અર્ધાંગિની

ઘડિયાળનું એલાર્મ વાગ્યું. રાજે ઘડિયાળની ઉપર હાથ મૂકીને એલાર્મ બંધ કર્યું. તે હજુ સુધી એટલો બધો નીંદમા હતો કે એલાર્મ બંધ કર્યા પછી ઉઠવાની જગ્યાએ સૂતો જ રહ્યો.

એક કલાક પછી જયારે તેણે જીણી આંખોથી ઘડિયાળ તરફ જોયું તો સમય જોઈને તેની આંખો આશ્ચર્યથી પુરે પુરી ખુલી ગઈ. તેને ભાન થયું કે તે એલાર્મ બંધ કરીને સુઈ ગયો હતો અને એક કલાક વીંતી ગયો હતો.

તે તરત જ બાથરૂમ તરફ ભાગ્યો પણ રોજની જેમ પાણી ગરમ નતું. તેણે પાણીને ગરમ કર્યું અને ઉતાવળે જેટલું થાય એટલી તૈયારી કરી ઓફીસ જવા નીકળ્યો. ભાગદોડમાં તેણે ના તો સવારની ચા પીધી કે ના સવારનો નાસ્તો. તે તો ઠીક પણ ઉતાવળમાં અને ઉતાવળમાં તે તેનો મોબાઈલ ઘરે જ ભૂલી ગયો હતો.

આખરે તેણે ગાડી ચાલુ કરી અને ઓફિસ જવા નીકળ્યો પણ રસ્તાના ટ્રાફીકે તેને મોડામાં વધુ મોડું કરાવ્યું. ટ્રાફિકને પસાર કરીને તે ઓફિસ પહોંચ્યો ત્યારે તેને જાણ થઇ કે તે ઓફિસ પર 2 કલાક મોડો પહોંચ્યો હતો . જેથી તેની ક્લાઈન્ટ સાથેની મિટિંગ રદ થઇ ગઈ હતી અને ક્લાઈન્ટે મિટિંગ બપોરના લન્ચના સમયમાં ફરી ગોઠવી હતી.

પેટમાં ઉંદેડા દોડતા હતા સવારની ચા પણ નતી પીધી. જયારે તેણે પેટ પર હાથ મુક્યો ત્યારે અહેસાસ થયું કે ઉતાવળમાં પેન્ટમાં પટ્ટો પણ પહેર્યો નતો અને કંઈક તેવી હાલતમાં તેણે ક્લાઈન્ટ સાથે બપોરના સમયે મિટિંગ કરી. મિટિંગ એટલી લાંબી ચાલી કે ના પૂછો વાત. લગભગ રાતના 9 વાગી ગયા. આખરે ઘરે જતી વખતે તેણે ડિનર પાર્સલ કરાવ્યું અને તે લઇને ઘરે પહોંચ્યો.

ઘરે પહોંચતાની સાથે તેને મોબાઈલ જોયો તો તે બંધ હતો કારણ કે મોબાઈલમાં બેટરી નતી. એટલે તેણે મોબાઈલ ચાર્જિંગ કરવા મુક્યો અને તેની પસંદીદા શબ્જી ચીઝ-બટર-મસાલા ખાવામાં લાગી ગયો. શબ્જી તેની પસંદીદા હતી છતાંય ના જાણે કેમ તેને કંઈક અધૂરું-અધૂરું લાગતું હતું.

આખરે ત્યારે જ તેનો ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ રણક્યો. તે ફોન તેની પત્ની મીરાનો હતો જે વેકેશનના સમયમાં તેના પિયરે ગયી હતી. રાજને ભાન આવ્યું કે આખા દિવસની ભાગદોડમાં તે તેની પત્નીને ફોન પણ નતો કરી શક્યો. જેવો તેણે ફોન ઉપાડ્યો બીજી બાજુથી ફરિયાદોનો વરસાદ શરૂ થઇ ગયો.

“તમને ખબર છે તમારી એક પત્ની પણ છે? જેવા પ્રશ્નથી લઇને, “ક્યાં હતા આખો દિવસ? ફોન કેમ ના કર્યો? કેટલા ફોન કર્યા મેં. ફોન કેમના ઉપાડ્યો?” જેવા ઘણા બધા પ્રશ્નો દુનિયાની કોઈ પણ પત્નીની જેમ મીરાએ તરત જ ફોન ઉપાડતાની સાથે પૂછ્યા.

રાજ તેને એક પછી એક થયેલી ઘટના સમજાવતો હતો પરંતુ મીરા તો નારાજ હતી છતાંય તેણે ચિંતાના ભાવે રાજને પૂછ્યું, “પહેલા એમ કહો કે તમે ડૉક્ટરની પાસે રેગ્યુલર હેલ્થ ચેકઅપની એપોઈન્ટમેન્ટ લીધી કે નહીં?”

રાજને યાદ આવ્યું કે તે એપોઈન્ટમેન્ટ લેવાનું પણ ભૂલી ગયો હતો એટલે તેણે કહ્યું, “અરે યાર, નાહ! આઈ મિસ ઈટ.”

“સરસ! તો તમે બીજું શું શું મીસ કર્યું? જણાવશો?” મીરાએ તાણ મારતા કહ્યું.

ત્યારે રાજને એહસાસ થયો કે સવારના એલાર્મ, ગરમ પાણી, ચા, મોબાઈલ, પટ્ટો, લન્ચ તથા ઘણી બધી વસ્તુઓ તે ભૂલી ગયો હતો. તેને ખબર પણ ના પડી કે ક્યારે નવા લગ્ન જીવનની શરૂવાત સાથે દુનિયાના કોઈ પણ પતિની જેમ લગ્ન પછી તે પોતાની પત્ની ઉપર સંપૂર્ણપણે નિર્ભર થઇ ગયો હતો. દરેક વસ્તુ એટલે જ બની હતી કે તેની પત્ની તેનાથી દૂર હતી. એટલું જ નહીં તેને ભાન આવી ગયું હતું કે સ્વાદ ખાલી ચીઝ-બટર-મસાલા ખાવાનો નહીં પણ મીરાના સાથે ચીઝ-બટર-મસાલા ખાવામાં હતો, મીરાની ગેરહાજરીના કારણે ખાવાનું અધૂરું-અધૂરું લાગતું હતું. લગ્ન પછી પત્ની વગરની ઝીંદગીની અસ્ત-વ્યસ્તતો હોય જ છે પરંતુ કંઈક અધૂરી પણ.આ વાતનો તેને એહસાસ થઇ ગયો હતો.

“બીજું શું શું મીસ કર્યું? કહેશો?” રાજના વિચારોની ગતિને અટકાવતા મીરાએ ફરી પૂછ્યું.

આખરે તેને કમી તો મીરાની જ હતી. તેણે તો તે દિવસે રોજિન્દી ઝીંદગી જીવી હતી અને ઝીંદગીની ઘણી
બધી કમીઓ રોજ તેની પત્ની મીરા પુરી કરતી હતી. આટલું વિચારી ચહેરા પર હલકું હાસ્ય કરી, રાજે ખુબ જ પ્રેમ પૂર્વક સાચું બોલતા કહ્યું, “મૂળ વાત તો એ છે કે – ‘આઈ મીસ યુ.'”

આ સાંભળીને ફોનની બીજી બાજુ મીરા મલકાઈ. છતાંય બીજી ઘડીએ પાછી રિસાઈ ગઈ અને તે બન્ને પતિ-પત્નીના સબઁધની મીઠી નોખજોખમાં લાગી ગયા. રાજ તે મીરાંને મનાવવામાં લાગી પડ્યો. મીરાને મનાવવામાં તેને કંઈક 2 કલાક લાગી ગયા.

લાગે જ ને, આખરે મીરા એક પત્ની હતી અને પત્નીઓ ને મનાવવું એટલે તમે જાણો જ છો ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *