આખુ વર્ષ સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે બનાવો મીઠા લીમડાની સૂકી ચટણી
આખુ વર્ષ દાળ અને શાકમાં ઉપયોગ માં લઈ શકાય છે આ ચટણી. આપણા બધાના ઘરમાં રોજીંદી રસોઇમાં મીઠા લીમડાનો ઉપયોગ તો થતો જ હોય છે પરંતુ જમતી વખતે આપણે દાળ-કઢીમાંથી લીમડાનાં પાન કાઢી લેતા હોય છીએ.
એ તો બધા જાણે જ છે કે લીમડામાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા હોય છે, જે આંખનું તેજ વધારવા, ખરતા વાળ અટકાવવા, વાળ સફેદ થતા અટકાવવા, ચામડીના રોગ મટાડવા અને ડાયાબિટીસ માટે લીમડો ખૂબજ ફાયદાકારક છે.
આજે જાણી લો મીઠા લીમડાની સૂકી ચટણી. જેનો ઉપયોગ આપણે કોઈ પણ રોજીંદી રસોઈ મા કરી શકીએ છીએ. જેનાથી સ્વાદ મા તો વધારો મળશે જ એ ઉપરાંત ઔષધીય ગુણ થી ભરપુર હોવાથી એનો પણ લાભ મળશે.
સામગ્રી:
– બે-ત્રણ કપ તાજા લીમડાના પાન
– બે ટેબલ સ્પૂન સફેદ તલ
– અડધો કપ સિંગદાણા
– ચાર-પાંચ લીલા તીખા કાપેલા મરચાં
– એક ચમચી તેલ
– અડધો કપ દાળિયાની દાળ
– એક ટેબલસ્પૂન ખાંડ
– સ્વાદ અનુસાર મીઠું
– નાની વાટકી સૂકુ કોપરું
બનાવવાની રીત:
સૌપ્રથમ લીમડાનાં પાન કાઢી પાણી મા બરાબર સાફ કરી તેને કોરા કપડાથી લૂછી લો. ત્યારબાદ એક કડાઇમાં એક ચમચી તેલમા લીમડાના પાન કદ્કડિયા થઈ જાય ત્યાં સુધી શેકી લો. પાન બહુ કાળાં ન થઈ જાય એનુ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ તે જ કડાઇમાં સિંગદાણા, તલ અને દાળિયાને બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેને કાઢી કોપરાને પણ શેકી લો. હવે આ જ કડાઇમા એક ચમચી તેલ ગરમ કરી તેમાં મરચાના ટુકડા બદામી થાય ત્યાં સુધી શેકી લો.
હવે આ બધી જ સામગ્રી ઠંડી થઈ જાય પછી મિક્સર મા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખી ધીરે-ધીરે પીસી લો. મિક્સર સ્પીડમાં ચલાવશો તો સિંગદાણા અને કોપરામાંથી તેલ છૂટું પડી જશે માટે મિક્સર મા ધીમે ધીમે પીસો.
તો સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે તૈયાર છે મીઠા લીમડાની સૂકી ચટણી…