“અંતિમ વિદાય!” – ખુબ લાગણીસભર વાર્તા તૃપ્તિ ત્રિવેદીની કલમે… વાંચો અને શેર જરૂર કરજો..

અત્યારે જીયા પ્રોફેસર તો બની જ ગઈ હશે! આમ પણ એ એના મનમાં જે નક્કી કરી લે છે એ તો કર્યે જ છૂટે છે ને. એને મને કહ્યું જ હતું કે હું પ્રોફેસર તો બનીશ જ….એટલે એને એનું સ્વપ્ન તો પૂરું કર્યું હશે…આમ પણ એ ખુલ્લી આખે જ સપનાઓ જોવે છે ને. આવું વિચારી વિચારીને હેત્વી અને અનુજ ખુબ જ ખુશ થતા હતા. ત્યાં જ અચાનક કોલ આવે છે. ને સંજોગ પણ કેવા બન્યા કે એ કોલ જિયાનો જ હતો અને એ પણ એને સરસ જાણીતી કોલેજમાં લેકચરર તરીકે જોબ મળી ગઈ છે એ કહેવા માટે જ.
જીયાના જ અવાજમાં આ ખુશખબરી વાંચીને બન્નેનો આનંદ તો બેવડાઈ જ ગયો. કોલ પર જ હેત્વી અને અનુજે અભીનંદનનો ઢગલો જ કરી દીધો.

“જો અનુજ અને હેત્વી મેં તો જે કહ્યું હતું એ કરીને દેખાડી દીધું છે. હવે, તમારો વારો છે હો યાદ છે ને? અમને બંનેને એટલે તો તારા પર ગર્વ છે…..કે તું એક આત્મવિશ્વાસુ ને ઉત્સાહી છોકરી છે….તું જે પણ ઈચ્છે છે એ પામી શકે છે. જેમ જેમ આગળ વધીશ એમ એમ અમે બંને ખુશ થશું.. તું અમારી એક એવી મિત્ર છે જે અમને પણ પ્રોત્સાહન આપે છે. તને ખબર નથી જયારે હું મારી લાઈફથી કંટાળી જાવ છું ત્યારે હું તારો ફોટો જોઈ લવ છું…કે આ છોકરી થઇ ને પણ કેવી પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધે છે. જયારે હું તો છોકરો છું…..જીયા તને નથી ખબર તું મારી શક્તિ છે. તું મારી પ્રેરણા છે. હું ખોટું બોલતો હોય તો પૂછ હેત્વી ને.
“એ બધું છોડ ….પહેલાં એ કહે, કે તું અને હેત્વી હવે મેરેજ ક્યારે કરો છો? મારે જલ્દી જલ્દી તમારા મેરેજમાં આવવું છે યાર “‘

“હા, હવે હું વિચારીશ એના વિષે પણ….પાક્કું”
“અરે હા, કહી દેવાથી કશું નહિ થતું……કાં, તું એના પપ્પાને વાત કર અથવા ભાગીને મેરેજ કરો ને બની જાઓ ‘રાજા હિન્દુસ્તાની’…હા હા હા “, આમ બોલીને જીયા હસવા લાગે છે.
“હું સમજુ છું તારા આ હાસ્ય પાછળ થોડો પ્રેમ પણ………બસ વાત ચાલુ હતી ને કોલ કટ થઇ ગયો”
ત્યાં જ થોડીવાર થઇ હશે ત્યાં જ એક અજાણ્યાં નંબર પરથી કોલ આવ્યો…”કે થોડીવાર પહેલા તમારે જેની જોડે વાત થતી હતી એ છોકરીનું જોરદાર એકસીડન્ટ થયું છે…હું એમને હોસ્પિટલ લઇ જાવ છું. મેં એમનો મોબાઇલ ચેક કર્યો છેલ્લો ડાયલ નંબર તમારો હતો….આ મારો જ મોબાઈલ નંબર છે… તમે નહિ આવો ત્યાં સુધી હું એમની જોડે રહીશ…તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર પહોચી મને આ નંબર પર કોલ કરજો”, એકી શ્વાસે આટલું બધું બોલીને ફટાફટ કોલ મૂકી પણ દીધો.

“આ બાજૂ અનુજનાં હાથમાંથી મોબાઈલ નીચે પડી જાય છે…આખું શરીર ધુજ્વા લાગે છે. એક શબ્દ પણ બોલી શકાતો નથી ને આંખો ભરપૂર વહી જાય છે.”
“અનુજ કોનો કોલ હતો ? શું થયું ? તું આમ કેમ રડે છે ?”, અચાનક જ બદલાયેલું કરુણ વાતાવરણ જોઈ આશ્ચર્ય પામતાં હેત્વીએ પૂછ્યું.
“ચલ ફટાફટ અમદાવાદ ત્યાં પહોચિશું એટલે તને બધી ખબર પડી જશે”
બંને અમદાવાદ પહોચ્યા. સિવિલમાં જઈને જોયું તો જીયાનું એકસીડન્ટ કોઈ ખટારા સાથે થયું હતું…..આખું શરીર એનું તૂટી ગયું હતું. બચવાના ચાન્સ ખુબ ઓછા હતા…કદાચ એ બચી જાય અને જો ડોક્ટર સર્જેરી કરે તો પણ એનું જીવન પથારીવશ જ રહેશે. એવું ડોકટરે કહ્યું.

એની હાલત જોઇને અનુજ સહી ન શક્યો…આખી સિવિલમાં સંભળાય એટલું જોરજોરથી બેફાટ રુદન કરવા લાગ્યો. જેની એ દિવસરાત પૂજા કરતો એવી મારી પ્રેરણામૂર્તિની આ દશા…..જેને એના જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ કર્યું તો નથી પણ વિચાર્યું જ છે એની આ દશા! હવે તો એ રડી પણ નહોતો શકતો…આ બાજૂ હેત્વી પણ એટલી જ દુખી હતી.
અનુજ તો એક મિનીટ પણ જીયાનાં બેડથી દૂર નહોતો ખસતો… હવે જીયા માટે શ્વાસ લેવો પણ મૂશ્કેલ બન્યો જતો હતો….ઘડીક શ્વાસ અટકી જતા….તો વળી ધડીક પાછા ચાલતાં હતા….હવે કદાચ કોઈ પણ ક્ષણે એના શ્વાસ અટકી જાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી. જેમ જેમ એના શ્વાસ અટકતા એમ એમ અનુજ અને હેત્વી વધારે દુઃખી થતા હતા.

“ આ કુદરત પણ કેવો છે? જેને આટલી પ્રેમાળ છોકરીને સરખી રીતે સુખમાં જીવવા તો નથી દીધી પણ એના મૃત્યુ સમયે પણ કેટલી કઠણાઈ આપી રહ્યો છે…તું ગમે એટલી કઠણાઈ આપીશ તોયે આ બહાદૂર છોકરી હસતા હસતા જ સ્વીકારશે…તું એનાં અસ્તિત્વને એના વ્યક્તિત્વને સમજીશ ત્યારે હે…કુદરત! તને પણ પસ્તાવો થશે! જો જે”, એક નજર જીયા પર કરતા અનુજ મનમાં ને મનમાં કુદરતને ફરિયાદ કર્યે જતો હતો. જન્મ થયો ને જીયા મા વગરની થઇ…..પપ્પાનાં બીજા મેરેજ નવી મમ્મી, નવી મમ્મીમાં થોડો નહી પણ વધારે સ્વાર્થે ભરેલો હતો…બચપણમાં રમવાની ઉમરમાં આખા ઘરનું કામ માથે આવી પડ્યું.

દિવસે કામ કરે ને રાત્રે વાંચવા બેસે તો નવી મમ્મીનો કકળાટ શરૂ કે, “ લાઈટબિલ આવશે તો કોણ ભરશે? રોજ નવા નવા ફતવા સૂઝે છે…તારું તો કાઈ વળવાનું નથી…તું તો અભાગણી જન્મતા વેત માને ભરખી ગઈ..તારા પાપે મારેય આ ઘરમાં આવવું પડ્યું…”

આ તો રોજનું થયું….જિયા ક્યારેય દુખી નહોતી થતી…એ હસતા હસતા એક જ જવાબ આપતી., “ હવે આવું નહિ થાય, ભૂલ થઇ ગઈ” પછી એ ભલે ધાબે બેસીને નગરપાલિકાની લાઈટનાં પ્રકાશે વાંચે..પણ ભણવામાં ખુબ જ હોશિયાર આખી સ્કુલમાં ઓલ્સો ફર્સ્ટ જ હોય. ઘરે તો કોઈને એ પણ ખબર ન હોય કે જીયા અત્યારે કઈ ક્લાસમાં ભણે છે. કહેવત છે ને કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે. જવાહર નાવોદયની પરિક્ષામા જીયા પાસ થઇ…ને એને એની જ સ્કુલમાં ભણવા જવાનું થયું…બધો જ ભણવાથી લઈને ખાવાનો, પહેરવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકારનો.

જીયા નવામાં ધોરણથી જવાહર નવોદયની સ્કુલમાં ભણવા જતી રહે છે. નિવાસી શાળા હોવાથી ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે. એટલે એ ત્યાં જ રહે છે. દસમાં ધોરણ પછી એને કેન્દ્રસરકાર ભોપાલ એમની જ બીજી સ્કુલમાં ભણવા માટે મોકલે છે.

જિયા મને દર વખતે જયારે મળે ત્યારે એક જ શબ્દ કહે, કોને કહ્યું કે, “ પૈસાથી જ ભણી શકાય છે ને પૈસાથી જ જિંદગી બને છે. એવું કોને કહ્યું કે,એકલા કશું ન કરી શકાય હું કોઈની પણ હેલ્પ વગર કોઈના સહારા વગર એકલી જ મારી બુદ્ધિથી મારી મંઝીલ સુધી પહોચિશ!”

“અને એને કરીને પણ દેખાડ્યું….પણ કદાચ આ દુનિયાને આ વાત સમજાવવા માટે સાચી સમજ ને ઉદાહરણ સ્વરૂપે દેખાડવા માટે ભગવાને એની જિંદગીને ઉદાહરણ બનાવી દીધી.”
કોઈ મિત્રતા નિભાવતા પણ કોઈ શીખે તો જીયા પાસેથી જ શીખે….એને એક દિવસ નહિ ગયો હોય કે મારી જોડે કોલ પર વાત ન કરી હોય…એ સદા મારી અને હેત્વીની જ ખુશી ઈચ્છતી હતી.
હજી અનુજ આ બધું વિચારે છે ત્યાં જ જીયા એ છેલ્લો શ્વાસ છોડ્યો અનુજ અને હેત્વી સામું જોઇને.

જેમ અનુજે વિચાર્યું એમ જ એનો અંતિમ શ્વાસ પણ મોત સામે લડતા લડતા હસીને લીધો…ને ઈશારામાં એ પણ સમજાવતી ગઈ કે તમે મેરેજ કરી લે જો…જે જીયાની ઈચ્છા હતી જ. અનુજે અને હેત્વી એ જીયાની છેલ્લી ઈચ્છાને માન આપી વરધોડીયાનાં કપડા પહેરીને બંને એ એકસાથે જ જીયાની ચિતાને આગ ચાંપીને અંતિમવિદાય આપી.

એક દોસ્તની ચિતાને સાક્ષી માનીને બંને જણાએ સાત ભવ સાથે રહેવાના વચન આપી પ્રભુતામાં પગલા માંડ્યા…
જીયાની પહેલી પુણ્ય તિથીએ જ અનુજ અને હેત્વિના જીવન રૂપી બગીચામાં એક બાળકી સ્વરૂપે ફૂલ ખીલ્યું ને એનું નામ આપ્યું ‘જીયા’.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી નાની નાની વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *