તમારે મન ભલે ચૈત્રનો જ લીમડો,
પણ અમારે મન તો એ બારેમાસની સંજીવની
ફક્ત ચૈત્ર માસ આવે એટલે આપણ બધામાં લીમડાનું મહત્વ અચાનક લીમડા પ્રેમ ઉગી નીકળે છે
લીમડો તો ખરેખર આપણું ગૌરવ વૃક્ષ છે.
ફક્ત ચૈત્ર માસ આવે એટલે લીમડાના ગુણગાન ગાઈને ચુપ બેસી રહેવું , લીમડાના વૃક્ષ કપાતા હોય તો એને કપાતા જોતા રહેવું અને એનું જતન ન કરવું એ આપણી રીત થઈ ગઈ છે. આગ લાગે ત્યારે કુવો ખોદવાની વૃતિ આજની નથી. છતાં પણ એક વાત કહેવી રહી કે આ લીમડાનો મહિમા ફક્ત ચૈત્ર માસ સુધી જ મર્યાદિત ન રહેવો જોઈએ. લીમડો તો ખરેખર આપણું ગૌરવ વૃક્ષ છે. લીમડો તો આપણી ધરતીનું વ્હાલું સંતાન છે. લીમડો તો આપણા આયુર્વેદનો આધાર સ્તંભ છે.વર્ષ ૧૯૯૧માં દુરદર્શન પર ડૉ. રાહી માસુમ રઝા લિખિત અને પંકજ કપૂર અભિનીત એક સરસ ભાવનાત્મક ટીવી સીરીયલનું પ્રસારણ શરુ થયું હતું “નીમક પેડ” . આ સીરીયલના નામ પરથી જાણી શકાય છે કે આખી સીરીયલના કેન્દ્રમાં લીમડાનું ઝાડનું મહત્વ શું છે તે જાણી અને માણી શકાતું હતું. તમે કદી કલ્પના પણ નહી કરી હોય કે આ ટીવી સીરીયલ જે ઉપન્યાસ પરથી બની છે એ લેખકે એક લીમડાને આખા ઉપન્યાસનો સુત્રધાર બનાવ્યો છે. તમને આખી ઉપન્યાસ એક લીમડો કહે તો કેવું લાગે ? પણ આ હકીકત છે.
આમ તો આપણી આસપાસ રોજ આપણને આ ઉત્તમ વૃક્ષ જેનો સ્વભાવ ભલે કડવો છે પણ એના ફળ મીઠા છે એ સત્ય છે. તમે પાકેલી લીંબોડી કદી ચાખી હશે. તેનો સ્વાદ પણ મીઠો હોય છે. કુદરતે આ વૃક્ષમાં એટલા બધા ગુણ ઠાંસી ઠાંસીને ભર્યા છે કે એનો મહિમા જ અપરંપાર છે. આ લીમડાનું મહત્વ આપણા માટે હરણની નાભિમાં કસ્તુરી જેવું છે. જે આપણી પાસે જ છે પણ આપણને એની મહત્વતાની ઝાઝી ખબર નથી અને ઝાઝી કદર પણ નથી જ. નહી તો આડેધડ કપાતા વૃક્ષોમાં ઘણા વર્ષોનું આયુષ્ય ધરાવતા લીમડાના વૃક્ષો ડેવલપમેન્ટના કોઈ ને કોઈ બહાના હેઠળ કાપી નાખવામાં આવે છે. પણ મોટાભાગે આપણે સત્તા આગળ શાણપણ નકામું એ કહેવત બોલી ચુપચાપ તમાસો જોયા કરીએ છીએ.
એક અફસોસની વાત એ પણ છે કે આપણા આ લીમડાની પેટર્ન માટે અમેરિકાએ દાવો નોંધાવીને આપણો લીમડો આપણો હોવા છતાં આપણો નથી રાખ્યો. ફક્ત ચૈત્ર માસ આવે એટલે આપણ બધામાં લીમડાનું મહત્વ અચાનક લીમડા પ્રેમ ઉગી નીકળે છે. કદાચ એવું પણ બને કે તમે કોઈને ઘરે ગયા હોય ત્યારે તે દિવસે તમને લીબુંના શરબતની જગ્યાએ લીમડાનું શરબત મળે તો નવાઈ ન પામતા અને ખુશી ખુશી પી લેવામાં જ આરોગ્યની ભલાઈ છે.કડવો એ શરબતનો ઘૂંટ તમને આખું વર્ષ ફીટ અને ફાઈન રાખવામાં સહાયક બની રહેશે એવું ભારતનું આયુર્વેદ વિજ્ઞાન પણ કહે છે. ચૈત્ર માસની શરુઆતમા મોટાભાગના લોકો લીમડાનો રસ પીવાની અને પીવડાવવાની તજવીજમાં હોય છે તો કોઈ ઓખા હરણની વાર્તા વાંચવામાં અને વંચાવવામાં તત્પર હોય છે તો ઘણા આ ચૈત્ર માસમાં એક દિવસ ઠંડુ ખાવાનું એટલે કે આજે રાંધેલું આવતીકાલે બળિયાદેવના મંદિરમાં જઈ ખાવાનું અને બળિયાદેવને સ્વસ્થ આરોગ્ય માટે પાર્થના કરવાની.
પણ આ બધામાં કેન્દ્ર સ્થાને છે ચૈત્ર માસ ને લીમડો. આ બેનો ખરો મહિમા આપણા લોકોને ત્યારે જ સમજાય છે.
લીમડો એક એવું ગુણકારી ઝાડ છે જેના અનેકો ફાયદા છે. બજારમાં નીમ પ્રોડક્ટના નામે સાબુ, ટુથપેસ્ટ,અર્ક, નીમ અગરબત્તી, નીમ તેલ જેવી અનેકો ચીજ વસ્તુઓ વેચાય છે અને ખપી પણ જાય છે. આ જ લીમડો આપણને ગુણકારી ગુંદર પણ આપે છે. એવું કહેવાય છે કે લીમડાના ગુંદરમાંથી બનેલા લાડુ જો સવારે સવારે તમે ખાવ અને એની સાથે એક ગ્લાસ દૂધ પીઓ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમને તાવ આવવાની શક્યતા નહિવત થઈ જાય છે એવું અમારા દાદી કહેતા. આ જ લીમડાના ગુંદર સાથે ઘણા બધાની બાળપણની યાદો જોડાયેલી હશે જ. પહેલા ત્યારે જે તુરંત ચીપકી જાય એવી પ્રોડક્ટ નહોતી આથી કોઈ પણ નોટ બુક ફાટી જાય તો એને ચીપકાવવા જે ગુંદરનો ઉપયોગ થતો એ લીમડાનો ગુંદર હતો. હજી પણ ભારતની મોટા ભાગની પોસ્ટ ઓફીસમાં કાગળ , પરબીડિયા ચીપકાવવા માટે લીમડાનો અને બાવળનો ગુંદર ઉપયોગમાં લેવામાં આવે છે.
આ લીમડો તમને ફક્ત ગુંદર જ નથી આપતો પણ સાથે સાથે શીતળ છાંયડી પણ આપે છે. આપણું વન વિભાગ પણ એના સામાજિક વનીકરણ કાર્યક્રમમાં અને વૃક્ષ ઉછેર કાર્યક્રમમાં લીમડાના વૃક્ષને વધુ પ્રાધાન્ય આપે છે.
ભલે તમે લીમડાનું વૃક્ષ ન ઉગાડી શકો પણ એને બચાવી તો શકો જ છો. માટે આજથી સંકલ્પ કરો કે આપણા જીવનને નીરોગી રાખનાર આ મહામુલ્ય વૃક્ષનું આરોગ્ય પણ જળવાઈ એનું ધ્યાન તો આપણે જ રાખવાનું છે. ખરુંને ? અને હા જો ધ્યાન નહી રાખીએ તો ચૈત્ર માસમાં લીમડાનો રસ તમને આયાત ન કરવો પડે એ જોજો !!!!
લેખક : નરેન કે સોનાર ‘પંખી’
આપના અમુલ્ય અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો. અને દરરોજ અવનવી માહિતી માટે વાંચતા રહો અમારું પેજ.