આજે એક એવી નારીની વાસ્તવિક વાત કરવી છે જેણે પતિના મૃત્યુને મંગલ મહોત્સવમાં પરિવર્તીત કર્યુ. વાત ખુબ લાંબી છે પણ પુરે પુરી વાંચજો.
કેશોદમાં રહેતા રમણીકલાલ ગોંડલીયા નામના એક યુવકને આંતરડાનું છેલ્લા સ્ટેજનું કેન્સર ડીટેકટ થયું. ઓપરેશન કરાવ્યુ પણ તબીયતમાં કોઇ સુધારો ના થયો. આવી પડેલી આ આપતીનો સૌથી મોટો આઘાત રમણીકલાલના ધર્મપત્નિ અલ્પાબેનને લાગ્યો. જેની સાથે જીવનની હસીન પળો વિતાવી હોય એવા જીવનસાથીને આવી સ્થિતીમાં કેવી રીતે જોઇ શકાય ? દુ:ખને હૈયામાં ધરબીને એ બિચારી સ્ત્રી રોજ પ્રભુને પ્રાર્થના કરે અને સતત મંત્રજાપ કરે. પ્રભુની ઇચ્છા કંઇક જુદી જ હશે. અમુક સમય બાદ તબીયત વધુ બગડી અને દિવસે દિવસે બગડતી ચાલી.
કોઇપણ સ્ત્રી પડી ભાંગે એવી અવસ્થામાં અલ્પાબેન વધુ મજબુત બન્યા. પોતાનો પતિ હવે રહેવાનો નથી જ એ કડવી વાસ્તવિકતાને એણે સ્વિકારી લીધી અને હવે જેટલા દિવસનો સાથ છે એ સાથને યાદગાર સંભારણું બનાવી લેવાનું અને પતિના મૃત્યુને સુધારી લેવાનું એણે નક્કી કર્યુ. રાત-દિવસ પતિની સેવામાં હાજર રહે. પતિને છોડીને ક્યાંય જાય નહી. પતિની તમામ પ્રકારની સેવા કરે અને એની પાસે બેસીને સતત ગીતાજીનો પાઠ કર્યા કરે. જેમ જેમ ગીતાજીનો પાઠ વધતો ગયો તેમ તેમ આંતરીક મજબુતાઇ પણ વધતી ગઇ.
મૃત્યુનો દિવસ આવીને ઉભો રહ્યો. આજે પતિને પલંગ પર સુવડાવ્યા હતા અને અલ્પાબેન એની સામે બેસીને વાંચી રહ્યા હતા. અચાનક પતિ તરફ નજર કરી તો દેખાયુ કે પતિ સતત દિવાલ બાજુ તાકી રહ્યા છે. પતિની સ્થિતી જોઇને જ અલ્પાબેનને ખ્યાલ આવી ગયો કે પતિને વિદાય કરવાનો વખત હવે આવી ચુક્યો છે.
એમણે વાંચવાનું બંધ કર્યુ અને પતિ પાસે જઇને કહ્યુ, “ ભગવાનના શરણે જતા પહેલા તમે કરેલી એક ભુલની માફી માંગતા જાવ. તમે મારા નાનાનું અપમાન કરીને એનું દીલ દુ:ખવ્યુ હતુ અને એનો તમને વસવસો છે એ સાચુ ?“ પતિએ હકારમાં માંથુ હલાવ્યુ એટલે અલ્પાબેને કહ્યુ, “તો હવે તમે એમની માફી માંગીને અપરાધભાવમાંથી મુકત થઇ જાવ.” નાનાજી તો દુનિયા છોડીને જતા રહ્યા હતા એટલે ભગવાનનો ફોટો સામે ધરીને એની માફી માંગવાનું કહ્યુ. પતિએ બે હાથ જોડીને દિલથી માફી માંગી અને ભુતકાળમાં કરેલી ભુલની માફી માંગી. આ સિવાય જેનું દિલ દુખવ્યુ હોય એની પણ માફી માંગી.
રમણીકલાલ અને અલ્પાબેનને શ્રીનાથજી બાવા પ્રત્યે ખુબ ભક્તિભાવ એટલે હવે અલ્પાબેને શ્રીનાથજીની આઠ સમાની ઝાંખી કરાવવાની શરુઆત કરી. મંગળા દર્શનથી શરુ કરીને શયન દર્શન સુધીની બધી જ ઝાંખી કરાવડાવી અને ભગવાનને ભોગ પણ ધરાવડાવ્યો.
જાણે કે સામે જ શ્રીનાથજી ઉભા હોય એવું વાતાવરણ ઉભુ કરી પતિ-પત્નિ બંને શ્રીનાથજીની પ્રત્યક્ષ સેવા કરતા હોય એમ તમામ સેવાનો લાભ લીધો. શ્રીનાથજીના આઠ સમાની ઝાંખી કરાવ્યા પછી અલ્પાબેને કહ્યુ, “ ચાલો હવે આપણે હરીદ્વાર જઇને ગંગાજીમાં સ્નાન કરીએ.
તમે ભગવાનના નામસ્મરણ સાથે ગંગાજીમાં ડુબકી લગાવો. “ રમણીકલાલ જાણે કે ગંગાજીમાં સ્નાન કરતા હોય એવી અનુભૂતિ પણ કરી. અલ્પાબેને પુછ્યુ પણ ખરુ કે પાણી કેવુ હતું ? જવાબ મળ્યો ઠંડુ હતું એટલુ જ નહી એમને ખરેખર ઠંડી લાગવા માંડી એટલે એણે ટુવાલ મંગાવ્યો. ટુવાલને બદલે ભગવાનનો પ્રસાદીભૂત દુપટ્ટો આપ્યો તો તુંરત કહ્યુ ‘ પાણી બહુ જ ઠંડુ હતુ મને વધુ ઠંડી લાગે છે માટે ટુવાલ જ આપો.”
ગંગા સ્નાન પછી ગીરીરાજની પરીક્રમા કરાવવા લઇ ગયા. ગીરીરાજનું ચિત્ર સામે મુકીને અલ્પાબેને કહ્યુ , “ચાલો હવે આપણે ગીરીરાજજીની પરીક્રમા કરી લઇએ.” પરિક્રમા કરતા હોય એ જ ભાવ સાથે રમણીકલાલે ગીરીરાજને વંદન કર્યા. હવે સમય થયો યમુનાપાન કરવાનો. રમણીકલાલનું શરીર પણ હવે ખેંચાવા લાગ્યુ હતું.
રૂમમાં રહેલી યમુનાજીના પવિત્ર પાણીની લોટી થોડી દુર હતી. શરીર ખેંચાતું હતું એટલે એ છોડીને લોટી લેવા જઇ શકાય તેમ નહોતું. અલ્પાબેને રાડ પાડીને એમના જેઠાણીને બોલાવ્યા. બાજુના રૂમમાંથી બધા જ દોડાતા દોડતા આ દંપતિ જે રૂમમાં હતું એ રૂમમાં આવ્યા.
રમણીકલાલની સ્થિતી જોઇને બીજા લોકોએ રડવાની શરૂઆત કરી દીધી પણ પત્નિએ શાંત રહીને પતિને યમુનાપાન કરાવ્યુ. પછી પરીવારના બધા જ સભ્યોને પણ યમુનાપાન કરાવવા માટે કહ્યુ. બધાએ યમુના પાન કરાવ્યુ. એક નાની લોટી પાણી પીવડાવ્યુ પણ આજે એક આશ્વર્ય સર્જાયુ. એક ચમચી પાણી પીવાથી પણ ઉલટી થઇને નીકળી જતુ આજે આખી લોટી પીવડાવી અને એક ટીપુ પણ બહાર ન આવ્યુ.
છેલ્લે રમણીકલાલે સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે એમને બાથરૂમમાં લઇ જઇને સ્નાન કરાવવામાં આવ્યુ. સ્નાનવિધી બાદ એમને પથારીમાં સુવાડ્યા. અલ્પાબેન બાજુમાં બેસીને શ્રીમદભગવત ગીતાના 12માં તથા 15માં અધ્યાયનું વાંચન કર્યુ. રમણીકલાલને આજે બધુ જ દુ:ખ ભુલાઇ ગયુ હતું. ધીમે ધીમે શ્વાસની ગતી ઓછી થવા લાગી અને શ્વાસ થંભી ગયા.
એક કઠણ કાળજાની સ્ત્રીએ પતિનું મૃત્યુ સુધારી દીધું. આ અલ્પાબેન એટલે મારા મામાની દિકરી અને મારી લાડકી બહેન. (મૃત્યુના થોડા દિવસ પહેલા મળવા ગયેલો ત્યારે બેન બનેવી સાથે આ ફોટો પડાવેલો)
લેખક : શૈલેશ સગપરીયા
ઓમ શાંતિ !!!!!