી હોત બેટા, એવું તે કયું ઋણ આપણી વચ્ચે પરભવનું રહ્યું હશે કે, આ ભવે આપણે મળવાનું થયું?” જવાબમાં શારદાએ આકાશ તરફ ઊચી આંગણી કરીને કહ્યું: ‘મારે પણ માના પ્યારનો લ્હાવો લેવો હતો! કદાચ તું ન મળી હોત તો હું પણ આ ભવે તરસી જ રહી હોત !’
અચાનક, એક દિવસે માજીએ આંખો મીંચી દીધી. ચિર નિંદ્રામાં પોઢી ગયા શારદા ધ્રુસકે ધ્રુસકે રડી. ચારેય પુત્રો આવ્યા. બાર દિવસ લૌકિક વ્યવહાર અને વિધિવિધાનમાં વીતી ગયા. બારમાં દિવસે વકીલની હાજરીમાં માજીનો કબાટ ખોલાયો. અંદરથી ફીક્સ ડિપોઝિટની રસીદો અને એક બંધ કવર નીકળ્યું ચારેય ભાઇઓએ બહેન-બનેવીની હાજરીમાં કવર ખોલ્યું તો અંદરથી વિલ નીકળ્યું. વકીલે વિલ વાંચ્યુ અને ઉપસ્થિત સગાવહાલાની આંખો આશ્રર્યથી પહોળી થઇ ગઇ. એકાવન હજાર રૂપિયા રોકડા સગી દીકરીને અને એકાવન હજાર રૂપિયા રોકડા શારદાનાં ચારેય છોકરાને માજીએ આપ્યા હતા. બે માળવાળું ‘નાણાવટી ભૂવન’ માજીએ પોતાની દીકરી ગણીને શારદાને આપ્યું!
પંચોતેર લાખની બજાર કિંમતનું ‘નાણાવટી ભૂવન’ શારદાએ લેવાની ના પાડી ત્યારે માજીનાં ચારેય દીકરાઓએ ખાનદાની ખખડાવતા કહ્યું: ‘નહી બહેન, હવે ના નહી પાડતી. નહીંતર બાના આત્માને દુ:ખ લાગશે…’ અને મકાનનાં કાગળિયા હાથમાં લેતી વખતે શારદા રડી રહી હતી ત્યારે ફોટામાં, માં, મીઠડુ હસી રહી હતી!