”રંગારો ક્યાં ગયો? એને જલ્દી અહીં બોલાવો, હજુ અંદર તો રંગરોગાન બાકી પડ્યું છે…… મોહિત, જરા જોઇ લે તો મહેમાનોને આપવાની ભેટનું શું થયું?…… કોને કોને આમંત્રણ આપવાનું છે એનું લિસ્ટ બની ગયું? લાવ તો જરા જોઈ લઉં….” ગીરીશભાઈ હુકમો પર હુકમો છોડયે જતાં હતાં. તેમની એકની એક દીકરી પ્રાચી ના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી..
પ્રાચી ને કોઈ સગો ભાઈ તો હતો નહીં, તેથી ગીરીશભાઈ પર જવાબદારીનો પહાડ હોવું સ્વાભાવિક હતું. હા, તેમના બે ભત્રીજાઓ મોહિત અને દેવ તેમની સાથે દરેક કામમાં ખડેપગે રહેતાં, પણ આખરે તો બાપનો જીવ ને ! જાતે જ બધું કર્યા વગર સંતોષ ન થાય.
”કાકા, આ લો કંકોતરી… બસ્સોનો સેટ આવ્યો છે, બાકી સાંજ સુધી આવી જશે. જરા ચેક કરી લો.” ગીરીશભાઈને હાથમાં એક કંકોતરી આપતાં દેવે કહ્યું. ગીરીશભાઈએ કંકોતરી લીધી, અને બાજુના સોફા પર બેસી તપાસવા માંડ્યા. એક એક પ્રસંગ, એક એક અક્ષર તેઓ ધ્યાનથી જોઈ રહ્યા હતાં. લાડકીના લગ્ન હતાં, નાનકડી ભૂલની પણ કોઈ જ ગુંજાઈશ ન રહેવી જોઈએ.
ટ્રિન્ગ…. ટ્રિન્ગ….. ટેબલ પર પડેલો ટેલિફોન રણક્યો. ગીરીશભાઈએ કંકોતરી જોતાં જોતાં જ રિસીવર ઉપાડ્યું. ”હેલ્લો, હિતેન માણેક બોલું છું. શું આ ગીરીશના નંબર છે?..” સામેથી એક પરિચિત અવાજ સંભળાયો. ”અરે, હિતેન….. હિતીયા… કેમ છો યાર ? ક્યાં છો ? શું કરશ ? ઘણા દિવસ પછી મિત્રની યાદ આવી હેં !” ગીરીશભાઈએ હાય- હેલ્લોનો વિવેક કર્યા વગર જ સામેવાળાને મીઠો ઠપકો આપ્યો.
”એલા, જરા શાંતિ રાખ. બધું કહું છું.”
હિતેનભાઈએ જવાબ વાળ્યો. એના પછી સતત અડધા કલાક સુધી બંને વચ્ચે વાતચીત થઇ. હિતેનભાઈનો એડ્રેસ લઈને, નવરાશમાં ફોન કરવાનું વચન આપીને ગીરીશભાઈએ ફોન મૂક્યો. આજે તેઓ ખુશ હતાં. કેટલાં વર્ષો પછી હિતેનભાઈથી વાત થઇ હતી, અને એ પણ સાવ અણધારી રીતે !
ગીરીશ જોશી અને હિતેન માણેક એટલે વાસ્તવિક જીવનનાં ‘જય- વીરુ’ . બંને બાળપણથી જ સાથે ભણતા આવ્યા હતાં. છેક કોલેજ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. કોલેજ કરીને ગીરીશભાઈએ બાપ-દાદાનો ધંધો સંભાળ્યો અને હિતેનભાઈએ ખાનગી નોકરી સ્વીકારી. બંનેના લગ્ન લેવાયાં. ધીમે ધીમે પોત-પોતાનો સંસાર સંભાળવામાં મુલાકાતો ઓછી થતી ગઈ, અલબત્ત દોસ્તી તો એવી ને એવી રહી.
એક દિવસ ગીરીશભાઈ પોતાની ઓફિસે કામ કરતાં બેઠા હતાં. હિતેનભાઈ તેમની કેબિનમાં પ્રવેશ્યાં. જરા ચિંતાતુર લાગી રહ્યા હતાં. ”આવ આવ હિતીયા… આજે ચહેરા પર કેમ બાર વાગ્યા છે? ભાભી સાથે ઝગડો થયો કે શું?” ગીરીશભાઈએ મજાકના સ્વરમાં પૂછ્યું. હિતેનભાઈએ કંઈ જવાબ ન આપ્યો. તેઓ ખુરશી પર બેઠા. ”ભલા માણસ, કંઈક બોલ તો મને ખબર પડે. કોઈ તકલીફ છે?”
”ના… હા… હવે તારાથી શું છૂપાવું યાર. વાત એમ છે કે મને અમેરિકાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોડાવાનો કોલ લેટર મળ્યો છે.”
”અરે, તો એમાં દિવેલ પીધેલાં જેવો ફરવાની શું જરૂર છે? ઉપડવાની તૈયારીઓ શરુ કરી દે.”
”ના, એવું નથી.”
”તો ? કાકા- કાકી ના પાડે છે ? ચલ, એમને સમજાવવાની જવાબદારી મારી.”
”એમને હજુ મેં કીધું નથી, જોકે એ લોકો માની જ જશે.”
”તો પછી શું વાંધો છે? કંઈક ખોલ આપ તો ખબર પડે.”
”પાસપોર્ટ, વિઝા અને ત્યાં બધી સગવડ કરવા માટે પચાસેક હજાર રૂપિયાનો ખર્ચો થશે. અહીં હજી લગનનાં લેણાં બાકી બોલે છે, ત્યાં આવડી મોટી રકમનો મેળ ક્યાંથી થશે?” હિતેનભાઈના ચહેરા પર નિરાશા સ્પષ્ટ વર્તાતી હતી.
”બસને, આટલી જ વાત? એમાં મૂંઝાવાની શું જરૂર છે!..” કહીને ગીરીશભાઈએ મુનીમને બોલાવીને તરત બે લાખ રોકડા ગણીને આપી દીધાં. હિતેનભાઈએ આનાકાની કરી, પણ આખરે તેમણે ગીરીશભાઈના આગ્રહને વશ થવું પડ્યું. પૈસા સ્વીકારતી વખતે તેમની આંખોમાં આંસુ હતાં.
”ગીરીશ, હું આખી જિંદગી તારો અહેસાનમંદ રહીશ. જેમ બને એમ જલ્દી તને પૈસા પાછા આપી દઈશ મિત્ર.” ”હા હા, કોઈ જ જલ્દી નથી. નહીં આપે તો પણ ચાલશે. માત્ર એક શરત માનવી પડશે.”
”અરે હજાર માનવા તૈયાર છું.. બોલ તો ખરો”
”પેલા તો તારી આ નવી નોકરીના માનમાં હું મીઠાઈનો મોટો બોક્સ લઈશ, અને હા અમેરિકા જઈને મને રેગ્યુલર ફોન કરવો પડશે.. બોલ મંજૂર?” ”જો હુકુમ…” જીતેનભાઈએ ગીરીશભાઈને બાથમાં લઇ લીધા.
થોડા દિવસો પછી જીતેનભાઈ અમેરિકા ઉપડી ગયાં, તેમના ગયા પછી સૌથી વધી દુઃખી ગીરીશભાઈ હતાં, જોકે પોતાના જીગરજાન દોસ્તની સફળતાની ખુશી પણ હતી.
”સાંભળો છો? ક્યાં ખોવાઈ ગયાં? આ જુઓ, કંકોતરીમાં ભૂલ છે.” ‘ શીલાબેનના અવાજે ગીરીશભાઈને વર્તમાનમાં પાછા ફરવા મજબૂર કર્યા.
”ભૂલ? ક્યાં છે?”
”આ રહી જુઓ.” શીલાબેને આંગળી મૂકીને બતાવતાં કહ્યું. ગીરીશભાઈએ ચશ્મા જરા સરખા કર્યા. વાત સાચી હતી. તેમણે દેવને બૂમ પાડી. દેવ આવ્યો એટલે તેને બધી કંકોતરીઓ લઈને પ્રિન્ટિંગ પ્રેસવાળા પાસે મોકલી દીધો.
”ચલો એક કામ પત્યું. તમે ક્યાં ખોવાયેલા હતા?”
”હિતીયાનો ફોન આવ્યો ‘તો.” ગીરીશભાઈ જરા મુસ્કુરાઈને બોલ્યા. આટલા વર્ષો પછી કોઈ નજીકનું સ્નેહીજન મળે તો ખુશી થવી સ્વાભાવિક છે.
”કોણ? હિતેનભાઈ? ક્યારે ફોન આવ્યો હતો? અત્યારે ક્યાં છે?” સ્ત્રીસહજ આદત પ્રમાણે શીલાબેનથી બધાં સવાલો સાથે પુછાઈ ગયાં. ગીરીશભાઈએ આખી વાત કહી સંભળાવી, પછી ઉમેર્યું ”એને મેં અઠવાડિયું પહેલાં જ આવવાનું આમંત્રણ આપી દીધું છે. ઉપરના ઓરડાની સાફ-સફાઈ કરાવી રાખજો.”
”સારું, હમણાં જ કરાવી નાખું છું.”
પછી તો લગભગ રોજ હિતેનભાઈ સાથે ટેલિફોન પર વાતચીત થતી રહેતી. ક્યારેક તેમનાં પત્ની પણ વાતો કરી લેતાં. આમ તો તેઓ વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા હતા, પણ છેલ્લાં એકાદ વર્ષથી બેંગ્લોરમાં રહેતાં હતા. કોઈક જૂના મિત્ર પાસેથી ગીરીશભાઈના નંબર મળ્યા હતાં.
બધી તૈયારીઓ પૂરી થઇ, સ્નેહીજનોને કંકોતરીઓ અપાઈ ગઈ, અને આખરે લગ્નનો દિવસ પણ નજીક આવી પહોંચ્યો. હવે ગીરીશભાઈને થોડી બેચેની થવાં લાગી. લગ્નના અઠવાડિયા પહેલાં તેમનો ‘હિતીયો’ આવવાનો હતો, પણ હજુ સુધી તો એના કોઈ સમાચાર ન હતા. ત્રણ-ચાર વખત તેમણે ફોન કરવાની કોશિશ કરી જોઈ, પણ લાઈન ડેડ આવતી હતી.
પ્રાચી ને લઇ જવા માટે જમાઈરાજા રંગેચંગે જાન લઇ પધાર્યાં. જાનને વધાવી લીધાં પછી વરરાજા જાનૈયાઓ સાથે પોતાને ફાળવાયેલ ઓરડામાં બેઠાં હતાં. ફેરા શરુ થવાને થોડી વાર હતી. ગીરીશભાઈ બહાર આવ્યાં, છેલ્લી વખત હિતેનભાઈને ફોન લગાવ્યો.. બે-ત્રણ રિંગ પછી આખરે ફોન ઉપડ્યો ખરો ! ”હિતીયા ક્યાં છે તું?
તને ખબર છે કેટલા દિવસથી ફોન કરું છું!” ગીરીશભાઈ વરસી પડ્યાં. સામેથી ઠંડો પ્રતિભાવ મળ્યો. ”મુંબઇ એરપોર્ટ પર છું. યુ. એસ પાછો જઈ રહ્યો છું.” આ તો અકલ્પ્ય જવાબ હતો. ”એરપોર્ટ પર કેમ? ભૂલી ગયો આજે તો તારે પ્રાચીના લગ્નમાં રાજકોટ આવવાનું છે! ચાલ જલ્દી નીકળ ત્યાંથી, ગમે તે ભોગે તું મને અહીં હાજર જોઈએ.”
”ટિકીટ્સ બુક થઇ ગઈ છે, પાછા ફરવું પોસીબલ નથી.”
હવે ગીરીશભાઈનું મગજ છટક્યું. તેમનો અવાજ જરા કરડો થયો. ”કેમ, તને કંકોતરી મોકલી હતી એમાં પ્રાચીના લગ્નની તારીખ ન જોઈ? ફોન પર પણ મેં તને કેટલીય વખત કીધું હતું!”
”તારી મોકલેલી કંકોતરી અમારા સુધી પહોંચી જ નથી. અને ગિરીશ, તું કંઈ નાનો કીકલો નથી. એકની એક દીકરીના લગ્નનું નોતરું ફોન પર ન અપાય ! અમે કાલ સાંજ સુધી વાટ જોઈ, પણ કંકોતરી ન મળી એટલે ટિકિટ બુક કરાવી લીધી. દીકરો અને વહુ પણ હવે ત્યાં પાછા આવી જવાનો આગ્રહ કરે છે.”
ગીરીશભાઈ ગમ ખાઈ ગયાં. વાતને વાળવાનાં આખરી પ્રયત્ન તરીકે તેમણે કહ્યું ”ભલા માણસ, કંકોતરી ક્યાંક પોસ્ટઓફિસમાં અટવાઈ હશે. આપણાં તો ઘર જેવા સંબંધ છે. પ્રાચી તારી પણ દીકરી જેવી જ છે. દીકરીના લગ્નમાં આમંત્રણની જરૂર ક્યારથી પડવા માંડી ?” સામે છેડેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. ” ભાઈ, આપણે સમાજમાં રહીએ છીએ તો એના નિયમોનું પાલન તો કરવું જ પડે ને. કંકોતરી વગર તો આજે સગો ભાઈ પણ લગ્નમાં નથી આવતો, આપણે તો મિત્ર રહ્યા. ચલ, હવે મારી ફ્લાઇટનો સમય થઇ રહ્યો છે. ફરી વખત ઇન્ડિયા આવીશ ત્યારે મળીશું. પ્રાચીને મારા તરફથી અભિનન્દન આપજે. આવજો… ! ”
ફોન કટ થયો. ગીરીશભાઈ જરા વાર તો માની જ ન શક્યાં કે હમણાં તેમણે જેનાથી વાત કરી હતી એ એક સમયે તેમનો જીગરજાન મિત્ર હતો. જયારે નજીકના સગા- સંબંધીઓએ હિતેનભાઈને મદદ કરવાની ના પાડી દીધી હતી, ત્યારે પોતે, પોતાના પરિવારને પણ ખબર ન પડે એ રીતે હિતેનભાઈને એ સમયે બે લાખ જેવી માતબર કહેવાતી રકમ એક ઝાટકામાં આપી દીધી હતી. ગીરીશભાઈ વિચારી રહ્યા હતાં કે આ તેમના ‘હિતીયા’ ની સમાજના નામે મજબૂરી હતી કે આડમ્બર ?
”શું થયું ? કેમ આટલા ચિંતાતુર લાગો છો ?” શીલાબેને પૂછ્યું. ગીરીશભાઈને બહાર નીકળતા જોઈને તેઓ પણ તેમની પાછળ પાછળ આવ્યા હતાં.
”કંઈ નહીં, હિતેનનો ફોન હતો.”
”શું કહ્યું એમણે? હજુ કેમ નથી પહોંચ્યા? ટ્રાફિક નડ્યો કે શું?”
”ના શીલા, આપણાં હિતીયાને…… હિતેન માણેકને ટ્રાફિક નહીં, અહંકાર નડ્યો..” એક અશ્રુબિંદુ ગીરીશભાઈની આંખ પાસે આવીને પડું પડું થઇ રહ્યું, પણ થોડા કલાક બાદની મુદ્દત આપીને ગીરીશભાઈએ તેને આંખોની બખોલમાં પાછું સમાવી લીધું. રખે કોઈ જોઈ જાય! દીકરીના લગ્નની વિધિઓ પતાવવા એ પીઢ દંપતીએ મંડપ તરફ પ્રસ્થાન કર્યું…
લેખક : પ્રતીક ડી. ગોસ્વામી
આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ
વાંચો.. આ સ્ટોરી પર ભુતકાળમાં આવેલી ઉત્સાહવર્ધક કોમેન્ટ્સ –
Saras story chhe, thodi safadta malta j loko hava ma keva avi jay tenu saras drashtant raju karyu
Aa kudarati j chhe…k jyare tamne jarur hoy chhe tyare tame help lo chho…but jarur puri etle tu kon ne hu kon….and ek var paisa nu abhiman aavi jay etle to puru….e pan bhuli jay chhe k mane Mara kharab samay ma kone sath aapyo hato ….
Very nice story
Mane aevu hatu k last ma surprise apse Girish bhai ne…
સરપ્રાઈઝ આપત તો એ કાલ્પનિક થઇ જાત, એટલે મેં વાર્તાને વાસ્તવિક ઓપ આપવાનો પ્રયાસ કર્યો છે
Bav nice story chhe … Safalta Malta j loko na rang keva badlai Jay chhe aenu khub Sara’s ne sachu varnan karyu chhe.. kharekhar duniya ma hitenbhai jeva j loko chhe … Pan toy aa duniya aaje pan girishbhai jeva thi j sundar chhe ….
Saras che pan thodi adhuri lagi
Awesome Story by Pratik Goswami
તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપો.. અને પોસ્ટ ગમી હોય તો અચૂક લાઇક અને શેર કરો..