કાશ! આવુ ના થયું હોત (સત્યઘટના) – વાંચવાનું ચૂકશો નહિ !

આજે જીંદગીનો મહત્વનો દિન હતો, કાલે હું અને મારી એ ખાસ મિત્ર સિનેમા જોવા સાથે જવાના હતા પણ…જે આપણે અપેક્ષા રાખી હોય એ મળે એ નક્કી હોતું નથી.

આ પ્રેમ ની શરૂઆત તો એક તરફી હતી. જયારે કોલેજનો પહેલો દિવસ હતો ત્યારે મને બરાબર યાદ છે કે હું રસ્તા પરથી કોલેજ તરફ આવી રહ્યો હતો અને તે સ્કૂટર લઈને મારી સામેની બાજુથી આવી. મારી બાઈક અને એના સ્કૂટરની પહેલી મૂલાકાત થઈ….”ધડામ” દઈને જ સ્તો! અને, અમારા વચ્ચે? – બીજું શું હોય! – અથડામણ કે એવું જ કંઈક!

પણ, એ અથડામણ આગળ જતા પ્રેમમા બદલાઈ જશે એ કોઈ ને પણ ખબર ન હતી. કોલેજમાં જયારે સામે મળીએ ત્યારે એ મારી સાથે એક્સિડન્ટ વિશેની જ વાતો કર્યા કરતી અને મને સંભળાવવાનો એક પણ મોકો જવા ના દેતી. અને, હું ફક્ત એને ટગર ટગર જોયા જ કરતો. આ અથડામણ હતી તો બાઈક અને સ્કૂટરની પણ સમય જતાં તે અમારા દિલો ની અથડામણ બનીને રહી ગઈ. ધીમે ધીમે એ બધું ભૂલી ગઈ અને અમે પાકા દોસ્ત બની ગયા. પણ, તમારા કાનમાં હળવેથી સાચું કહું તો, દોસ્ત નહીં પણ અમે એના કરતા વધારે હતા. હું તેને કેટલો પ્રેમ કરતો એ કેવી રીતે કહુ એને – બસ એ જ વિચારો મગજમાં ઘૂમરાયા કરતાં!

અમે સાથે કલાસરૂમ બેસી આખો આખો દિવસ વાતો કરતાં. અમે સાથે ખૂબ મસ્તી કરતાં. એક દિવસ એવો ન હતો કે અમે એકબીજા વિના પસાર કર્યો હોય. દિવસ હોય? – રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી વૉટ્સએપના માધ્યમથી ભેગા ને ભેગા! આમ ને આમ, અમારા કોલેજના ૨ વર્ષ પૂરા થઈ ગયા. પણ, હું એને પ્રપોઝ કરવાની હિંમત ન જ કરી શક્યો! એને કેવી રીતે કહું કે તું મારી દોસ્ત નહીં, પરંતુ એના કરતાં વધારે છો!

એક દિવસ સ્વપ્નમાં મને આવ્યું કે કોલેજ પૂરી થઈ ગઈ અને એ મારાથી દૂર થઈ ગઈ. આ ભયંકર સપના એ મારી નિંદર ઊડાડી દીધી અને મારા દિલમાં મક્કમ નિર્ધાર જગાવ્યો કે હવે નહીં તો ક્યારેય નહીં. પણ કેવી રીતે કહીશ એ વાત મગજમાં આવતાંવેંત જ એક બાહોશ સૈનિકને બદલે મિયાં ફૂસકી એ મારા ખોળિયામાં પ્રવેશ કરી લીધો!

શું એને મેસેજ માં દિલની વાત કરૂ? એને હું શું કહીશં? મારા મનની વાત એ કઈ રીતે લેશે? એને મારી વાતનું ખોટું તો નહીં લાગે ને? – આવા અનેક વિચારોએ મારા દિલો-દિમાગ પર કબ્જો મેળવી લીધો હતો.

એવામાં, એકાએક વિચાર આવ્યો કે મૂવી જોવાના બહાને એને બધી વાત કરી લઈશ. આ વાત મે તેને કરી. તેણે કહ્યું કે, “ભલે આપણે જશું”. આ ત્રણ શબ્દો એ મારી અંદર એક નવી જ ચેતના ભરી દીધી હતી. – આ વાત અમારી સોમવારે થઈ હતી અને મૂવીમાં અમારે શનિવારે જવાનું હતું.

બસ હવે શનિવારે આવે એટલી વાર છે! મારી માટે એ એક મહત્વની તક હતી કે જે હું કોઈ પણ ભોગે જવા દેવા માંગતો ન હતો.

આ માટે મે અગાઉથી મૂવીમાં જવાની ટીકીટ બૂક કરી નાખી હતી. ઘટમાં ઘોડા થનગનતા હતા કે “કયારે શનિવારનો દિવસ આવે ને હું એને મારી દિલની વાત કરૂ!!”

બસ, હવે એક જ દિવસની વાર હતી. આજે શુક્રવાર હતો અને કાલે શનિવાર. પણ, આ એક દિવસ પણ બહુ મોટો લાગવા લાગ્યો જાણે વર્ષો ના વર્ષો થઈ ગયા હોય તેવું લાગવા લાગ્યું હતું. રાત્રે એના મેસેજની રાહ જોતા જોતા એવું લાગ્યું કે જાણે આવતીકાલે મારી પરીક્ષાનું પરિણામ ન આવવાનુ હોય! સાચું કહું તો એના કરતાં પણ વધારે ચિંતા થવા લાગી હતી.

મારી સવાર તો રોજ સવાર ના ૬ વાગે થાય, પરંતુ આજે કંઈ ખાસ હતું – આજના દિવસે મારે માટે રાત્રે ૧૨ વાગ્યાનો સુમાર પણ સવારના ૬ વાગ્યા બરાબર હતો. આંખમાં નિંદર જ ન હતી. આજે તો એનો વૉટ્સ અપ મેસેજ આવશે ત્યારે અમે નક્કી કરી લઈશું કે કાલે કેટલા વાગે ધેરથી નીકળવુ અને ક્યાં મળવું. સિનેમા ની ટીકીટ તો મે અગાઉ થી જ લઈને રાખેલ હતી એટલે એની કોઈ ઉપાધિ ન હતી.

રોજ, અમે રાત્રે ૧૨ થી ૩ વાગ્યા સુધી વાતો કરતા પણ આજે એવું ન થયું. એ ઑન લાઈન પણ ના આવી. મારા મનમાં ખોટા-ખોટા વિચારો આવી રહ્યા હતા, “શું થયું હશે? , કેમ સાદા મેસેજનો પણ જવાબ નથી આપતી? શું એના પપ્પાને કે ભાઈને કાઇ ખબર પડી ગઇ હશે?” વગેરે વગેરે.
મનને શાંત કરવા, મૂવી ચાલુ કરી. મને થયું કે એના મેસેજની રાહ જોવા કરતા મૂવી જોઈને મન શાંત કરું. પણ, હું ખોટો હતો. એ મૂવી પૂરી થવા માં હવે ૧૦ મિનિટ બાકી હતી – એ ૧૦ મિનિટમાં મારા મનમાં હજારો વિચારો દોડી રહ્યા હતા.

આમ, વિચારમાં ને વિચારમાં રાતના ૪.૪૫ વાગ્યા. પછી જાણે મનને શું થયું એ ખબર ના પડી. જે સવાલ મારા મનમાં હતા એના આપોઆપ જવાબ મળવા લાગ્યા- “કાલે સવારે વહેલા જવાનું હશે તો એ વહેલા સૂઈ ગઈ હશે. એને ઘરનું કામ કર્યુ હશે તો થાકી ગઈ હશે અને વહેલા જાગવા માટે વહેલા સૂઈ ગઈ હશે.” વગેરે વગેરે. આમ, આ વિચારો કરતો કરતો स्वप्न મા ખોવાઈ ગયો. જયારે આ स्वप्न માંથી હું નીકળ્યો ત્યારે સવાર થઈ ગઈ હતી.

મારા પાકીટમાં મૂવી ટીકીટ જોઈ અને મનમાં પોઝિટિવ વિચારો આવવા લાગ્યા, ” બસ! હવે આજે તેના વિશે હું જે વિચારૂ છું તે હું કહી જ દઈશ!” આ મક્કમ વિચાર કરતો કરતો તૈયાર થઈ ને કોલેજમાં ગયો અને તેની રાહ જોવા લાગ્યો. મૂવીનો સમય ૧૦ વાગ્યાનો હતો. કોલેજમાં ૯ વાગે પહોંચી ગયો હતો અને ગેટ પર ઊભો રહીને એની અથવા એના કોઈ મેસેજ ની વાટ જોવા લાગ્યો. ૯ઃ૪૫ એ મેં તેના નંબર પર કૉલ પણ કર્યો. તેણે કૉલ તથા મેસેજ ના કોઈ જવાબ ના આપ્યાં. મને હવે ચિંતા થવા લાગી કે ક્યાંક એને કંઈ થઈ ના ગ્યું હોય! – ક્યાંક એનો ફોન ના બગડી ગ્યો હોય! વધુ વિચારવા કરતા સિનેમા તરફ જવા માટે હું બાઈક લઈને નીકળી પડ્યો. મને થયું કે ત્યાં તે મારી રાહ ના જોતી હોય!

એવામાં બરાબર ૯.૫૯ એ મને મેસેજ આવ્યો – “માફ કરી દે મને. હું મૂવી જોવા નહીં આવી શકું, માફ કરી દે મને પ્લીઝ”

બસ આ એક મેસેજે મારા મનનાં બધા જવાબને ૧ સેકન્ડ માં ખોટા પાડી દીધા!
મેં ધ્રૂજતા હાથે અને અશ્રુભરી આંખે તેને કૉલ કર્યો ત્યારે એણે વાત કરી. મેં પૂછ્યું, “શું થયું?” તેણે કહ્યું કે “પપ્પા – મમ્મી બહાર ગયા છે – સોરી યાર !”

હું – કૉલેજ ના બહાને આવ ,
એ – ભાઈ ઘરે નથી અને સ્કૂટર લઈ ગયો છે નહી આવી શકું.

હું – રિક્ષામાં આવ
એ – નહીં આવી શકુ- માફ કરી દે!

કૉલ કપાઈ ગયો!
હેલો હેલો હેલો……..!

એણે કંઈ પ્રયાસ જ ના કર્યો આવવાનો. હું વિચારું છું કે “જો આ વાત મે એને પહેલાં જ કરી દીધી હોત તો? – ફર્સ્ટ યરમાં જ અથવા તો બીજી કોઈ રાતે વૉટ્સ અપ પર વાત કરતા કરતા! તો? – આ “તો”ના હજારો જવાબ હોઈ શકે. પણ, અત્યારે તો હું ફક્ત એટલું જ વિચારું છું કે, “કાશ! આવું ના થયું હોત!”

– સત્ય ઘટના

લેખક – ધવલ ડી. ઝાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *